Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ ૨૦૦૫ હેઠળ કાયદાકીય માર્ગદર્શન સેમિનાર

જજ, પૂર્ણકાલીન સચીવ, આઇસીડીએસના પ્રોગ્રામ ઓફિસર, દહેજ પ્રતિબંધક અધિકારી, મહિલા પોલીસ ઇન્સપેકટર સહિતનાએ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું: મોટી સંખ્યામાં હાજર રહી બહેનોએ લાભ લીધો

રાજકોટઃ મહિલા અને બાળ વિકાસ કચેરી ગાંધીનગરના કમિશનરની સુચનાથી ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓના રક્ષણ અધિનિયમ-૨૦૦૫ હેઠળ જીલ્લા કક્ષાએ કાયદાકીય માર્ગદર્શન આપવા માટેનો સેમિનાર આજે બહુમાળી ભવન સામે શ્રી લોહાણા સ્થાપિત મહિલા ગૃહ ટ્રસ્ટ ખાતે યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે પ્રિન્સીપલ ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્જ જજશ્રી ગીતા ગોપી, જીલ્લા કાનુની સેવા સત્તા મંડળના પૂર્ણકાલિન સચીવ એચ. વી. જોટાણીયા, સીઆઇડીએસ રાજકોટ ગ્રામ્યના પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવે, રાજકોટના દહેજ પ્રતિબંધક અધિકારી કિરણ એચ. મોરિયાણી, મહિલા પી.આઇ. સેજલબેન પટેલ, મિશન મંગલમ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના આસી. પ્રોજેકટ મેનેજર સરોજબેન મારડીયા સહિતનાએ ઉપસ્થિત રહી મહિલાઓને માર્ગદર્શન આપ્યું હતું. આ સેમિનારમાં પોલીસ સ્ટેશન સાથે સકંળાયેલા સપોર્ટ સેન્ટરો જેમ કે સખી-વન સ્ટોપ સેન્ટર, મહિલા શકિત કેન્દ્ર, ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન, સરકારી સંસ્થા, બીનસરકારી સંસ્થા, નારી સંરક્ષણ ગૃહ, એમએસડબલ્યુ કોલેજ, મહિલા આઇટીઆઇ કોલેજ, પેરાલિગર વોલેન્ટીયર્સ, જીલ્લા કાનુની સેવા સત્ત મંડળ સહિતની મહિલાઓ માટે કામ કરતી સંસ્થાઓ સહભાગી થઇ હતી. પારિવારીક હિંસાથી મહિલાને કઇ રીતે રક્ષણ મળે? તે માટે કેવા કેવા કાયદા છે? કાયદાની વિશેષતા શું છે? કઇ-કઇ મહિલાઓ રાહત-રક્ષણ મેળવી શકે? તે સહિતનું માર્ગદર્શન ઉપસ્થિત મહેમાનોએ આપ્યું હતું. વધુ માહિતી માટે જીલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, જીલ્લા સેવા સદન-૩ બ્લોક નં. ૧, ત્રીજો માળ, સરકારી પ્રેસની બાજુમાં રાજકોટ ખાતે સંપર્ક કરી શકાય છે. તેમ ડો. જનકસિંહ ગોહિલ (જીલ્લા મહિલા અને બાળ અધિકારી)એ જણાવ્યું હતું. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:36 pm IST)