Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

પરપ્રાંતની ટ્રેનો પાંચથી છ દિવસ દોડાવવા માંગણી

પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, વારાણસીથી મજૂરી માટે લાખોની સંખ્યામાં શ્રમિકો ગુજરાત-સૌરાષ્ટ્રમાં આવે છેઃ મોરબીના સિરામિક ઉદ્યોગમાં હજારો કારીગરો હોવાછતાં  કેટલીક ટ્રેનો વાંકાનેર ઊભી ન રહેતા કારીગરોએ ૬૦ કિલોમીટર દૂર રાજકોટ જવું પડે છે

રાજકોટ, તા. ૬ : પશ્ચિમ રેલવે દ્વારા દોડાવવામાં આવતી ટ્રેનોમાં ખાસ કરીને સૌરાષ્ટ્રથી અન્ય રાજ્યોમાં જતી ટ્રેનોમાં મહિનાઓ સુધી ટિકિટ મળતી નથી, જનરલ કોચની સંખ્યા ઓછી હોવાના કારણે મુસાફરો રિઝર્વેશનના કોચમાં મુસાફરી કરવા મજબૂર બને છે જેના કારણે અન્ય મુસાફરોને પણ ભારે મુશ્કેલી ભોગવવી પડે છે. તાજેતરમાં અખિલ ભારતીય રેલવે ઉપભોગતા સંઘ દ્વારા રેલવે મંત્રાલય સમક્ષ એવી માંગણી કરવામાં આવી છે કે, સૌરાષ્ટ્રમાંથી અન્ય રાજયોમાં જતી ટ્રેનોમાં જનરલ કોચની સંખ્યા વધારવામાં આવે ઉપરાંત સપ્તાહમાં બે કે ત્રણ વખત દોડતી ટ્રેનોને પાંચ-છ દિવસ દોડાવવામાં આવે તો પરપ્રાંતીય મુસાફરો અને રિઝર્વેશન કોચમાં મુસાફરી કરતાં નાગરિકો માટે પણ સરળતાં રહેશે.

ગુજરાતના સૌરાષ્ટ્રમાં છેલ્લા એક દાયકામાં જે પ્રમાણે ધંધા-રોજગાર અને નવી ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના થઇ છે તેના કારણે મોટી સંખ્યામાં પરપ્રાંતીય મજૂર, કારીગરો અન્ય રાજયોમાંથી ગુજરાતના સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લામાં આવ્યા છે. આ તમામ લોકો માટે રેલવે દ્વારા હાલમાં ઓખા-ગૌહાટી સાપ્તાહિક, ઓખા –ગોરખપુર સાપ્તાહિક, ઓખા-વારાણસી સાપ્તાહિક, પોરબંદર-મુઝફફરપુર સપ્તાહમાં બે વખત દોડાવવામાં આવે છે. આ ટ્રેન સપ્તાહમાં એક કે બે વખત દોડતી હોવાથી બારે માસ ફુલ રહેતી હોય છે.જનરલ કોચ ઓછા હોવાના કારણે સામાન્ય મુસાફરોએ નાછૂટકે રિઝર્વેશનના કોચમાં મુસાફરી કરવી પડે છે અને તેના ભાગરૃપે દંડ ભરવો પડે છે સાથે સાથે રિઝર્વેશન કલાસમાં મુસાફરી કરતાં નાગરિકો માટે પણ ભારે અગવડતાં ઊભી થાય છે. આ તમામ ટ્રેનો જે સપ્તાહમાં એક વખત કે બે વખત દોડાવવામાં આવે છે તેને ચારથી પાંચ વખત કરવામાં આવે તો મુસાફરો માટે રાહત થાય તેમ છે. આજ રીતે આ તમામ ટ્રેનોમાં જનરલ કોચ વધારવામાં આવે તો ગરીબ નાગરિતો કે પોતાના વતન જવા ઇચ્છતાં હોય છે તેમના માટે રાહત થાય તેમ છે.

પોરબંદર-મુઝફફરપુર એકસપ્રેસ કે જે સપ્તાહમાં બે દિવસ ચાલે છે તેમાં સેકન્ડ કલાસ અને સ્લીપર કોચની સંખ્યા ઘટાડીને એસી કોચ વધારવામાં આવ્યા છે જેના કારણે ગરીબ અને શ્રમિક વર્ગના લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.

 પોરબંદર શાલીમાર એકસપ્રેસ સપ્તાહમા એક વખત, ઓખા શાલીમાર સપ્તાહમાં બે વખત દોડાવવામાં આવે છે. આ ટ્રેન રાજકોટમા ઊભી રહે છે ખરેખર ઝારખંડ અને પિ?મ બંગાળના શ્રમિકો મોરબીના સીરામીક ઉદ્યોગમાં કામ કરવા માટે આવી રહ્યા છે આ તમામ શ્રમિકોએ ટ્રેનમાં બેસવા માટે મોરબી પાસે વાંકાનેર સ્ટેશન પર ટ્રેન ઊભી રહેતી ન હોવાથી ૬૦ કિલોમીટર દૂર રાજકોટ જવું પડે છે. આ ટ્રેનને સ્ટેશન આપવા પણ માંગણી થઇ રહી છે.

(3:21 pm IST)