Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

ઉવસગ્ગહરં સાધના ભવનમાં જૈન સંઘમાં પૂ.મીનળબાઈ મ.ઠા.૨નો ચાતુર્માસ પ્રવેશ

રાજકોટ,તા.૬: ગોં.સં.ના તપસમ્રાટ પૂ.શ્રી રતિલાલજી મ.સા.ના અસીમ કૃપાપાત્ર સુશિષ્ય રાષ્ટ્રસંત યુગદિવાકર પૂ.ગુરૂદેવશ્રી નમ્રમુનિ મ.સા.પ્રેરિત શ્રી ઉવસગ્ગહરં સાધના ભવન (પારસધામ)ની પાવનધરા પર પૂ.મુકત લીલમ ગુરૂણીના પરિવારના તેજસ્વી સાધ્વી રત્ના પૂ.સન્મતિબાઈ મ.ના સુશિષ્યા એવમ્ પૂ.ગુરૂદેવશ્રીના આજ્ઞાનુવર્તી સરળ સ્વભાવી પૂ.મીનળબાઈ મ. તથા જ્ઞાન આરાધક પૂ.શ્રેયાંશીબાઈ મ.આદિ ઠા.૨નો ચાતુર્માસ પ્રવેશ ગુરૂવારે તા.૪ના રોજ સંપન્ન થયો.

પૂ.મહાસતીજીની તબિયત નાદરસ્ત હોવા છતાં અપૂર્વ સમતા ભાવ સાથે ધર્મપ્રેમી ભાવિકોના આત્મકલ્યાણ માટે અનેકવિધ ધર્મ આરાધના તપ- જપ સાથે ખુબ જ સુંદર રીતે કરાવતા રહે છે. શ્રી સંઘના ટ્રસ્ટીઓ, કારોબારી સભ્યશ્રીઓ તથા દીદીશ્રી વિ. ચાતુર્માસ માટે પૂ.ગુરૂદેવશ્રીની પ્રેરણા અને આશીર્વાદથી જહેમત ઉઠાવી રહ્યા છે.

પૂ.મહાસતીજી રવિવાર તા.૧૪ના પાવન દિવસથી પ્રેરણાદાયક વ્યાખ્યાન દ્વારા વિતરાગ વાણીનું રસપાન કરાવશે. વ્યાખ્યાનનો સમય સવારે ૯:૧૫ થી ૧૦:૧૫ રહેશે. વ્યાખ્યાન બાદ પૂ.મહાસતીજીની નિશ્રામાં સમુહજાપ કરવામાં આવશે.

ગોંડલ સંપ્રસદાયના આદ્યસ્થાપક નિદ્વાવિજેતા પૂ.આચાર્ય ભગવંત ડુંગરશી મ.સા.ની પુણ્યતિથિ નિમિતે ગુરૂપૂર્ણિમાના પાવન દિવસે રવિવાર તા.૧૬ના રોજ સમુહ આયંબીલ તપની આરાધના કરાવામાં આવશે. આ દિવસે તપ આયંબીલમાં સામેલ થવા ઈચ્છુક તપ આરાધકને પોતાના નામ કાર્યાલયમાં તા.૧૩/૧૪ રોજ લખાવી આપવા. તેજ દિવસથી મહામંત્ર નવકારના નવલાખ જાપનો પ્રારંભ કરવામાં આવશે.

આ ઉપરાંત ૪૯ પ્રતિક્રમણ તથા મહાપ્રભાવક શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રના અખંડ જાપ (સવારના ૭ થી સાંજના ૭)નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. સર્વે ગુરૂભકતો પૂ.ગુરૂદેવશ્રી પ્રેરિત મીશન સેવા પ્રકલ્પના સભ્યશ્રીઓ, શ્રી સંઘ સભ્યો તથા ધર્મપ્રેમી ભાવિકોને દરેક ધર્માનુષ્ઠાનમાં સહભાગી થવા શ્રી સંઘપ્રમુખ અલ્પેશભાઈ મોદીની યાદી જણાવે છે.

(3:33 pm IST)