Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

કોરોનાને કેમ હરાવવો તેના વિષે રાજકોટ પબ્લિક સ્કુલના ધો.૭ના વિદ્યાર્થી રિષિ શાહે વિડિયો ગેમ ડેવલપ કરી

રાજકોટ,તા.૬:રાજકોટ શહેરની નામાંકિત રાજકોટ પબ્લિક સ્કૂલના ધો. ૭ના વિદ્યાર્થી રિષિ શાહે કોરોનાને કેમ હરાવી શકાય તેની સમજ આપતી ગમ્મતમય વિડિયો ગેમ ડેવલપ કરી છે.

લોકડાઉનના દિવસોમાં સમયનો સદુપયોગ કરીને રિષિ શાહે નાની ઉંમરના બાળકોને કોરોના મહામારીમાં સલામત કેવી રીતે રહેવું તેની શીખ આપતી ગમ્મતમય વિડિયો ગેમ ડેવલપ કરીને સમાજમાં અને ખાસ કરીને નાના બાળકોનાં જાગૃતિ લઇ આવવાનું સરાહનીય કાર્ય કરેલ છે. આ મોબાઇલ ગેમમાં બાળકે કોરોના વાઇરસના સંપર્કથી બચવાનું હોય છે. જો વાઇરસના સંપર્કમાં આવી જઇએ તો તરત જ છીંક આવે અને લાઇફ ઓછી થાય. જયારે સેનેટાઇઝરની બોટલને હાથમાં લઇએ તો લાઇફ વધે એવા સાયન્ટિફિક લોજિકનો ઉપયોગ કરીને રિષિ શાહે આ મોબાઇલ ગેમને રસપ્રદ અને ગમ્મતમય બનાવેલ છે.

રિષિના પિતા સિધ્ધાર્થભાઇ કોલેજમાં પ્રોફેસર અને માતા વૈભવીબહેન ગૃહિણી છે. તેઓએ જણાવ્યું કે રિષિને નાનપણથી જ કોમ્પ્યુટર સાયન્સ અને ટેકનોલોજીમાં રસ છે. અને રાજકોટ પબ્લિક સ્કૂલમાં પણ તે દર વર્ષે ઉચ્ચ પરિણામ મેળવે છે. પોતાના પુત્રની આ સિધ્ધિનું બંને ગૌરવ અનુભવે છે. રિષિએ જણાવ્યું કે તેને સોફટવેર ડેવેલપમેન્ટમાં અને ખાસ કરીને આર્ટીફિશયલ ઈન્ટેલિજન્સમાં કેરિયર બનાવવાની ઇચ્છા છે.

રાજકોટ પબ્લિક સ્કૂલના ચેરમેન જિતેષભાઇ ઉકાણી અને ટ્રસ્ટીઓ ભરતભાઇ ડઢાણિયા, હસમુખભાઇ ઉકાણી, સમીરભાઇ કાલરિયા, વિજયભાઇ ડઢાણિયા, અમિતભાઇ ત્રાંબડિયા, પરેશભાઇ ગોહેલ અને વિશાલભાઇ કાલરિયા તેમજ પ્રિન્સિપાલ તથા સ્કૂલ પરિવારે રિષિ અને તેના માતાપિતાને શિલ્ડ અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરીને અભિનંદન આપેલ હતા.

(3:36 pm IST)