Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

ગુજરી બજારમાં મહિલાને છરી ઝીંકી ૫.૫૦ લાખની લૂંટ

બંગડીના ધંધાર્થી ટપુ ભવાન પ્લોટના કિંજલબેન દિપકભાઇ મણીયારને કાકાએ કોલકત્તાથી મોકેલેલુ આર.સી. આંગડિયામાંથી રોકડનું પાર્સલ રિસીવ કર્યુ અને બહાર નીકળી પોતાના એકટીવાની ડેકી ખોલી ત્યાં જ બાઇક પર બે લૂંટારૂ આવ્યા ને છરી ઝીંકી લૂંટી રોકડ

સોની બજાર પાસે ગુજરી બજારમાં આવેલી આર. સી. આંગડિયા પેઢીમાંથી રોકડનું પાર્સલ લઇને બહાર નીકળેલા મહિલા કિંજલબેન દિપકભાઇ મણીયારને હાથમાં છરી ઝીંકી બે શખ્સ રોકડ લૂંટી ભાગી ગયા હતાં. ઘટના સ્થળે ભોગ બનેલા મહિલા, તપાસાર્થે પહોંચેલી ક્રાઇમ બ્રાંચ તથા પોલીસ સ્ટાફ તથા ભેગો થયેલો પોલીસ સ્ટાફ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)  : ઘટના બાદ ભોગ બનેલા મહિલાના પતિ પાસેથી માહિતી મેળવતા પી.આઇ. એચ. એમ. ગઢવી, પીએસઆઇ કે. કે. જાડેજા, ભરતસિંહ ગોહિલ સહિતના જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૬: શહેરની સોની બજાર પાસે ગુજરી બજારમાં ભરબપોરે આંગડિયા પેઢીમાં આવેલી રોકડ લેવા ગયેલા મહિલાના હાથ પર છરીનો ઘા ઝીંકી રૂ. ૫.૫૦ લાખની રોકડની લૂંટ થતાં સનસનાટી મચી જવા પામી છે. અરવિંદ એન્ટરપ્રાઇઝ નામે બંગડીનો વ્યવસાય કરતાં કિંજલબેન દિપકભાઇ મણિયારને તેમના કાકાએ કોલકત્તાથી ધંધાકીય હિસાબ પેટે આ નાણા મોકલ્યા હતાં. જે લઇ તેઓ પોતાના એકટીવા પાસે જઇ રહ્યા હતાં ત્યારે લૂંટની ઘટના બની હતી.

ઘટનાની જાણવા મળેલી માહિતી મુજબ   ટપુ ભવાન પ્લોટમાં રહેતાં અને બંગડી બજારમાં બંગડીની દૂકાનમાં બેસી વેપાર કરતાં કિંજલબેન દિપકભાઇ મણીયાર (ઉ.૨૫) બપોરે નજીકની ગુજરી બજારમાં આવેલી આર. સી. આંગડિયા પેઢી ખાતે પોતાના કાકાએ કોલકત્તાથી ધંધાકીય હિસાબ પેટે રૂ. સાડા પાંચ લાખ મોકલ્યા હોઇ તે રકમ ઉપાડવા માટે પોતાનું એકટીવા લઇને ગયા હતાં.

આ રકમ રિસીવ કરીને તેઓ બહાર આવ્યા હતાં અને એકટીવાની ડિક્કી ચાવીથી ખોલી રકમ અંદર મુકવા જતાં હતાં ત્યાં ચાવી ડિક્કી અંદર પડી જતાં અને ડિક્કી લોક થઇ જતાં પોતે નજીકમાં જ આવેલી પોતાની દૂકાને બીજી ચાવી લેવા ગયા હતાં. બાદમાં ફરીથી એકટીવા પાસે જતાં હતાં ત્યારે બાઇક પર બે લૂંટારા આવ્યા હતાં અને હાથ પર છરીનો ઘા ઝીંકી તેમની પાસેની રોકડની થેલી લૂંટી ભાગી ગયા હતાં.ભરબપોરે લૂંટની ઘટનાથી દેકારો મચી જતાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતાં. એ-ડિવીઝનના પી.આઇ. બી. પી. સોનારા, ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એચ. એમ. ગઢવી, પીએસઆઇ કે. કે. જાડેજા,  એ-ડિવીઝનના ભરતસિંહ ગોહિલ, રાજેશભાઇ બાળા, રઘુભા વાળા સહિતની ટીમ દોડી ગઇ હતી અને તપાસ શરૂ કરી હતી. છરીના ઘાથી ઇજા પામેલા કિંજલબેનને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પોલીસે તેમની પાસેથી વિગતો મેળવી ફરિયાદ નોંધવા તજવીજ કરી છે.

(3:26 pm IST)