Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

વરસાદની રમઝટ સાથે

રાજકોટમાં દારૂની રેલમછેલ : ૨૪ કલાકમાં અડધા કરોડનો વિદેશી દારૂ પકડાયો

કુવાડવા પોલીસે ૨૯.૨૮ લાખના દારૂ ભરેલા ટ્રક સાથે રાજસ્થાની શખ્સને અને ક્રાઇમ બ્રાંચે૧૮.૭૧ લાખના દારૂ ભરેલા આઇશર સાથે પંજાબી શખ્સને પકડ્યોઃ ટ્રકમાં ભુંસાની આડમાં અને આયસરમાં ખાલી તેલના ડબ્બાની પાછળ પેટીઓ છુપાવાઇ હતી : એસઓજીના વિજેન્દ્રસિંહ ઝાલા સહિતની બાતમી પરથી પીએસઆઇ એમ. એસ. અંસારી અને ટીમે ફિલ્મી ઢબે ઝાયલોનો પીછો કરી દારૂ પકડ્યો : ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ. અનિલભાઇ સોનારા તથા સમીરભાઇ શેખ અને ટ્રાફિક બ્રાંચના મનિષભાઇ ચાવડા, કુવાડવાના રાજેશ ચાવડા, રઘુવીર ઇશરાણીની બાતમી પરથી ૪૮ લાખનો દારૂ કબ્જે થયોઃ લાખોના વાહનો અલગથી કબ્જે કરવામાં આવ્યા : ભકિતનગર પોલીસે બે દરોડામાં ૧.૩૫ લાખના દારૂ સાથે ૩નેુ પકડ્યાઃ એક મહિનામાં ૭ કેસઃ યુનિવર્સિટી પોલીસે૧.૮ લાખના દારૂ સાથે ત્રણને પકડ્યાઃ એકટીવાથી છોટાહાથીનું પાયલોટીંગ થતું હતું: હરિયાણાના દિપુસિંગનું નામ ખુલ્યું

રાજકોટ તા. ૬: શહેરમાં એક તરફ ગઇકાલે વરસાદની રમઝટ શરૂ થઇ હતી તો બીજી તરફ વિદેશી દારૂની રેલમછેલ થઇ ગઇ હતી. પોલીસે છેલ્લા ૨૪ કલાકમાં પાંચ દરોડામાં અડધા કરોડથી ઉપરનો દારૂ કબ્જે કર્યો છે અને લાખોના વાહનો અલગથી જપ્ત કર્યા છે. ક્રાઇમ બ્રાંચ અને કુવાડવા રોડ પોલીસે જ ૪૮ લાખનો દારૂ કબ્જે કર્યો છે. બાકીનો દારૂ ભકિતનગર અને યુનિવર્સિટી પોલીસે જપ્ત કર્યો છે. જ્યારે આજે વહેલી સવારે એસીપી ક્રાઇમની ટીમે કુવાડવા ચોકડીથી રાજકોટ તરફ આવતી દારૂ ભરેલી ઝાયલોનો ફિલ્મી ઢબે પીછો કરી ૫૦ પેટી દારૂ પકડી લીધો છે. કુલ ૫૦,૦૯,૦૦૦નો દારૂ જપ્ત થયો છે.

ક્રાઇમ બ્રાંચનો દરોડો

ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ. અનિલભાઇ સોનારા અને સમીરભાઇ શેખની બાતમી પરથી કુવાડવા રોડ ચાંદની નોનવેજ નામની હોટેલની સામેના હાઇવે પરથી એમએચ૦૪એચવાય-૯૬૧૦ નંબરનું આઇસર અટકાવી તલાશી લેવામાં આવતાં પાછળ તેલ ભરવાના ૧૫ લિટરના ૪૦૮ ખાલી ડબ્બા જોવા મળ્યા હતાં. પરંતુ આ આઇસરમાં દારૂનો જથ્થો હોવાની પાક્કી બાતમી હોઇ ડબ્બા હટાવીને જોતાં પાછળથી રૂ. ૧૮,૭૧,૨૦૦નો ૪૭૨૮ બોટલ વિદેશી દારૂ મળી આવતાં કબ્જે કરી ચાલક પંજાબના ફિરોઝાપુરના કબરવછા ગામના શિંદરપાલસ્િંઘ ચાંદસિંઘ શરા (જાટ) (ઉ.૪૧)ની ધરપકડ કરી રૂ. ૧૦ લાખનું આયસર, તેલના ૪૦૮૦ના ખાલી ડબ્બા મળી કુલ રૂ. ૨૮,૮૦,૭૮૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

