Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

ખંડણી માંગવાના ગુનામાં પકડાયેલ આરોપીને જામીન પર છોડવાનો આદેશ

રાજકોટ તા.૬ : ખંડણી માંગવાના ગુનામાં આરોપીને જામીન ઉપર છુટકારો સેસન્સ અદાલતે ફરમાવેલ હતો.

આ બનાવની વિગત એવી છે કે, આ કામના ફરીયાદી અશોક મોહનભાઇ પટેલ રહે. ટંકારાજી. મોરબીવાળાએ ટંકારા પોલીસ સ્ટેશનમાં આરોપી હર્ષિત  બેચરભાઇ પટેલ વિગેરે બે આરોપીઓ વિરૃધ્ધ ખંડણી માંગી અને ન આપતા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ ટંકારા પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. ૩૮૭, પ૦૭ મુજબ નોંધાવેલ હતી.

ત્યારબાદ ઉપરોકત કામે ચાર્જશીટ થઇ જતા આરોપી હર્ષિત બેચરભાઇ પટેલે મોરબી સેસન્સ કોર્ટમાં જામીન  અરજી દાખલ કરેલ જેમાં બચાવપક્ષે દલીલમાં જણાવેલ કે હાલનો બનાવ સાવ ખોટી ઉપજાવી કાઢેલ છે. તેમજ હાલના કામે તપાસ પુર્ણ થઇ ગયેલ છે અને નામદાર વડી અદાલતમાં જેલ એ અપવાદ અને જામીન એ નિયમના સિધ્ધાંત મુજબ પણ હાલના આરોપી વિરૃધ્ધનો જામીન મુકત થવા માટેનો પ્રથમ દર્શનીય કેસ છે. તેમજ આરોપીને જયારે જામીન ઉપર મુકત કરવામાં આવે તો ત્યારે જો તે સહેલાઇથી ટ્રાયલ દરમિયાન અદાલત સમક્ષ હાજર રહે તેમ હોય તો તેમને જામીન આપવા માટે યોગ્ય કેસ ગણાય જે દલીલોને ધ્યાને લઇ અદાલતે આરોપીને શરતી જામીન ઉપર મુકત કરવા હુકમ ફરમાવેલ હતો.

ઉપરોકત આરોપી હર્ષીત બેચરભાઇ પટેલ વતી રાજકોટના એડવોકેટ અમીત એન. જનાણી, જીતેન્દ્રસિંહ વી. પરમાર, ઇકબાલ થૈયમ તથા મોરબીના ફેનીલ ઓઝા રોકાયેલ હતા.  (ર૬.પ)

 

 

રવેચીનગરમાં આર્થિક ભીંસથી કંટાળી વસીમ સીંડાનો એસીડ પી આપઘાત

રાજકોટ, તા.૬: કોઠારિયા સોલવન્ટ રસુલપરા પાસે રવેચીનગરમાં રહેતા યુવાને આર્થિક ભીંસથી કંટાળી એસીડ પી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ રવેચીનગરમાં રહેતા વસીમ કાસમભાઇ સીંડા (ઉ.વ.૨૬) નામના યુવાને ચાર દિવસ પહેલા પોતાના ઘરે એસીડ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો ત્યા તેનુ સારવાર દરમ્યાન મોત નિપજયુ હતુ. મૃતક વસીમ મજૂરી કામ કરતો હતો. છેલ્લા ઘણા સમયથી કામ ધંધો ન મળતા આર્થિક ભીંસથી કંટાળી તેણે આ પગલુ ભર્યુ હોવાનુ જાણવા મળ્યુ છે. આ અંગે તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ. ક્રિપાલસિંહ ઝાલા સહિતે તપાસ હાથ ધરી હતી. એક પુત્ર અને એક પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.(૨૩.૨૯)

 

(3:18 pm IST)