Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

કુલપતિ બંગલો - ઓફિસ - સિન્ડીકેટનું જીવંત પ્રસારણ કરવા પ્રચંડ માંગ

પરીક્ષાનું પ્રસારણ કર્યા બાદ વિદ્યાર્થી - વાલી - કોલેજ સંચાલકો - અધ્યાપક સમૂહ અને શિક્ષણ પ્રેમીઓ દ્વારા : મોઢા એટલી વાતો ને બ્રેક મારવા અને ગૌરવ જાળવવા નક્કર પગલા ભરો... વિવાદ બંધ કરવો અતિ જરૃરી

રાજકોટ તા. ૬ : સંશોધન અને ગૌરવપૂર્ણ શિક્ષણ દ્વારા અગાઉ એ-ગ્રેડથી પ્રકાશીત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ધીરે ધીરે બી-ગ્રેડમાં આવી ગઇ છે. અગાઉના સત્તાધીશોએ ધંધાદારી શિક્ષણને પ્રોત્સાહન આપી ક્રમશઃ મૂલ્યનિષ્ઠ અને સમાજ ઉપયોગી સંશોધનો ઓછા થઇ રહ્યા છે. યુનિવર્સિટીના સત્તા મંડળમાં ધંધાદારી ખાનગી કોલેજોના માલીકોનો કબ્જો છે. હવે તો કુલપતિ પણ ખાનગી કોલેજ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દેરાણી - જેઠાણી અને નણંદના કજીયામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વહિવટી અને શૈક્ષણિક વિકાસ અટકી ગયો હતો ત્યારે રાજ્ય સરકારે કાર્યકારી કુલપતિ તરીકે ગીરીશ ભીમાણીને નિમણુંક કરી છે. પ્રારંભે એક માસ ખૂબ કામગીરી સારી રહી હતી પરંતુ ધીરે ધીરે વિવાદ વકરતા ગયા અને કોંગ્રેસના અગ્રણીઓ જાણે સુપર વીસી હોય તેમ ભાજપ અને સંઘના આગેવાનોને વીણી વીણીને પરેશાન કરતા હોવાની ઉચ્ચકક્ષાએ અનેક રજૂઆત થઇ હોવાનું જાણીતું છે.

તાજેતરમાં ખાનગી કોલેજોને છુટો દોર આપી નવી કોલેજો અને અભ્યાસક્રમોની લ્હાણી કરી હતી. જેનો ખુદ ભાજપના સિન્ડીકેટ સભ્યો અને આગેવાનોએ વિરોધ કર્યો હતો. રજીસ્ટ્રારની ભરતીમાં પણ યુનિવર્સિટીના કુલપતિ ભીમાણી ગોથું ખાય જતાં હાઇકમાન્ડ અને ચોક્કસ સમાજ ખૂબ નારાજ થયાની પણ ભારે ચર્ચા છે.

ગઇકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. પરીક્ષાનું જીવંત પ્રસારણ સામાન્ય માણસો માટે જાહેર કરાતા મિશ્ર પ્રતિઘાત પડયા છે. પરીક્ષા દરમિયાન સંપૂર્ણ અંકુશ યુનિવર્સિટીના સત્તાધીશોએ મેળવવાનો હોય છે. તે તેની ફરજનો ભાગ છે. બધા જ પરીક્ષા કેન્દ્રો ઉપર ચોરી થતી નથી. એકાદ બે કેન્દ્રો ઉપર ભારે ચોરી થતી હોય છે. યુનિવર્સિટીના પરીક્ષાનું જીવંત પ્રસારણ મુદ્દે બે મત પ્રવર્તે છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, અધ્યાપકો, વિદ્યાર્થી સંગઠનો અને શિક્ષણ પ્રેમીઓ દ્વારા વિદ્યાર્થીઓની પરીક્ષાનું જેમ જીવંત પ્રસારણ થયું છે તેમ કુલપતિના બંગલો અને ઓફિસ, એન્ટી ચેમ્બર, સિન્ડીકેટ, એકેડેમીક કાઉન્સીલ, બોર્ડ ઓફ યુનિવર્સિટી ટીચીંગ સહિત તમામ બેઠકોનું જીવંત પ્રસારણ કરવું જોઇએ તેવી પ્રચંડ માંગ ઉઠી છે.

યુનિવર્સિટીની દરેક સિન્ડીકેટ અને એકેડેમીક કાઉન્સીલની બેઠકમાં શિક્ષિત અને પ્રબુધ્ધ ગણાતા અધ્યાપકો અશિક્ષિત લોકોને શરમાવે તે રીતે બાખડતા હોય છે. તાજેતરમાં જ કોલેજોને લ્હાણી મુદ્દે વિરોધમાં કલાધર આર્ય અને તરફેણમાં રાજેશ કાલરિયા વચ્ચે ભારે તડાપીટ બોલી હતી. અગાઉ પત્રકારોને સિન્ડીકેટ અને અન્ય બેઠકોમાં ઉપસ્થિત રહેવાની કાર્યકારી કુલપતિ ભીમાણીએ છૂટ આપી હતી બાદમાં મનાઇ ફરમાવી છે.

હાલ વર્તમાન સમયમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ક્ષેત્રે અનેક લોકો મોઢા એટલી અવનવી વાતો કરતા હોય છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાવાળાઓએ જો શિક્ષણનું ગૌરવ વધારવું તો પરીક્ષાની જેમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિના બંગલો, ઓફિસ અને સિન્ડીકેટ એકેડેમીક કાઉન્સીલનું પણ જીવંત પ્રસારણ કરીને નવો માર્ગ અપનાવો જોઇએ.

(4:37 pm IST)