Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

ગીરગંગા પરિવાર દ્વારા ચેકડેમ જીર્ણોધ્ધાર અભિયાન

તુટી ગયા હોય તેને રીપેર કરાશે : જરૃર હોય ત્યાં માટી કાંપ કાઢી તળ ઉંડા કરાશે : દાતાઓના સહયોગથી જળ સંચયનું કાર્ય વેગમાં : વાજડી, પાંભર ઇટાળા, દેવગામમાં મળેલી સફળતાથી પ્રેરાઇને હવે ગામડે ગામડે અભિયાન

રાજકોટ તા. ૬ : 'જળ છે તો જીવન છે' એ ઉકિતને સાર્થક કરવા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા તુટી ગયેલા કે જર્જરીત થયેલા ચેકડેમોનો જીર્ણોધ્ધાર કરવાનું અભિયાન વેગવંતુ કરાયુ છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના આગેવાનોએ જણાવ્યુ હતુ કે સરકાર દ્વારા બંધાયેલા ચેકડેમોની ક્ષમતા આખા ગામનું પાણીનું તળ ઉંચુ લાવવાની હોય છે. પરંતુ જો આવા ચેકડેમો તુટી ગયા હોય તો તે બીન અસરકારક બની જાય છે. ત્યારે વચ્ચેથી કે સાઇડોમાંથી તુટી ગયેલા આવા ચેકડેમોને શોધી શોધી તેનું સમારકામ કરવાનું કાર્ય અમારી સંસ્થાએ આરંભ્યુ છે.

વર્ષો પહેલા બનેલા જુના ઓછી ઉંચાઇ ધરાવતા ચેકડેમોને ઉંડા ઉતારી તેની ક્ષમતા વધારવામાં આવશે. આ માટે દાતાઓનો સહયોગ પણ લેવાશે. પ્રથમ તબકકે ભીખાભાઇ વિરાણી (બાલાજી વેફર્સ) ના સહયોગથી વાજડી ગામના ર ચેકડેમ તેમજ જેતાકુબા ગામના પ ચેકડેમ તેમજ માધવજીભાઇ પાંભરના સહયોગથી પાંભર ઇટાળામાં ૩ ચેકડેમ, પ્રકાશભાઇ કનેરીયા (માધવબાગ)ના સહયોગથી દેવગામમાં ૧ ચેકડેમ ઉપરાંત રાધે બોરવેલવાળા ધનજીભાઇ ગમઢા અને અન્ય દાતાઓના સહયોગથી ૧૩ ચેકડેમોનો જીર્ણોધ્ધાર કરેલ છે.

હજુ રાજકોટ જીલ્લાના ૫૯૪ ગામોની અંદર અંદાજીત ૩૦૦૦ થી વધુ ચેકડેમો ચુટી ગયાની માહીતી છે. જે તમામનું સમારકામ હાથ ધરવાનો આ સંસ્થાનો લક્ષ્યાંક છે. ઉપરાંત જે કોઇ લોકો આવા સમારકામ માંગતા ચેકડેમો અંગે અમારૃ ધ્યાન દોરશે તેના પ્રત્યે દાતાઓના સહયોગથી ધ્યાન અપાશે.

જીર્ણોધ્ધારની જરૃર હોય તેવા ચેકડેમોની માહીતી આપવા તેમજ સહયોગી બનવા મો.૯૪૦૯૬ ૯૨૬૯૩ ઉપર સંપર્ક કરી શકાશે.

માત્ર આર્થીક મદદ જ નહીં જેસીબી, ટ્રેકટર, લોખંડ, સીમેન્ટ, રેતી, કપચીનો સહયોગ આપીને પણ મદદરૃપ બનવા સૌકોઇએ આગળ આવવા ગીરગંગા પરિવાર ટ્રસ્ટે અનુરોધ કરેલ છે.

આ ચેકડેમ જીર્ણોધ્ધાર અભિયાનને સફળ બનાવવા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દીલીપભાઇ સખીયા, કમીટીના સભ્યો દિનેશભાઇ પટેલ, ભુપતભાઇ કાકડીયા, વિઠ્ઠલભાઇ બાલધા, માધવજીભાઇ પાંભર, લક્ષ્મણભાઇ શિંગાળા, મનિષભાઇ માયાણી, અશોકભાઇ મોલિયા, રતિભાઇ ઠુંમર, ભરતભાઇ પીપળીયા જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:28 pm IST)