એસીપી જે. એચ. સરવૈયાની રાહબરીમાં પીઆઇ એચ. એમ. ગઢવી, પીએસઆઇ અતુલ એસ. સોનારા, હેડકોન્સ. સમીરભાઇ શેખ, અનિલભાઇ સોનારા, નિલેષભાઇ ડામોર, કોન્સ. અજીતસિંહ પરમારે આ કામગીરી કરી હતી. ચાલક રાજકોટ પહોંચે પછી માલ મોકલનારનો ફોન આવે ત્યારબાદ આ દારૂ જે તે વ્યકિતને આપવાનો હતો. આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

કુવાડવા રોડ પોલીસનો દરોડો

કુવાડવા રોડ પોલીસે ટ્રાફિક શાખાના કોન્સ. મનિષભાઇ પોલાભાઇ ચાવડા અને કુવાડવાના કોન્સ. રાજેશભાઇ ચાવડા તથા રઘુવીર ઇશરાણીને મળેલી બાતમી પરથી મોડી રાતે પીપળીયા ગામ શિતળા માતાજીના મંદિર નજીક યુપી-૫૧-ટી-૭૦૩૬ નંબરનો ટ્રક આંતરી તલાશી લેતાં પાછળ ભુસાની ૬૦ બોરીઓ જોવા મળી હતી. તે હટાવીને તપાસ કરતાં અંદરથી રૂ. ૨૯,૨૮,૦૦૦નો ૭૩૨૦ બોટલ (૬૧૦ પેટી) દારૂ મળતાં તે તથા વાહન, ભુસુ, મોબાઇલ ફોન, રોકડ મળી કુલ રૂ. ૪૭,૩૪,૨૭૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે રાજસ્થાનના બાડમેરના માજીકાતલા ગામના નવાબખાન ખાનુખાન રાજડ (ઉ.૪૦)ને પકડી લીધો છે અને વિશેષ તપાસ હાથ ધરી છે.

એસીપી એસ.આર. ટંડેલની રાહબરીમાં પીઆઇ એમ. સી. વાળા, પીએસઆઇ બી. પી. મેઘલાતર, હેડકોન્સ. જયપાલસિંહ ઝાલા, અરવિંદભાઇ મકવાણા, કોન્સ. રાજેશભાઇ ચાવડા, રઘુવીર ઇશરાણી, વિરદેવસિંહ જાડેજા, હરેશભાઇ સારદીયા, સતિષભાઇ લાવડીયા, ટ્રાફિકના મનિષભાઇ ચાવડાએ આ કામગીરી કરી હતી. અગાઉ મનિષભાઇ કુવાડવા ડી. સ્ટાફમાં હતાં ત્યારે પણ અનેક પ્રશંસનિય કામગીરી તેણે અને સાથીદાર દિલીપભાઇ બોરીચાએ કરી હતી.

ભકિતનગર પોલીસના દરોડા

ભકિતનગરના કોન્સ. મેસુરભાઇ કુંભારવાડીયા, રાજેશભાઇ બસીયા તથા ભરતભાઇ જોગીયાની બાતમી પરથી કોઠારીયા રોડ ફાયર બ્રિગેડ પાસે જલારામ ફરસાણની બાજુની ઓરડીમાં દરોડો પાડી છોટુ ઉર્ફ પરેશ નાનજીભાઇ રાઠોડ (ઉ.૩૬-રહે. સહકાર સોસાયટી-૮)ને રૂ. ૩૦ હજારના દારૂ સાથે પકડી લેવાયો હતો.

આ ઉપરાંત કોન્સ. ભાવેશભાઇ મકવાણા અને દેવાભાઇ ધરજીયાની બાતમી પરથી બોલબાલા માર્ગ પર જીજે૦૩ડીજી-૯૯૦૮ નંબરની શેવરોલેટ કાર આંતરી તલાશી લેતાં અંદરથી રૂ. ૧,૦૫,૬૦૦નો ૨૬૪ બોટલ દારૂ મળતાં તે તથા કાર, મોબાઇલ મળી રૂ. ૨,૫૬,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કરી કારમાંથી કરણ વિનુસિંહ રાઠોડ (ઉ.૨૬-રહે. હાલ ભોગીલાલની ચાલી, અસારવા રોડ અમદાવાદ મુળ ઉંડણી તા. વડનગર) તથા જયશન રસિકભાઇ સાવલીયા (ઉ.૨૮-રહે. સ્વાતિ પાર્ક-૬, કોઠારીયા રોડ)ને પકડી લેવાયા હતાં. કોવિડ ટેસ્ટ બાદ ધરપકડની કાર્યવાહી કરાશે.

