Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

ગોંડલ ચોકડી પર ફલાય ઓવર બ્રીજથી ટ્રાફીક સમસ્યાનો હલઃ ભંડેરી-ભારદ્વાજ

ટ્રાફીક સરળ થતા અકસ્માતો ઘટશેઃ મીરાણી-માંકડ-કોઠારી-રાઠોડ

રાજકોટ તા.૬: ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી તેમજ પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપ સરકારના નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા ગોંડલ ચોકડી પર 'એલીવેટેડ બ્રીજ' ની મંજુરીના નિર્ણયને વધાવતા જણાવ્યું છે કે, શહેરને અડીને પસાર થતાં પોરબંદર-જેતપુર-ગોંડલ-રાજકોટ-બામણબોર નેશનલ હાઇવે નં. ૨૭ પર ગોંડલ ચોકડી ઉપર વધુ વાહનોની સંખ્યાને લઇને સર્જાતી ટ્રાફીકની સમસ્યાને હવે છેદ ઉડી જશે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આ બાબતે કેન્દ્રની નેશનલ હાઇવે ઓથોરીટીને રજુઆત કરેલ તેમજ કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયાએ ગોંડલ ચોકડીની સ્થળ મુલાકાત લઇ સ્થિતિનો તાગ મેળવેલ અને સ્થળ પરના નેશનલ હાઇવે ઓથોરીટીના અધિકારીઓને આ બ્રીજ સત્વરે બનાવવા જરૂરી દરખાસ્ત મોકલી આપવા સુચના આપેલ. આ દરખાસ્તને કેન્દ્રની ભાજપ સરકારે બહાલી આપી ગોંડલ ચોકડી પર 'એલીવેટેડ બ્રીજ' નું કામ મંજુર કરેલ છે. ગોંડલ ચોકડી પર બનનાર આ એલીવેટેડ બ્રીજની કુલ લંબાઇ ૧.ર કિ.મી. રહેશે, જેમાં ૩૦ મીટરના ૨૭ ગાળા સાથે સિકસ લેન (૬ માર્ગીય) એલીવેટેડ બ્રીજ બનાવવાનું આયોજન છે.

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે આ નિર્ણયને આવકારતા જણાવ્યું છે કે આ એલીવેટેડ કોરીડોર ઉપરથી રાષ્ટ્રીય ધોરી માર્ગનો ટ્રાફીક અડચણ વિના પસાર થઇ શકે તેમજ એલીવેટેડ કોરીડોરની નીચે સર્વિસ રોડની સગવડતા પણ આપવામાં આવશે. જેથી શહેરના તરફનાં બંને રસ્તા પર વાહનચાલકો સરળતાથી શહેરમાં જઇ શકે. તથા ભારે ટ્રાફીકથી મુકિત મળશે તેમજ વાહન અકસ્માતનું જોખમ ઘટશે.

(3:40 pm IST)