Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

ગુરૂવારે સાંજે દરોડા બાદ આજ સવારથી ફરી દારૂની ડ્રાઇવઃ શહેર પોલીસના ઠેર-ઠેર દરોડા

અમદાવાદના લઠ્ઠા કાંડને પગલે શહેર પોલીસ સફાળી જાગીઃ સાંજે દેશી-વિદેશી દારૂના ના ૧૫ કેસ થયાઃ બીજા ૧૭ દારૂના ધંધાર્થીઓને ચેક કરાયા, પણ કંઇ ન મળ્યું

રાજકોટ તા. ૬: અમદાવાદના લઠ્ઠાકાંડના પગલે શહેર પોલીસ સફાળી જાગી છે અને ઠેર-ઠેર દારૂના ધંધાર્થીઓ પર ધોંસ બોલાવી છે. ગુરૂવારે સાંજે દારૂની ડ્રાઇવ યોજી દેશી-વિદેશી દારૂના ૧૫ કેસ કરવામાં આવ્યા હતાં. આજે સવારના સાત વાગ્યાથી ફરીથી ડ્રાઇવ રાખવામાં આવી છે અને ઠેર-ઠેર સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે.

એસીપી બી. બી. રાઠોડના જણાવ્યા મુજબ ગુરૂવારે સાંજે પ્રોહીબીશનની ડ્રાઇવ રાખવામાં આવી હતી. જેમાં જુદા-જુદા પોલીસ મથકો હેઠળના વિસ્તારોમાં દારૂના કુલ ૧૫ કેસ કરાયા છે. જેમાં ૭૧ લિટર દેશી દારૂ તથા ૩૬ બોટલ વિદેશી દારૂ જપ્ત કરાયો છે. અન્ય ૧૭ દારૂના ધંધાર્થીઓને ચેક કરાયા હતાં. ત્યાંથી કંઇ ન મળતાં નિલ રેઇડ કરવામાં આવી હતી. દારૂની બદ્દીને નેસ્તનાબુદ કરવા સમયાંતરે દારૂની ડ્રાઇવ રાખવામાં આવશે.

જે દરોડા પડ્યા તેમાં ભવાનીનગરમાંથી કરણ ઉર્ફ સન્ની કનુ કોળીને રૂ. ૮૦ના, મોરબી રોડ ગણેશ પાર્કમાંથી વસંતબેન મનોજ સોલંકીને રૂ. ૮૦ના, શારદા બહાદુર મકવાણાને રૂ. ૮૦ના, કુવાડવા જીઆઇડીસીમાંથી નીરૂ કાંતિ જખાણીયાને રૂ. ૮૦ના, માંડાડુંગર પાસેથી રઝીયા આશીફ કુરેશીને રૂ. ૧૨૦ના, યુવરાજનગરમાંથી શોભા પ્રવિણ સોલંકીને રૂ. ૧૦૦ના, લક્ષ્મીનગરના પટમાંથી હિતેન્દ્ર ઉર્ફ પિન્ટૂ ગોપાલ સરપદડીયાને રૂ. ૧૦૦ના, શાંતુબા ગીરૂભા ગોહિલને રૂ. ૫૦૦ના, હનુમાન મઢી છોટુનગર પાસેથી જ્યોત્સના બાબુ અઘારીયાને રૂ. ૪૦ના, મવડીથી પાળ જવાના રસ્તેથી લલીતગીરી રામગીરી મેઘનાથીને રૂ. ૧૦૦ના, જીવરાજ પાર્ક નજીકથી બાબુ જેસંગ મકવાણાને રૂ. ૧૪૦ના દેશી દારૂ સાથે પકડી લેવાયા હતાં.

કુબલીયાપરામાં દરોડો પાડવામાં આવતાં અજાણ્યો શખ્સ ૧૦૫૦ લિટર દારૂનો આથો મુકી ભાગી ગયો હતો. તેમજ બીજો એક શખ્સ ૩૯૦ લિટર આથો મુકી ભાગી ગયો હતો.

વિદેશી દારૂના દરોડા

પ્ર.નગરના પી.આઇ. બી.એમ. કાતરીયાની રાહબરીમાં ડી. સ્ટાફની ટીમે યાજ્ઞિક રોડ કલ્યાણ જ્વેલર્સ સામેથી રામનાથપરાના બિલાલ સિકંદરભાઇ રાવડા (ઉ.૨૩)ને રૂ. ૧૫૦૦ના ત્રણ બોટલ દારૂ અને બાઇક સાથે પકડી લીધો હતો. હેડકોન્સ. મોહસીન ખાન અને દેવશીભાઇ રબારી વધુ તપાસ કરે છે. જ્યારે તાલુકા પી.આઇ. વી.એસ. વણઝારાની રાહબરીમાં ડી. સ્ટાફના એન. ડી. ડામોર અને ટીમે વાવડી ગામના ગેઇટથી ફાલ્કન પંપ તરફ જવાના રસ્તા પરથી રોહિત કનૈયાલાલ મેર (રાવળદેવ) (ઉ.૩૫-રહે. ગીતાંજલી સોસાયટી-૭)ને રૂ. ૮૦૦ના બે બોટલ દારૂ સાથે પકડી લીધો હતો.

દરમિયાન આજ સવારના સાત વાગ્યાથી ફરીથી શહેરભરમાં દારૂ અંગેથી ડ્રાઇવ રાખવામાં આવી હોઇ તમામ પોલીસ મથકો અને બ્રાંચના સ્ટાફ દ્વારા દરોડા પાડવા દોડધામ શરૂ થઇ હતી. (૧૪.૮)

 

(11:54 am IST)