Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

સવારે ટીપરવાનની વિજળીક હડતાલઃ બપોરે સમાધાનઃ કોન્ટ્રાકટરને નોટીસ

પગાર વધારા પ્રશ્ને કોન્ટ્રાકટર અને કર્મચારીઓ વચ્ચે ડખ્ખો થયો અને... :સેન્ટ્રલ ઝોનનાં ૬ વોર્ડમાં કચરા બાબતે ગૃહિણીઓમાં દેકારોઃ સફાઈ કામદારોને કચરો ઉઘરાવવા કામે લગાડીને વૈલ્પિક વ્યવસ્થા કરાવતા સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદય કાનગડ-સેનીટેશન ચેરમેન અશ્વિન ભોરણીયા

કચરા ગાડીના પૈડા થંભી ગ્યાઃ ઘરે ઘરેથી કચરો એકત્રીત કરતી ટીપરવાનની કોન્ટ્રાકટર એજન્સી અને તેના કર્મચારી વચ્ચે પગારના પ્રશ્ને ડખ્ખો સર્જાતા આજે સવારથી સેન્ટ્રલ ઝોનના ૬ વોર્ડની ટીપરવાનના પૈડા થંભાવી દઈ ડ્રાઈવરોએ વિજળીક હડતાલ પાડી હતી તે વખતની તસ્વીરમાં પારડી રોડ સ્થિત ડેપોમાં ટીપરવાનના થપ્પા લાગેલા નજરે પડે છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૬ :. અહીં ખાતે ઘરે-ઘરેથી કચરો એકત્રીત કરતી ટીપરવાન (કચરા ગાડી)ના સ્ટાફે આજે સવારે એકાએક વિજળીક હડતાલ પાડી દેતા સેન્ટ્રલ ઝોનના ૬ જેટલા વોર્ડમાં કચરો ઠાલવવા બાબતે ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો હતો. જો કે મ્યુ. કોર્પોરેશનના અધિકારીઓએ સફાઈ કામદારો માટે કચરો એકત્રીત કરાવવાની વૈકલ્પીક વ્યવસ્થા કરાવાઈ હતી અને સ્થળ પર સેનીટેશન સમિતિ ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયાએ પહોંચી ટીપરવાનના કોન્ટ્રાકટર પાવર લાઈન અને તેના સ્ટાફ વચ્ચે સમાધાન કરાવતા બપોરથી ટીપરવાનો શરૂ કરાઈ હતી. તેમજ મ્યુ. કમિશ્નર બંછાનીધિ પાનીએ બેદરકારી સબબ કોન્ટ્રાકટર એજન્સી પાવર લાઈનને નોટીસ ફટકારી હતી.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત માહિતી મુજબ ઘરે ઘરેથી કચરો એકત્રીત કરવા માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા ટીપરવાન ચલાવવાનો અને કચરો એકત્રીત કરવા માટે અમદાવાદથી પાવર લાઈન નામની એજન્સીને કોન્ટ્રાકટ અપાયો છે.

દરમિયાન આ કંપનીના કર્મચારીઓએ આજે સવારે પગાર વધારાની માંગણી કરીને ડેપોમાંથી ટીપરવાન બહાર કાઢી ન હતી અને વિજળીક હડતાલની જાહેરાત કરતા કોર્પોરેશનના અધિકારીઓ-પદાધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી કેમ કે આ વિજળીક હડતાલથી સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં. ૨, ૩, ૭, ૧૪, ૧૫, ૧૮ વગેરેમાં ઘરે ઘરેથી કચરો એકત્રીત કરવાનું કામ ખોરંભે ચડવાથી અને ગંદકીના ગંજ ખડકાવાથી રોગચાળાની ભીતી સર્જાઈ હતી.

દરમિયાન આ બાબતે સોલીડવેસ્ટ વિભાગના પર્યાવરણ ઈજનેર નિલેષ પરમારનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યુ હતુ કે, આજે સવારે સેન્ટ્રલ ઝોનની પાવર લાઈન કંપનીના કોન્ટ્રાકટવાળા ટીપરવાન કર્મચારીઓએ પગાર પ્રશ્ને હડતાલ પાડી હતી.

આથી વૈકલ્પીક વ્યવસ્થા માટે સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન ઉદય કાનગડ અને સેનીટેશન ચેરમેન અશ્વિન ભોરણીયાની સૂચનાથી જે તે વોર્ડમાં સફાઈ કામદારોને 'વ્હીલબરો' લઈને ઘરે-ઘરેથી કચરો ઉઘરાવવા કામે લગાડી દેવાયા હતા અને કોન્ટ્રાકટર એજન્સી તથા તેના સ્ટાફ વચ્ચે સમાધાન કરાવીને ફરીથી ટીપરવાન શરૂ કરાવવાની તજવીજ હાથ ધરાયેલ હતી. નોંધનીય છે કે, 'આ ટીપર વાનનો કોન્ટ્રાકટ પણ ૨૦ દિવસ બાદ પૂર્ણ થનાર છે તે પૂર્વે જ કોન્ટ્રાકટરના સ્ટાફે હડતાલ પાડતા અનેક તર્ક-વિતર્કો થઈ રહ્યા છે.(૨-૧૪)

(3:55 pm IST)