Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

જો દર્દીઓનું થતું હોય ભલું...તો 'ભલે પધાર્યા': સિવિલ હોસ્પિટલમાં આજે મેયરની મુલાકાતઃ અધિક્ષક સાથે બેઠક

દર્દીઓની કોઇ ફરિયાદ ન આવે તે ધ્યાન રાખવા તાકીદ કરીઃ સિવિલ હોસ્પિટલના પ્રશ્નોને પણ પ્રાધાન્ય આપશે મેયર બીનાબેન આચાર્ય

રાજકોટઃ ગઇકાલે ત્રણ ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા અને અરવિંદ રૈયાણીએ સિવિલ હોસ્પિટલમાં ઓચિંતા પહોંચી જઇ જુદા-જુદા વિભાગમાં ચેકીંગ કર્યુ હતું. જેમાં કેટલીક ક્ષતિઓ સામે આવતાં તબિબી અધિક્ષકને તાકીદ કરી હતી. દર્દીઓના લાભાર્થે અને તબિબો તથા અન્ય સ્ટાફના પ્રશ્નોને પણ વાચા મળતી હોય તો નેતાઓ, ધારાસભ્યો, મંત્રીશ્રીઓ સિવિલ હોસ્પિટલની મુલાકાતો લે તો તે ફાયદાકારક જ છે. તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતા આમ તો દર્દીઓને તમામ પ્રકારની સુખ સુવિધા મળી રહે અને સારામાં સારી સારવાર મળી રહે તે માટે પ્રયત્નશીલ હોય છે. પરંતુ જ્યારે પણ રાજનેતાઓની પધરામણી થાય ત્યારે કોઇ ને કોઇ પ્રશ્નો સામે આવી જ જતાં હોય છે. આજે રાજકોટના મેયર શ્રીમતિ બીનાબેન આચાર્યએ સિવિલ હોસ્પિટલમાં અચાનક મુલાકાત લીધી હતી. તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતા સાથે બેઠક યોજી સફાઇ ઝુંબેશ અંતર્ગત તથા વિકાસલક્ષી પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. તેમણે ઇમર્જન્સી વોર્ડ તથા હોસ્પિટલ કમ્પાઉન્ડમાં ચક્કર લગાવી સફાઇનું ચેકીંગ કર્યુ હતું. હોસ્પિટલની સફાઇથી તેઓ સંતુષ્ટ થયા હતાં. તેમણે કહ્યું હતું કે મેયર તરીકે હું સિવિલ હોસ્પિટલના દરેક પ્રશ્નોને પ્રાધાન્ય આપીશ. દર્દીઓને કોઇપણ તકલીફ ન પડવી જોઇએ તે બાબતે તેમણે તાકીદ કરી હતી. પોતે દર મહિને અચાનક મુલાકાત લેશે તેમ પણ જણાવ્યું હતું. મેયરની મુલાકાત વેળાએ હોસ્પિટલના કાઉન્સીલર જયંત ઠાકર, ડો. અંજનાબેન ત્રિવેદી, ડો. ગોૈરવી ધ્રુવ, ડો. જાગૃતિ રાજ્યગુરૂ, ડો. રશ્મી ટાંક સહિતના જોડાયા હતાં. દર્દીઓના લાભાર્થે ધારાસભ્યો, મંત્રીશ્રીઓ, મેયર અને બીજા નેતાઓ જો હોસ્પિટલમાં પધારતાં હોય તો તેને કહી શકાય કે-ભલે પધાર્યા. તસ્વીરમાં મેયર બીનાબેન આચાર્યએ ઇમર્જન્સી વોર્ડ તથા અન્ય વિભાગમાં મુલાકાત લઇ નિરિક્ષણ કર્યુ હતું તે દ્રશ્યો જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:50 pm IST)