Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

હરિપરના ઓઇલ મિલર સાથે રાજકોટમાં નવીનત્તમ ઠગાઇઃ સીંગતેલના ૩૪ ડબ્‍બા લઇ ગઠીયો ‘છૂ'

સંજય પટેલ નામ ધારણ કરી ૩૬ ડબ્‍બા મોરબી રોડ બાયપાસ પર મંગાવી ૩૪ ડબ્‍બા છકડામાં રવાના કર્યા, બે ડબ્‍બા ઘરે લઇ જવાના છે તેમ કહી ઓઇલ મિલર રોહિત પટેલ અને તેના કર્મચારીને પાછળ પાછળ આવવા કહી રિક્ષા એક ગેઇટમાં ઉભી રખાવી પોતે બીજા ગેઇટમાંથી આવે છે તેમ કહી કાર લઇ ભાગી ગયોઃ કાર નંબરને આધારે તપાસ

રાજકોટ તા. ૬: ગઠીયાઓ છેતરપીંડી માટેના નવી નવી રીતો શોધી કાઢતાં હોય છે. રાજકોટમાં રહેતાં અને ટંકારાના હરિપર ભૂતકોટડા ગામે સીંગતેલની મીની ઓઇલ મીલ ચલાવતાં પટેલ યુવાન સાથે એક ભેજાબાજે નવીનત્તમ ઠગાઇ કરી છે. આ ઓઇલમીલરના મોટા ભાઇને ફોન કરી તેલના ડબ્‍બાનો ઓર્ડર આપી ૩૬ ડબ્‍બા તેલ રાજકોટ માધાપર ચોકડીથી આગળ મોરબી રોડ બાયપાસ પર મારૂતિ સુઝુકીના વર્કશોપ પાસે મંગાવી ત્‍યાંથી ૩૪ ડબ્‍બા છકડોમાં ભરાવી રવાના કરી દઇ બાદમાં બે ડબ્‍બા પોતાની ઘરે લઇ જવાના છે તેમ કહી ઓઇલ મીલર યુવાન અને તેના કર્મચારીને પાછળ પાછળ રિક્ષામાં આવવાનું કહી રિક્ષાને એક સોસાયટીના ગેઇટમાં વળાવી પોતે બીજા રસ્‍તેથી આવે છે તેમ કહી કારમાં છનનન થઇ જતાં રૂા. ૯૪૮૭૦નું તેલ ઠગાઇથી લઇ જવાનો ગુનો નોંધાયો છે. ગઠીયાના કાર નંબરને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે મુળ ટંકારાના હરિપર ભુતકોટડાના વતની અને હાલ મોરબી રોડ જકાતનાકા પાસે સત્‌નામ પાર્ક શેરી નં. ૩માં રહેતાં અને હરિપર ભુતકોટડા ગામે જાનકી નામે સીંગતેલની મીની ઓઇલ મીલ ચલાવતાં રોહિત જાદવજીભાઇ ભાગીયા (પટેલ) (ઉ.૪૦)ની ફરિયાદ પરથી જીજે૦૩એમબી-૭૨૮૩ નંબરની સફેદ સાન્‍ટ્રો કારમાં આવેલા સંજય પટેલ વિરૂધ્‍ધ આઇપીસી ૪૦૬, ૪૨૦ મુજબ રૂા. ૯૪૮૭૦ની ઠગાઇ કરવાનો ગુનો નોંધ્‍યો છે.

રોહિત પટેલે પોલીસને જણાવ્‍યું છે કે    અમે ત્રણ ભાઇઓ સાથે મળી ઓઇલ મીલ ચલાવીએ છીએ. તા. ૨૯/૬ના હું રાજકોટ હતો ત્‍યારે મને મારા મોટા ભાઇ ચંદ્રકાંતભાઇએ ફોન કરીને કહેલું કે સીંગતેલના ૩૬ ડબ્‍બાનો ઓર્ડર છે અને રાજકોટ ખાતે મોરબી બાયપાસ રોડ પર મારૂતિ સુઝુકીના વર્કશોપ ખાતે પહોંચાડવાના છે. આ ડબ્‍બા હું આપણા માણસ સાર્દુરભાઇ ગરીયા સાથે મોકલી આપીશ અને તું ત્‍યાં જઇને ચેક લઇ લેજે. એ પછી એકાદ વાગ્‍યે સાર્દુરભાઇનો મને ફોન આવેલો કે ૩૬ તેલના ડબ્‍બા ટેમ્‍પોમાં ભરીને નીકળ્‍યો છું. બપોરના અઢી આસપાસ મારૂતિના વર્કશોપ સામે પહોંચી જઇશ. તમે પણ પહોચી જજો તેમ કહ્યું હતું.

