Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

કોર્પોરેશનના આરોગ્ય વિભાગે બિયરના નમુના લીધા

નોન આલ્કોહોલિકના ઓઠા તળે આલ્કોહોલિક બિયરના વેચાણની ફરીયાદ : પ્રતિબંધીત કલર અને સ્વીટનરનો ઉપયોગ થયો હશે તો નમુના ફેઇલ થશેઃ વેનપુર, હનીકેન લાગર, બાવરીયા મેલ્ટડ્રીંક , એડલેમેસ્ટર મેલ્ટ વગેરે નોન આલ્કોહોલિક બિયરના નમુના લઇ સરકારી લેબોરેટરીમાં મોકલી અપાયા

રાજકોટ, તા., પઃ શહેરમાં નોન આલ્કોહોલીક બીયરનાં ઓઠા તળે આલ્કોહોલીક બીયરનું વેચાણ થતું હોવાની ફરીયાદ રાજય સરકારને મળતાં સરકારની સુચનાથી આજે રાજકોટનાં વિવિધ સ્થળોએથી  મ્યુ. કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગે જુદી જુદી કંપનીનાં નોન આલ્કોહોલીક બીયરના ૪ નમુના લઇ રાજય સરકારની બરોડા સ્થીત ફ્રુડ લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલી અપાયા હતા.

આ અંગે  મ્યુ. કોર્પોરેશનનાં આરોગ્ય અધિકારીની સતાવાર યાદીમાં જણાવાયંુ છે કે મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા જાહેર જન આરોગ્ય હિતાર્થે ખોરાકજન્ય તેમજ પાણીજન્ય રોગચાળાના અટકાયતી પગલાંના ભાગરૂપે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે નીચે દર્શાવેલ કામગીરી કરવામાં આવેલ છે.

જેમાં રાજય સરકારના ફૂડ વિભાગને નોન આલ્કોહોલીક બીયરમાં આલ્કોહોલ હોવા અંગેની ફરિયાદ મળતા રાજયના તમામ વિસ્તારમાં નોન આલ્કોહોલીક બીયરના સેમ્પલ લેવા અંગે મળેલી સુચના અન્વયે વિવિધ  સ્થળોએથી નોન આલ્કોહોલીક બીયરના નમુના લેવામાં આવેલ છે. જે નમુના લેવાયા છે તેમાં (૧) વેનપુર બીયર (નોન આલ્કોહોલીક)(૦.૫ લી. પેકડ ટીન કેન)શિવશકિત ટ્રેડર્સ વાણીયાવાડી મે. રોડ (૨) હેનીકેન લાગર બીયર નોન આલ્કોહોકીક ફ્રી,(૩૩૦ મી.લી. પેકડ ટીન કેન) શિવશકિત ટ્રેડર્સ વાણીયાવાડી મે. રોડ. (૩) બાવરીયા નોન આલ્કોહોલીક મેલ્ટ ડ્રીંક(૫૦૦ મિ.લી. પેકડ) ગુરુકૃપા સેલ્સ૩-વિસ્વાનગર મે. રોડ, ખિજડાવાડો રોડ. (૪)        એડીલેમેસ્ટર નોન આલ્કોહોલીક પ્યોર મેલ્ટ(૫૦૦ મિ.લી. પેકડ) ગુરુકૃપા સેલ્સ૩-વિસ્વાનગર મે. રોડ, ખિજડાવાડો રોડ ખાતે વગેરે સ્થળનો સમાવેશ થાય છે.

આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટની જોગવાઈ અન્વયે નોન આલ્કોહોલીક બીયરમાં કાર્બોનિક પીણામાં માન્યતા પ્રાપ્ત સ્વીટનર તથા કલરનો ઉપયોગ થઈ શકે છે. આલ્કોહોલની હાજરી અથવા પ્રતિબંધીત સ્વીટનર તથા કલર પરીક્ષણમાં મળ્યે સેમ્પલ ફેઈલ જાહેર કરવામાં આવે છે.

(4:18 pm IST)