Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

ગુરૂમુખેથી પ્રગટ થતી શિષ્યની ભુલ તે શિષ્ય માટે અવગુણ મુકિતનો ઉત્સવ : પૂ. નમ્રમુનિ મ.સા.

પૂ. રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવના સાનિધ્યે ગુરૂ ઋણ સ્વીકૃતિ અને તપ-ત્યાગના સંકલ્પ સાથે ગુરૂપૂર્ણિમા ઉજવાઇ

રાજકોટ તા. ૬ : ગુરૂ ચરણમાં સ્વયંની સામાન્યતા અને અસમર્થતા દર્શાવીને સામર્થ્યવાન બનવાનો માર્ગ ખોલી દેવાના પરમ કલ્યાણકારી બોધ સાથે રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવશ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે ઉજવાએલો 'ગુરૂ ઉપકાર ઉદઘોષ' અવસર લાઈવ પ્રસારણના માધ્યમે ઉજવવામાં આવ્યો હતો. જેમાં દેશ-વિદેશના હજારો ભાવિકો જોડાયાં હતાં.

ગુરૂ ચરણમાં સ્વયંના અસ્તિત્વને શૂન્ય બનાવી દેવાનો અત્યંત હિતકારી બોધ આપતાં રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવે કહ્યું હતું કે, એક શિષ્ય હૃદય ગુરૂનાં ઉપકારની અનુભૂતિ ત્યારે જ કરી શકે જયારે તેનું હૃદય પોતાની અસમર્થતા અને ગુરૂ-પરમાત્માની સમર્થતાનો સ્વીકાર કરવા લાગે. સ્વયંની અસમર્થતા, ગુરૂની સમર્થતાનો સ્વીકાર કરાવે છે. પરંતુ જે શિષ્ય પોતાને સમર્થ માને છે તે ગુરૂની ઉપકારકતાનો અનુભવ કદી નથી કરી શકતાં. ગુરૂપૂર્ણિમાનો દિવસ આપણને પ્રેરણા આપી રહ્યો છે કે, આપણે હંમેશાં આપણી અંદરના જ્ઞાન, આપણી બુધ્ધિ, આપણી કળા-કૌશલ્ય આદિના સામર્થનો અનુભવ કરતાં આવ્યાં છીએ માટે જ આજ સુધી ગુરૂના અસીમ ઉપકારનો અનુભવ નથી કરી શકયાં. જે દિવસ શિષ્ય દ્વારા ગુરૂ ચરણમાં પોતાની અસમર્થતા પ્રગટ કરવામાં આવે છે ત્યારે ગુરૂ તે શિષ્ય પર  અસીમ ઉપકારની વર્ષા કરી દેતાં હોય છે. સામર્થ્યવાન વ્યકિત કદી શૂન્ય નથી બની શકતી કેમ કે સમર્થતા અહંકાર લાવે છે અને  અહંકાર અંતરાયનું કારણ બને છે.

વધુમાં પરમ ગુરૂદેવે સમજાવ્યું હતું કે, સ્વયંની આત્માના ગુણોને ખોઈને 'પર' ને પામવાની આપણે અનંતકાળની ભૂલ કરી છે. આજના ગુરૂપૂર્ણિમાના અવસરે ગુરૂ ચરણમાં એવી પ્રાર્થના કરીએ કે, હે ગુરૂદેવ! મારા પર નાના નાના ઉપકાર કરીને એવો ઉપકાર કરી દ્યો કે ફરી કદી તમને મારા પર ઉપકાર જ ન કરવો પડે. ગુરૂની પ્રાપ્તિ તે જીવનની શ્રેષ્ઠ લબ્ધિ અને ઉપલબ્ધિ હોય છે. કેમકે,  કોઈક કોઈક એક લોક ખોલી દેનારી અનેક સામાન્ય key વચ્ચે એક એવી Master key હોય છે જે દરેક તાળાને ખોલી દેતી હોય છે. અને આ ગુણોના તાળા ખોલી દેનારી Master key તે જ ગુરૂ હોય છે. એવા ગુરૂ પાસેથી માત્ર પ્રેમ પામવાનો પુરૂષાર્થ નહીં પરંતુ પ્રજ્ઞા પામવાનો પુરૂષાર્થ તે સફળ પુરૂષાર્થ બની જતો હોય છે.

હજારો શિષ્યોના અંતર ઉજાગર કરી દેતી પરમ ગુરૂદેવની આ વાણી સાથે આ અવસરે પરમ ગુરૂદેવે ગુરૂ ગૌતમ સ્વામી, ગણધર સુધર્મા સ્વામીથી લઈને પ્રભુ મહાવીરની પરંપરાના દરેક દરેક ઉપકારી આચાર્યો અને ઉપકારી આદ્ય ગુરૂવર્યો પ્રત્યે ઉપકાર અભિવ્યકિત કરતાં હજારો હૃદય ગુરૂ તત્વ પ્રત્યે અહોભાવથી ભાવીત બની ગયાં હતાં.

પૂજય શ્રી પરમ સંબોધિજી મહાસતીજી,પૂજય શ્રી પરમ અસ્મિતાજી મહાસતીજી,પૂજય શ્રી પરમ સમ્યકતાજી મહાસતીજી, પૂજય શ્રી પરમ જિનવરાજી મહાસતીજી તેમજ પૂજય શ્રી પરમ નમસ્વીજી મહાસતીજીએ અત્યંત અહોભાવપૂર્વકવ રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ પ્રત્યેના ઉપકારોની અભિવ્યકિત કરતું પ્રવચન આપીને ગુરૂ તત્વની મહત્તાના દર્શન કરાવ્યાં હતાં.

આ અવસરે રાજકોટના ગુરૂભકતો, અમદાવાદ તેમજ કોલકાત્તાના ગુરૂભકતો દ્વારા પ્રેરણાત્મક નાટિકા, સુંદર નૃત્ય - ગીત, આદિના માધ્યમે ગુરૂ ચરણમાં ભકિતભાવ સાથે ઉપકાર વંદના કરતાં સહુ ભકિતભાવ ભીંજાયા હતાં. ઉપરાંતમાં અનેક અનેક ભાવિકોએ  પોતાના જીવન પર પરમ ગુરૂદેવે કરેલાં અસીમ ઋણોની સ્વીકૃતિ કરીને ઉપકાર ઉદ્ઘોષ કર્યો હતો.

ભકિત ભાવમાં ભીંજાએલાં હજારો હૃદયને રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ દ્વારા આ ચાતુર્માસ દરમ્યાન શકય એટલાં તપ - ત્યાગ કરવાની પ્રેરણા આપવા સાથે આ ઉપકાર ઉદ્ઘોષનો અવસર ગુરૂ તત્વના જયકારનો પ્રતિઘોષ કરી ગયો.

આ અવસરે ગુરૂ ચરણ વંદન એવમ્ આગમ પોથી અર્પણનો અનન્ય લાભ  હિતેનભાઈ મેહતા, નટુભાઈ ચોકસી, મુલરાજભાઈ છેડા, જયોતિકાબેન શેઠ, હેતલબેન શેઠ, મિતાલીબેન આશીષભાઈ ચૌધરી, પુજાબેન જિમ્મીભાઈ શાહ, જીગ્નાબેન કામદાર, તુષારભાઈ મહેતા, પ્રદીપભાઈ દોશી, અલ્પાબેન શાહ, તેમજ પુનમબેન દોશીએ લીધો હતો.

(2:56 pm IST)