Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

રાધેકૃષ્‍ણ સોસાયટીના મકાનો ખાલી કરાવવાના મામલે થયેલ હત્‍યા કેસમાં એસ.કે.વોરાની સ્‍પે.પી.પી.તરીકે નિમણૂંક

રાજકોટઃ તા.૫ રાજકોટ શહેરમાં રાધેકૃષ્‍ણ સોસાયટીના નામે ઉભી થયેલ વસાહતમા ૫૦૦૦ ચો.વા.જમીન ઉપરના મકાનમાં ખાલી કરાવી જમીન હડપ કરવાના કિસ્‍સામાં ગુજરાત સરકારના કાયદા વિભાગે આરોપીઓ સામે કેસ ચલાવવા માટે જિલ્‍લા સરકારી વકીલશ્રી સંજય વોરાને સ્‍પે.પી.પી નિમી સરકાર તરફે અસરકારક રજૂઆત કરવા માટે સૂચના આપેલ છે.

આ કેસની હકીકત એવા પ્રકારની છે કે, ગાંધીગ્રામ-૨ યુનિ. પોલીસ સ્‍ટેશનની હદમાં આવેલ રાધેકૃષ્‍ણ સોસાયટીના ૨૫ મકાનો ખાલી કરાવી જમીનો હસ્‍તગત કરવા માટે મયુરસિંહ જાડેજા, અમિત ભાણવડીયા અને ભરત ઉર્ફે ભુરો સોસાએ કાવતરુ રચી પોતાના માણસોને સોસાયટીના રસ્‍તાઓ અને ખુલ્‍લી જમીનો ઉપર તોફાનો કરવાની સુચના આપેલ હતી

આ સુચના મુજબ આરોપીઓ વિજય રાઠોડ, પરેશ ચૌહાણ, હિરેન વાઢેર વિગેરેએ સોસાયટીમાં મધરાતે તોફાનો કરી માસાહારી ખોરાકો બનાવી તથા રહીશોની ગાડીઓ ઉપર પથ્‍થર મારી તેમજ રહીશોના ઘરઆંગણે માટે મોટેથી બુમો પાડીને અને અપશબ્‍દો બોલીને સોસાયટીમા ત્રાસ ફેલાવેલ હતો.

પ્રોસીકયુશનના કેસ મુજબ આવા ત્રાસના કારણે સોસાયટીના ૧૭ રહીશોએ પોતાના મકાનો ખાલી કરી જતા રહેલા હતા. અન્‍ય લોકો આવા તોફાની અસામાજીક તત્‍વોના કૃત્‍યોને વશ થવાના બદલે લડત આપતા હતા. આ દરમ્‍યાન સોસાયટીના રહીશ  અવિનાશભાઇ કુરજીભાઇ ધુલેશીયાએ પોતાના ઘર સામે થતા તોફાનો અંગે વિરોધ કરતા ઉપરોકત તોફાની તત્‍વોએ તેઓ સામે પથ્‍થરમારો કરેલ જે દરમ્‍યાન અવિનાશભાઇને માથાના ભાગે ઇંટ લાગતા ગંભીર ઇજા થયેલ. આથી આ ઇસમો વિરુધ્‍ધ મૃત્‍યુ નિપજાવવાના પ્રયાસનો ગુન્‍હો નોંધવામાં આવેલ હતો

સારવાર દરમ્‍યાન ઇજા પામનાર અવિનાશભાઇનું અવસાન થતા આરોપીઓ વિરુધ્‍ધ ખુનના ગુન્‍હાની કલમનો ઉમેરો કરવામાં આવેલ હતો. ગુન્‍હાની ગંભીરતાને ધ્‍યાનમાં લઇશ્રી સરકારે આ ગુન્‍હાની તપાસ સી.આઇ.ડી. ક્રાઇમ, ગાંધીનગરને સોપતા સી.આઇ.ડી. ક્રાઇમ પોલીસે તપાસના અંતે ભરત ઉર્ફે ભુરો સોસા સિવાયના આરોપીનો વિરૂધ્‍ધ ચાર્જશીટ રજુ કરેલ છે અને ધરપકડ થયેલ તમામ આરોપીઓ હજુ જેલમા છે. ભરત ઉર્ફે ભુરો સોસાની આગોતરા જામીન અરજી રદ થયા બાદ તેઓ હજુ સુધી નાશતા-ફરતા હોય તેથી તેઓને ચાર્જશીટના નાશતા-ફરતા આરોપી તરીકે દર્શાવવામાં આવેલ છે.

અત્રે ઉલ્‍લેખનીય છે કે, આરોપીનો વિરૂધ્‍ધ ખુનનો ગુન્‍હો નોંધાતા આરોપીઓને સોસાયટીના રહીશો વિરુધ્‍ધ તેઓને માર માર્યાનો પણ ગુન્‍હો નોંધાયેલ હતો. સદરહુ  ગુન્‍હામા પણ તપાસનીશ અમલદારે આરોપીઓ વિરૂધ્‍ધ ચાર્જશીટ રજુ થયેલ છે. શ્રી સરકારે ગુન્‍હાની ગંભીરતા અને પરિસ્‍થિતિને ધ્‍યાનમાં લઇ જિલ્‍લા સરકારી વકીલ શ્રી સંજયભાઇ કે.વોરાને સ્‍પે.પી.પી.તરીકે નીમેલ છે.

(3:06 pm IST)