ત્‍યારબાદ ત્રણેક વાગ્‍યે નક્કી થયેલા વર્કશોપ સામે પહોંચ્‍યો હતો. ત્‍યાં અમારો માણસ સાર્દુરભાઇ પણ તેલના ડબ્‍બા સાથે ઉભો હતો અને આ માલ મંગાવનાર વ્‍યક્‍તિ પણ હાજર હતી. તેણે પોતાનું નામ સંજય પટેલ કહ્યું હતું. તે સફેદ રંગની સાન્‍ટ્રો કાર જીજે૦૩એમબી-૭૨૮૩ લઇને આવેલ. તેણે તેલના ડબ્‍બા પોતે મંગાવેલી છકડો રિક્ષામાં ભરાવી લીધા હતાં. આ રિક્ષા સાધુ વાસવાણી રોડ પર પહોંચાડવા સંજય પટેલે કહેતાં રિક્ષાચાલક તેલના ૩૪ ડબ્‍બા સાથે રવાના થઇ ગયો હતો. બે ડબ્‍બા સંજય પટેલે પોતાની ઘરે લઇ જવાના છે તેમ કહી રોડ પર ખાલી રિક્ષા રોકાવી હતી અને તેમાં આ ડબ્‍બા મુકાવ્‍યા હતાં. એ પછી અમને કહેલું કે તમે આ રિક્ષામાં બેસીને ડબ્‍બા લઇને મારી પાછળ પાછળ આવો, મારું ઘર નજીક જ છે. ઘરે પહોંચીને તમને પેમેન્‍ટ આપી દઉં. તેણે કાર ચલાવી હતી અને હું તથા મારો માણસ સાર્દુરભાઇ તેની પાછળ પાછળ રવાના થયા હતાં.

કાર મારૂતિના વર્કશોપથી રેલનગર પાણીના ટાંકા તરફ આગળ વધી હતી અને અમે તેની પાછળ હતાં. ત્‍યાં સંજય પટેલે એક નાના ગેઇટ પાસે ગાડી ઉભી રાખી હતી અને કહેલું કે આની અંદર મારું ઘર છે તમે અહિથી રિક્ષા લઇને અંદર જાવ હું બીજા ગેઇટમાંથી કાર લઇને આવું છું. તેમ કહેતાં અમે રિક્ષા લઇને અંદર ગયા હતાંઉ પરંતુ પંદરેક મિનીટ રાહ જોવા છતાં સંજય પોતાની ગાડી લઇને ન આવતાં તેના મોબાઇલ નંબર પર ફોન કરતાં તેણે કહેલું કે-હું પણ તમને ગોતુ છું, તમારી પાસે આવુ જ છું તેમ વાત કરી હતી. ત્‍યારબાદ પંદર મિનીટ પછી ફરી ફોન કરતાં તેનો ફોન સ્‍વીચઓફ થઇ ગયો હતો.

એ પછી મેં મારા ભાઇ ચંદ્રકાંતભાઇને વાત કરી હતી. અમે જે ગેઇટમાં હતાં ત્‍યાં તથા આજુબાજુની સોસાયટીઓમાં તપાસ કરી હતી. પરંતુ સંજય પટેલ નામની કોઇ વ્‍યક્‍તિ મળી નહોતી. તે ઠગાઇ કરી ૯૪૮૭૦ના સીંગતેલના ૩૪ ડબ્‍બા લઇ નાસી ગયો હતો. હેડકોન્‍સ. આર. ટી. વાસદેવાણીએ ગુનો નોંધી પીઆઇ જી. એમ. હડીયાની રાહબરીમાં તપાસ હાથ ધરી છે.

(1:18 pm IST)