Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

રૈયા વિસ્તારની સગીરાને અડપલા કરવાના ગુનામાં આરોપીની જામીન અરજી રદ

રાજકોટ તા. ૬: અત્રે શહેરની ભાગોળે રૈયા ગામ વિસ્તારમાં રહેતી ૧૦ વર્ષની સગીર બાળાના ઘરમાં ગુન્હાહિત અપપ્રવેશ કરીને અડપલા કરવા અંગે પકડાયેલા ભગવતીપરા શેરી નં. ૮ માં રહેતા આરોપી અશોક કેશુભાઇ સોલંકીએ રેગ્યુલર જામીન પર છુટવા કરેલ અરજીને એડી. સેસ. જજ શ્રી આર. એલ. ઠકકરે નકારી કાઢી હતી.

આ અંગેની વિગત એવી છે કે, રૈયા ગામ વિસ્તારમાં રહેતી બે સગીર બહેનો પાણી ભરીને તા. ૧૦-૬-ર૦નાં રોજ પોતાના ઘરે જઇ રહી હતી. ત્યારે આરોપી તેના સ્કૂટર આવી બાળાઓને રસ્તામાં રોકી ઘરે મુકી જવાનું કહેતા બંને બાળાઓ અજાણ્યા શખ્સનો ભરોસો નહિ કરીને ત્યાંથી નીકળી જતાં આરોપી તેની પાછળ તેના ઘરમાં ગેરકાયદે અપપ્રવેશ કરી ઘુસી જઇને અડપલા કરતાં મહિલા પોલીસમાં કલમ ૩પ૪-પોકસો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરીને જેલહવાલે કર્યો હતો.

આ ગુનામાં આરોપીએ જામીન પર છુટવા અરજી કરતાં સરકારી વકીલ પ્રશાંત પટેલે આરોપી સામે પોકસોની કલમ હેઠળનો ગંભીર ગુનો હોય જામીન અરજી રદ કરવા દલીલ કરી હતી.
આ રજુઆત અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને એડી. સેસન્સ જજ શ્રી ઠકકરે આરોપીની જામીન અરજીને રદ કરી હતી. આ કામમાં સરકાર પક્ષે એ.પી.પી. શ્રી પ્રશાંતભાઇ પટેલ રોકાયા હતાં.

(2:56 pm IST)