Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

વોહેરા પરિવારમાં એક-બે નહીં પણ ૪૭-૪૭ દીક્ષાઓ થઇ

કરોડોનો કારોબાર ૪ દીવસમાં સમેટી લીધોઃ ઉઘરાણીનું પણ વરસીદાન કર્યુ એમ માગી લેવા પિતાની શીખ : પોપટલાલ હેમજી પરિવારમાં સૌપ્રથમ દિક્ષા પૂ. ગુણદક્ષાશ્રીજી મ.સ.એ લીધેલઃ હવે પ્રિયાંક અને ભવ્‍યતાએ પણ આજે સુરત ખાતે દીક્ષા અંગીકાર કરી

રાજકોટ તા. ૬ : જૈન સમાજમાં દિક્ષાનું ખુબ જ મહત્‍વ છે, ત્‍યારે બનાસકાંઠાના દિયોદરના નાનકડા એવા મીઠી લીમડી ગામના વોહેરા પરિવારના પ્રિયાંક અને તેમના ધર્મપત્‍ની ભવ્‍યતાએ આજે સુરતના વેસુ ખાતે દિક્ષા ગ્રહણ કરતા ઇતિહાસ રચાયો છે. જૈન સમાજમાં એક જ પરિવારમાંથી  ૪૭  દિક્ષા થઇ હોય તેવો કદાચીત પ્રથમ પ્રસંગ છે.

નાના એવા મીઠી લીમડી ગામના પોપટલાલ હેમજી પરિવારના ૪૦-પ૦ વર્ષના ઇતિહાસમાં દિક્ષા ગ્રહણ કરવાનું અવિરત પણે ચાલ્‍યુ આવે છે. આ પરિવારમાંથી સૌ પ્રથમ દિક્ષા સાધ્‍વીજી ગુણદક્ષાશ્રીજી મ. સ. એ લીધી હતી. ત્‍યારબાદ જાણે આ પરિવારમાં દિક્ષા લેવી એ પરંપરા બની હોય તેમ આજે પ્રિયાંક - ભવ્‍યતાની દિક્ષા ગ્રહણ કરવાની સાથે ૪૭ આત્‍માઓની દિક્ષાઓ વોહેરા પરિવારમાં સંપન્‍ન થઇ છે.

૩૬ વરસની ભર યૌવનવયે એક સાથે સંસાર ત્‍યાગનારા મુમુક્ષુ પ્રિયાંક કિરણભાણ વોહેરા અને મુમુક્ષુ ભવ્‍યતા પ્રિયાંક વોહેરાએ આજે વહેલી સવારે ૮ કલાકે સુરત -વેસુ રામવિહાર મુકામે દીક્ષા ગ્રહણ કરી હતી.

આ દંપતિએ આજથી દસ વરસ પહેલા લવમેરેજ કર્યા હતા. લગ્નના ફળ સ્‍વરૂપે એમને ત્‍યાં દેવ જેવા બે સંતાનો જન્‍મ થયો. બંને સંતાનને જન્‍મથી સુસંસ્‍કારથી વાસિત કર્યા. ચોવિહાર, પુજા, ઉકાળેલુ પાણી, હોટલ ત્‍યાગ વગેરે અનેક સંસ્‍કારો સ્‍વયં કેળવ્‍યા અને સંતાનોને પણ એ જ સંસ્‍કાર આપ્‍યા. સ્‍કૂલમાં સંતાનોને ભણાવ્‍યા નથી કે નથી કોઇ પણ જાતના કલાસીસ કરાવ્‍યા. જન્‍માંતરીય સંસ્‍કારો લઇને આવેલ આ બંને સંતાન સૂર અને સિરિને આજથી અઢી વરસ પહેલા દીક્ષા આપી. આજે દસને અગિયાર વરસના એ બંને નાના મહારાજ સ્‍કૂલમાં નહીં ભણ્‍યા હોવા છતાં કડકડ સંસ્‍કૃત, ગુજરાતી, હિન્‍દી, અંગ્રેજીમાં બોલી શકે છે તે આંગળીના વેઢે ભાતભાતના ગણિત કરી શકે છે.

તે બંને સંતાનો દીક્ષા પછી પ્રિયાંકભાઇ અને ભવ્‍યતાબહેનનો વૈરાગ્‍ય દ્રઢ થયો. સતત રત્‍નચંદ્ર સુરીશ્‍વરજી મહારાજ (ડહેલા વાળા)ની પ્રેરણા અને સાથે સાથે ઉદયરત્‍ન સુરીશ્વરજી મહારાજની વાચના તેમજ ભાઇ મહારાજ મુનિ. રાજદર્શન વિજયજી મહારાજ સાહેબના ઘડતરથી આ દંપતી દીક્ષા લેવા માટે તૈયાર થયા.

સુરતના અતિ વિકસીત વેસુ વિસ્‍તારમાં રામ વિહારમાં આજે તા. ૬ ના દંપતીના દીક્ષના નિમિતે ત્રિદિવસીય મહોત્‍સવનું આયોજન થયું છે. દીક્ષા ઉત્‍સવ ભવ્‍ય રીતે ઉજવાયેલ. આ દંપતી દીક્ષાનું નામ આપવામાં આવ્‍યુ છે નેમ રાજુલના વારસદાર.

દીક્ષા પ્રસંગે અઢીસો પરિવારને કરિયાણું આપવામાં આવેલ. વરસીદાનમાં અનેક વસ્‍તુઓ અર્પણ કરાયેલ. ગુજરાત અને મુંબઇના ખ્‍યાતનામ સંગીતકારો તથા સાહિત્‍યકાર અને કવિ પણ આ પ્રસંગે પધારેલ.

આ એક એવો પરિવાર છે કે જેમાંથી અત્‍યાર સુધી ૪૫ દીક્ષા થઇ ચૂકી છે. દંપતિ દીક્ષા સાથે કુલ મળીને ૪૭ દીક્ષા થયેલ. કરોડોનો કારોબાર લાખો રૂપિયાની ઉઘરાણી-અપાર વૈભવ, યૌવનવય-ચિક્કાર સુખ-સ્‍નેહ સ્‍વજનો વગેરે બધુ છોડીને અત્‍યારના કાળમાં આ દંપતી દીક્ષા લે છે એ કઠિન છે.

પ્રિયાંકભાઇ તો બે ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી પણ હતા ને અનેક સંસ્‍થા સાથે સંકળાયેલા હતા. એમના પિતાનો સંસ્‍કારવારસો  ગજબનો છે. ઉઘરાણીનો સવાલ આવ્‍યો ત્‍યારે પિતાશ્રી કિરણભાઇએ ખુમારીપૂર્વક કહ્યુ કે ‘જેને છોડવાનું જ હોય અને ઉઘરાણીનો વિચાર જ ન કરાય. છોડવું છે તો છોડી જાણવું ઉઘરાણીનું પણ વરસીદાન કર્યું છે. એમ માગી લેવાનું'

પિતાજીના આ વચનોથી પ્રિયાંકભાઇ હતા એના કરતા વધુ મજબુત થવા અને માત્ર ચાર જ દિવસમાં તમામ ધંધો આટોપી લીધો. આવી ખુમારી પૂર્વક અને સત્‍વ પૂર્વક આ દંપતી એ દીક્ષા લીધી હતી.

(3:40 pm IST)