Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

રૂ. ૪૦માં પંખો ખરીદવાની લાલચમાં આવતાં નહિઃ ધરાર સામાન ધાબડતી ટોળકી મેદાને

કોઇપણ વ્યકિતને ઉભા રાખી કાર્ડ સ્ક્રેચ કરવાનું કહેવાય છેઃ કાર્ડમાંથી કંઇ ન નીકળે તો રૂ. ૪૦માં પંખો મળશે તેવી લાલચ અપાય છેઃ પણ જો રૂ. ૨૫૦૦ લખેલું નીકળે તો ફરજીયાત આટલી રકમનો માલ ખરીદવાનો!: ન ખરીદે તો ગાળાગાળી-મારામારી! : સોની બજાર, નવાગામ સહિતના વિસ્તારોમાં અનેક છેતરાયાઃ મોટા ભાગના કાર્ડમાંથી રૂ. ૨૫૦૦ છપાયેલું જ નીકળે છે

રાજકોટ તા. ૬: 'આવો ભાઇ, આવો ભાઇ...કાર્ડ સ્ક્રેચ કરો અને રૂ. ૪૦માં, ફકત રૂ. ૪૦માં પંખો લઇ જાવ...' શહેરના રસ્તાઓ પર આવી બૂમો સંભળાય તો ચેતજો! ચાલીસ રૂપરડીમાં ટેબલ પંખો કે છતનો પંખો ખરીદવાની લાલચમાં આવી જશો તો રૂ. ૨૫૦૦નો સામાન ધરાર ખરીદવાની નોબત આવશે. નહિ ખરીદો તો તમારી સાથે માથાકુટ પણ થશે. એક ટોળકી ગૃહઉપયોગી સામાન વેંચવા માટે ગજબની તરકીબ અજમાવી રહી છે. કાર્ડ સ્ક્રેચ કરવાનું કહેવાય છે, જો સ્ક્રેચ બાદ અંદરથી કોરું નીકળે તો ચાલીસ રૂપિયામાં પંખો અપાશે તેવું કહેવાય છે. પણ જો અંદર રકમ લખેલી નીકળે તો એટલી રકમનો સામાન ફરજીયાત ખરીદવાનો રહે છે. ન ખરીદનાર સાથે ડખ્ખો કરવામાં આવે છે.

જાગૃત નાગરિક તરફથી જાણવા મળેલી માહિતી મુજબ શહેરના સોની બજાર તથા આસપાસના એરિયામાં તેમજ નવાગામ વિસ્તારમાં સમયાંતરે એક મોટી ફોરવ્હીલર ગાડીમાં ઘર વપરાશમાં ઉપયોગી થાય તેવી ઇલેકટ્રોનિક ચીજવસ્તુઓ ભરીને કેટલાક શખ્સો ઉભા રહી જાય છે. આ શખ્સોએ 'આજા ફસ જા' જેવી સ્કીમ બનાવી છે. આ ટોળકી એવા રાહદારી કે જેનો ઝડપથી 'શિકાર' થઇ જશે તેવા જણાય તો તેને અટકાવીને સ્કીમ સમજાવે છે. સ્કીમમાં એવું કહેવાય છે કે રૂ. ૪૦ ચુકવીને તમારે એક કાર્ડ સ્ક્રેચ કરવાનું રહે છે. આ કાર્ડની અંદરથી કંઇ લખાણ ન નીકળે તો તમને રૂ. ૪૦માં પંખો અપાશે. પણ જો સ્ક્રેચ કર્યા પછી અંદર કોઇ રકમ લખેલી નીકળે તો એ જેટલી રકમ લખી હોય તેટલાની વસ્તુઓ તમારે આ લોકો પાસેથી ફરજીયાત ખરીદવાની રહે છે!

જાગૃત નાગરિક કહે છે કે આ સ્કીમમાં લગભગ કોઇને પણ કોરુ કાર્ડ નીકળતું નથી, એટલે કે સ્ક્રેચ કર્યા પછી અંદરથી રૂ. ૨૦૦૦ કે ૨૫૦૦નો આંકડો જ લખેલો નીકળે છે. આ કારણે ફરજીયાત આટલી રકમનો સામાન ખરીદવો પડે છે. લાલચમાં કે પછી ભોળવાઇને લોકો રૂ. ૪૦માં પંખો મળશે તેવું સમજીને કાર્ડ સ્ક્રેચ કરી નાંખે છે. પણ આ કાર્ડ કોરું નીકળવાને બદલે અંદરથી રકમ લખેલી નીકળે છે. જેથી સ્કીમ મુજબ ફરજીયાત જે તે વ્યકિતને આ સામાન ખરીદવા મજબુર થવુ પડે છે. કહેવાય છે કે પરમ દિવસે નવાગામ તરફ એક વ્યકિત સાથે આવુ થયું હતું. તેણે સામાન ખરીદવાની ના પાડતાં જોરદાર માથાકુટ કરવામાં આવી હતી અને પરાણે માલ ધાબડી રૂ. ૨૫૦૦ લઇ લેવાયા હતાં.  આ ટોળકી શહેરમાં કોઇપણ જગ્યાએ અલગ-અલગ સ્થળે ઉભી રહે છે. સતત જગ્યા બદલાતી રહે છે. આજે નવાગામ તો કાલે બીજા સ્થળે હોય છે. લોકોએ જાગૃત બની રૂ. ૪૦માં પંખો મેળવવાની લાલચથી દૂર રહેવું જરૂરી છે. કાયદેસર રીતે જોવા જઇએ તો આ લોકો પહેલેથી જ સ્કીમ જણાવી દે છે અને એ રીતે પોતે કોઇને છેતરતા નથી તેવી છટકબારી ઉભી કરી લે છે. ત્યારે લોકો પોતે જ જાગૃત બની છેતરપીંડીથી દુર રહે તે જરૂરી છે. પોલીસના કાને પણ આ વાત પહોંચી ગઇ હોઇ ખાનગી રીતે તપાસ શરૂ થઇ હોવાનું જાણવા મળે છે. (૧૪.૧૧)

(3:55 pm IST)