એસીપી એચ. એલ. રાઠોડની રાહબરીમાં પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ પી. બી. જેબલીયા, હેડકોન્સ. ફિરોઝભાઇ શેખ, વિક્રમભાઇ ગમારા, સલિમભાઇ મકરાણી, કોન્સ. દેવાભાઇ, ભાવેશભાઇ, વાલજીભાઇ જાડા, દિવ્યરાજસિંહ ઝાલા, મેહુલભાઇ ડાંગર અને હિતેન્દ્રસિંહ ઝાલાએ આ કામગીરી કરી હતી.

યુનિવર્સિટી પોલીસનો કટીંગ વખતે દરોડો

અન્ય દરોડામાં યુનિવર્સિટી પોલીસ મથકના હેડકોન્સ. મહેન્દ્રસિંહ ડોડીયા, કોન્સ. મુકેશભાઇ ડાંગર, પુષ્પરાજસિંહ જાડેજાની બાતમી પરથી ઇસ્કોન મંદિરવાળી શેરીમાં ખુલ્લી જગ્યામાં દારૂનું કટીંગ થઇ રહ્યું હતું ત્યારે જ દરોડો પાડી સિરાજ યુસુફભાઇ મુલીયા (ઘાંચી) (ઉ.૩૩-રહે. રામનાથપરા-૧૮), વિક્કી ઉર્ફ વનરાજ ઉર્ફ કનૈયા ચંદ્રસિંહ ડોડીયા (ઉ.૨૪-રહે. ચંદ્રેશનગર-૪) તથા દેવાંગ નરોત્તમગીરી ગોસ્વામી (ઉ.૩૦-રહે. રામનાથપરા-૧૯)ન પકડી લેવાયા હતાં. આ શખ્સો પાસેથી રૂ. ૧,૪૮,૦૦૦નો ૨૭૦ બોટલ દારૂ, જીજે૦૩એફએન-૪૩૮૧ નંબરનું એકટીવા તથા જીજે૦૩બીડબલ્યુ-૪૪૯૬ નંબરનું છોટાહાથી કબ્જે લેવામાં આવ્યું હતું. હરિયાણા રોહતકના દિપસિંગ ઉર્ફ દિપકનું નામ ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે.

એસીપી  પી. કે. દિયોરા, એસીપી જે. એચ. સરવૈયાની રાહબરીમાં પીઆઇ આર. એસ. ઠાકર, પીએસઆઇ એમ. વી. રબારી, હેડકોન્સ. રાજેશભાઇ મિંયાત્રા, હરપાલસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ, યુવરાજસિંહ ઝાલા, જયંતિગીરી ગોસ્વામી, મુકેશભાઇ, પુષ્પરાજસિંહ, અજયભાઇ ભુંડીયા સહિતે આ કામગીરી કરી હતી.

એસીપી ક્રાઇમ ટીમે ફિલ્મી ઢબે પીછો કરી દારૂ પકડ્યો

આજે વહેલી સવારે એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયાની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા, ફિરોઝભાઇ રાઠોડ, જીતેન્દ્રસિંહ ઝાલા, પ્રદિપસિંહ ગોહિલ અને કૃષ્ણદેવસિંહ જાડેજાની બાતમી પરથી કુવાડવા રોડ જલાલશાપીરની દરગાહ પાસે વોચ રખાતા જીજે૧૦ટીટી-૬૬૭૫ નંબરની મહીન્દ્રા ઝાયલો ગાડી નીકળતાં તેમા દારૂ હોવાની બાતમી હોઇ અટકાવવા પ્રયાસ કરતાં ચાલકે ગાડી ભગાવી મુકતાં તેનો ફિલ્મી ઢબે પીછો કરવામાં આવ્યો હતો. કાર ખેતરમાં ઘુસી જતાં ચાલક રેઢી મુકી ભાગી ગયો હતો. તપાસ કરતાં અંદરથી રૂ. ૨,૧૦,૦૦૦નો ૬૦૦ બોટલ દારૂ મળતાં તે તથા ૩ લાખની ગાડી કબ્જે કરવામાં આવી હતી.

પીએસઆઇ એમ. એસ. અંસારી, હેડકોન્સ. ઝહીરખાન ખફીફ, કોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા, ફિરોઝભાઇ, જીતેન્દ્રસિંહ, પ્રદિપસિંહ, કૃષ્ણદેવસિંહ, અઝહરૂદ્દીન બુખારી, અનિલસિંહ ગોહિલ, સોનાબેન મુળીયા સહિતે આ કામગીરી કરી હતી.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા તથા તમામ ઝોનના એસીપીશ્રીઓની સુચના અને રાહબરીમાં આ તમામ કામગીરી કરવામાં આવી હતી.

(2:47 pm IST)