Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

રાજકોટની ૯ દીકરીઓએ તામિલનાડુમાં પૌરાણિક નટરાજ મંદિરે ભરતનાટયમ કલા પિરસી

રાજકોટઃ તામિલનાડુના ચિદમ્‍બરમ શહેરમાં ૬ હજાર વર્ષ જુના ભગવાન નટરાજના પૌરાણિક મંદિરમાં રાજકોટની નવ બાળાઓ દ્વારા ભરતનાટયમની વિશિષ્‍ટ કલા રજૂ કરવામાં આવી હતી.

તામિલનાડુના ચેન્નાઇથી ૨૦૦ કિલોમીટર દૂર ૬ હજાર વર્ષ જૂના પૌરાણિક નટરાજ મંદિરમાં કે જેને ભૂલોકનું સ્‍વર્ગ કહેવામાં આવે છે, ત્‍યાં દર વર્ષે અષાઢી બીજના દિવસથી ૧૦ દિવસનો થિરુમાંજનાનો વિશિષ્‍ટ તહેવાર ઉજવવામાં આવે છે, જેમાં આ મંદિર ઉપર ધજા ચડાવવામાં આવે છે. કહેવામાં આવે છે કે ભગવાન નટરાજ દ્વારા આ મંદિરમાં ૧૦૮ પ્રકારના તાંડવ કરવામાં આવ્‍યા હતા અને તમામ તાંડવની પ્રતિમાઓ મંદિરની અંદર સ્‍તંભ સ્‍વરૂપે કંડારવામાં આવી છે, તેમજ મંદિરના ગર્ભગૃહમાં રાખવામાં આવેલ મૂર્તિ, ભગવાન નટરાજ દ્વારા જે આનંદ તાંડવ કરવામાં આવ્‍યું તે સ્‍વરૂપની છે.

ભારતીય સંસ્‍કૃતિને આજના આ યુગમાં જાળવી રાખવા તેમજ ભારતીય પરંપરાગત જે ભરતનાટયમની કલા છે તેને જીવંત રાખવા માટે રાજકોટ શહેરમાં કલાગુરુશ્રી પૂર્વીબેન શેઠ દ્વારા સૃજન ડાન્‍સ એકેડમી ચલાવવામાં આવી રહી છે. આ એકેડમીની  નવ બાળાઓ, કેયા માંડલિયા, ભકિત જોશી, રિશીતા જોશી, વિધિ જાની, જીયા ગાદીયા, વેદાંશી પરડવા, રજની મહેતા, નંદિની પટેલ, તનુશ્રી કણસાગરા દ્વારા આ પૌરાણિક મંદિરમાં ભરતનાટયમની અદ્દભૂત કલા પ્રદર્શિત કરવામાં આવી હતી. આ પૌરાણિક મંદિરના મુખ્‍ય મહંત શ્રી થન્‍ગમની સભાપતિ દ્વારા આ નવ બાળાઓનું શાલ ઓઢાડી વિશિષ્‍ટ સન્‍માન કરવામાં આવ્‍યું હતુ અને આજના આ આધુનિક યુગમાં ભારતીય પરંપરાને જાળવી રાખવા માટે વિશેષ આભાર વ્‍યકત કરવામાં આવ્‍યો હતો.

(1:10 pm IST)