Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

શહેરમાં બાંધકામ-ડિમોલીશન કચરો જાહેરમાં ફેંકનાર દંડાશેઃ જાહેરનામુ

કચરાના નિકાલ કોઠારીયા પોલીસ ચોકીની બાજુમાં, રૈયા સ્માર્ટ સીટીના તમામ ખાણ વિસ્તારમાં કરી શકાશેઃ જાહેરનામાનો ભંગ કરનારને રૂ. ૭પ૦૦ થી ૧ લાખ સુધીનો દંડઃ બંછાનિધી પાની

રાજકોટ તા. ૬ :.. શહેરમાં બાંધકામ તથા ડીમોલીશન વેસ્ટ કચરો જાહેરમાં નિકાલ કરવા પર મ્યુનિ. કમિ. બંછાનીધી પાની દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યુ છે.

આ અંગે મ્યુનિ. કમિશનર દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ જાહેરનામામાં જણાવ્યું છે કે, મહાનગરપાલિકા વિસ્તારમાં ઇમારત, ઇમારતોના બાંધકામ દરમ્યાન નળીયા, પથ્થરા, ઇંટો, સાંકઠીયો, ઇમારત બાંધવાના માલ-સામાન, અને એવા માલ-સામાનનો કાટમાળ ગમે તે જગ્યાએ નિકાલ-એકઠો કરવામાં આવે છે. જેનાથી એવીજગ્યાએ ઉંદરો, અથવા અન્ય જીવ જંતુઓનું આશ્રય સ્થાન અથવા ઉત્પતી સ્થાન બનેછે. તેમજ જગ્યાનો ભોગવટો કરનારાઓને અથવા પડોશમાં રહેતી વ્યકિતઓના ભય અને  ઉપદ્રવનું કારણ બને છે. તેના કારણે  રોગચાળો ફેલાવવાનો ભય અને લોકોના આરોગ્ય તથા જાનમાલને નુકશાન થાય તેવી સ્થિતી ઉત્પન્ન થાય છે. તેમજ તે કચરો દુર કરવા રાજકોટ મહાનગરપાલિકાને ખુબજ મોટો ખર્ચ થાય છે. તેમજ માનવ સમય બગડે છે. આમ, લોકોના જાનમાલના અને આરોગ્યના નુકશાનના ભોગે આવી ગેરકાયદેસર પ્રવૃતિ ચાલી રહેલ છે. આવી કોઇપણ પ્રવૃતિ જન આરોગ્ય માટે બીન સલામતી નોતરે તેમ હોય ગુજરાત પ્રોવીન્સીયલ મ્યુનિસીપલ કોર્પોરેશન એકટ અનુસુચી-કના પ્રકરણ-૧૪ ની જોગવાઇઓ અનુસંધાને આવી તમામ પ્રવૃતિ કરવાનો આ જાહેરનામાથી જાહેર હીતમાં પ્રતિષેધ ફરમાવ્યો છે. આવા કચરા ના નિકાલ કોઠારીયા પોલીસ ચોકીની બાજુમાં પથ્થરની ખાણ પાસે, રૈયા સ્માર્ટ સીટીના તમામ ખાણ વિસ્તારમાં કરી શકાશે.

વધુમાં જણાવ્યું હતું કે, કમીશનરશ્રીએ નિયત કરેલ સ્થળો સિવાય અન્ય કોઇપણ જગ્યાએ કોઇપણ ઇસમ-ઇસમો છકડો, ટ્રેકટર અથવા ડમ્પર દ્વારા બાંધકામ અને ડીમોલીશન ના નિકાલ કરતાં પકડાશે તો પ્રથમ વખત છકડો-ટ્રેકટર દીઠ રૂ. ૭,પ૦૦ તથા ડમ્પર દીઠ રૂ. ૧પ,૦૦૦ તથા બીજીવખતે છકડો, ટ્રેકટર દીઠ રૂ. ૧પ,૦૦ તથા ડમ્પર દીઠ રૂ. ૩૦,૦૦૦ તથા ત્રીજીવખતે છકડો-ટ્રેકટર દીઠ રૂ. પ૦,૦૦૦ તથા ડમ્પર દીઠ રૂ. ૧,૦૦,૦૦૦ લેખે વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવશે. તેમજ વાહન જપ્ત કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે તેમ જાહેરનામાના અંતમાં જણાવ્યું હતું.

(3:27 pm IST)