Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

શહેરની વચ્ચે કોવીડ-૧૯ હોસ્પીટલનો આશાપુરા રોડના વિસ્તારવાસીઓનો વિરોધ

કલેકટર-પોલીસ કમિશ્નર-મ્યુ. કમિશ્નરને આવેદન પાઠવાયું

રાજકોટ તા. ૬ :.. શહેરનાં ગીચ અને વચ્ચો-વચ્ચ આવેલા વિસ્તારમાં કોવિડ-૧૯ હોસ્પીટલ શરૂ કરવા સામે આશાપુરા મેઇન રોડનાં વિસ્તારવાસીઓએ વિરોધ દર્શાવી આ અંગે કલેકટર-પોલીસ કમિશનર અને મ્યુ. કમિશનરને આવેદન પત્ર પાઠવી અને આ વિસ્તારમાં કોવિડ-૧૯ હોસ્પીટલ શરૂ  ન કરવા માંગ ઉઠાવી છે.

આ આવેદનમાં જણાવાયું છે કે આ વિસ્તાર ખુબ જ ગીચ છે. અને આજુબાજુ રહેણાંકના મકાનો અન્ય હોસ્પિટલો, સ્કુલો, મંદિરો, ગેસ્ટ હાઉસ તથા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની ઓફીસ આવેલ છે તેમજ આ એરીયામાં નજીકમાં રા. મ્યુ. કોર્પો. ની ઓફીસ તથા એસ. ટી. બસ સ્ટેન્ડ આવેલ છે અને આ રોડ તદન ગીચ અને અત્યંત ટ્રાફિક વાળો રોડ છે અને જાહેર જનતાની સતત અવર જવર રહે છે.

જાણવા મળેલ છે કે ડો. રોહિત ઠક્કર બાળકોની હોસ્પીટલને કોવિડ-૧૯ (કોરોનાની મહામારીની હોસ્પીટલ) તરીકે કાર્યરત કરવા તજવીજ થઇ રહેલ છે. આ હોસ્પીટલવાળુ બિલ્ડીંગ ઘણા સમયથી હોસ્પીટલ તરીકે કાર્યરત નથી પરંતુ કોઇ મોટી હોસ્પીટલ વાળા આ હોસ્પિટલને કોવિડ-૧૯ (કોરોના) ની હોસ્પીટલ તરીકે ચાલુ કરાવી ગેરલાભ લેવાના હેતુથી આ જગ્યાને કોવિડ-૧૯ (કોરોના) ની મહામારીની હોસ્પીટલ તરીકે ચાલુ કરવા માંગે છે. અને કોવિડ-૧૯ (કોરોના) ની મહામારીના હોસ્પીટલ અંગેના નોમ્સ વિરૂધ્ધ આ ભરચક એરિયામાં અને આજુબાજુ સતત ગીચ વિસ્તાર છે. તેમાં આ હોસ્પીટલ ચાલુ કરવાનો ગેરકાયદેસર પ્રયાસ શરૂ કરેલ છે.

આ કોવીદ-૧૯(કોરોના) ની મહામારીએ સંક્રમીત વ્યકિતના અવર-જવરથી પણ થઇ શકે તેમ છે અને આ હોસ્પીટલમાં અંદરની સાઇડમાં પેશન્ટને ઉતારી શકાય અને એમ્બ્યુલન્સ લઇ જઇ શકાય તેવી વ્યવસ્થા નથી અને પેશન્ટ આવે તો રોડ ઉપરથી ઉતારીને લઇ જવા પડે તેવી પરિસ્થિતિનું  નિર્માણ થાય તેમ છે.

આ વિસ્તારમાં જે હોસ્પિટલો છે તેમાં અનેક હૃદયના દર્દીઓ બ્લડ પ્રેશરના દર્દીઓ અને ડાયાબીટીસના દર્દીઓ છે તેમજ બાજુમાં આંખની હોસ્પીટલ છે. આ જગ્યાની આસ-પાસ ભાટીયા કોમ્પ્લેક્ષ તેમજ સેન્ટર પોઇન્ટ પારસ કોમ્પ્લેક્ષ વગેરે આવેલ છે તેમજ હોસ્પિટલને અડીને અન્યનું રહેણાંકનું મકાન આવેલ છે બાજુમાં નજીકમાં રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશનની મેઇન ઓફીસ છે. તેમજ વિજય કોમ. બેંક છે તેમજ એસ. ટી. બસ સ્ટેન્ડ પણ નજીક છે આજુબાજુ ગેસ્ટ હાઉસ અને રેસ્ટોરન્ટ છે અને સતત ગીચ વિસ્તારમાં આ મહામારીની હોસ્પીટલ ચાલુ કરવી તે સંક્રમીત સ્પ્રેડ્રસ તરીકે કામ થાય તેવી પરિસ્થિતિ છે અને મહામારીના નિયમ મુજબ ગીચ વિસ્તારમાં સંક્રમણ થાય તેવી જગ્યાએ હોસ્પીટલ કરી શકાય નહી અને આ સાંભળીને લતાવાસીઓ અતી ભયભીત થયેલ ગયેલ  છે અને આ વિસ્તારની નજીક કરણપરામાં આવા સંક્રમીતના કેસો મળેલ છે.  જેથી લતાવાસીઓ વિનંતી કરી છીએ કે આ ડો. રોહિત ઠક્કર વાળી હોસ્પીટલમાં આ કોવિડ-૧૯(કોરોના) મહામારીની હોસ્પીટલ ચાલુ ન કરવા તેમજ ચાલુ કરેલ હોય તો તાત્કાલીક અસરથી ખસેડવા અને બંધ કરવા તાત્કાલીક યોગ્ય કરશો. તેવી માંગ આવેદનનાં અંતે ઉઠાવી છે.

(4:16 pm IST)