Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

LRDના ઉમેદવારો ઉકળી ઉઠયાઃ ૧૫ જૂન બાદ ગાંધીનગરમાં મોટાપાયે આંદોલનઃ કલેકટરને આવેદન

ગુજરાતની સરકાર દ્વારા અમને નજરઅંદાજ કરાય છેઃ હવે કાયદાકીય કાર્યવાહી થશે તો સરકાર જવાબદાર

એલ.આર.ડી.ના પુરૂષ ઉમેદવારોએ આજે આંદોલનની જાહેરાત કરી એડી. કલેકટરને આવેદન પાઠવ્યુ હતું

રાજકોટ, તા. ૬ :. એલઆરડી ભરતી અંગે બનાવાયેલ કમિટીના આગેવાનોએ કલેકટરને આવેદન પાઠવી એલઆરડીના પુરૂષ ઉમેદવારો મોટાભાગના દરેક સમાજના આગેવાનોને સાથે લઈને તા. ૧૫ જૂન પછી ગમે ત્યારે ગાંધીનગરમાં મોટાપાયે આંદોલન કરાશે તે અંગે જાણ કરી હતી.

આવેદનમાં ઉમેર્યુ હતુ કે સરકાર દ્વારા એલઆરડી ભરતી ૨૦૧૮-૧૯-૨૦માં ભારત દેશના બંધારણના કાયદાનો ભંગ કરી પુરૂષ ઉમેદવારો સાથે જે ઘોર અન્યાય થયો છે. જેના વિરોધમાં અમે પુરૂષ ઉમેદવારો સરકાર સાથે વાતચીત કરવાના અને સરકાર સામે પોતાની વાત રજુ કરવા માટેના અથાગ પ્રયત્નો કરી ચૂકયા છીએ.

શરૂઆતથી અમોએ અલગ અલગ મામલતદાર કચેરીઓ અને કલેકટર કચેરીઓને આવેદન આપીને સરકાર સુધી વાત પહોંચાડવાનો પ્રયાસ કર્યો. પછી ૩ વખત ગાંધીનગરમાં ૫૦૦ થી ૬૦૦ ઉમેદવારો ભેગા થઈને આંદોલન કર્યુ, તો દર વખતે પોલીસનો ઉપયોગ કરીને અમારી ધરપકડ કરાવી. આ કોરોના મહામારીમાં અમે આપશ્રીને કોઈ પણ વળતર લીધા વગર સેવાનો મોકો આપવાની વાત કરી તો તેને પણ નજરઅંદાજ કરવામાં આવી, પછી આ કોરોનાની મહામારીના સમયમાં અમે ઉમેદવારોએ આપની સરકારના અલગ અલગ નેતાઓને વાતચીત કરવા માટેના લાખો મેઈલ, ફેકસ મેસેજ અને હજારો ફોનકોલ્સ કર્યા પણ તેને પણ ઈગ્નોર કર્યા.. અલગ અલગ પ્રિન્ટ મીડીયામાં અમારી માંગણી વિષે છાપવામાં આવ્યું છતા અમને વાતચીત કરવા કે સંતોષકારક જવાબ આપવાથી દૂર જ રાખ્યા... તેમ છતાં અમે ધીરજ રાખીને ગુજરાતના રાજ્યપાલશ્રી અને પ્રધાનમંત્રી કાર્યાલય સુધી અમારી વાત પહોંચાડી અને જેના વિષયમાં બનાસકાંઠાના સુઈગામ અને સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા પોલીસ સ્ટેશનમાંથી ઉમેદવારો પર તપાસ પણ આવી હતી છતા ધ્યાન ન આપ્યુ જેના પરથી જ સાબિત થાય છે કે ગુજરાતની બીજેપી સરકાર દ્વારા અમારી વાતને સદંતર નજરઅંદાજ કરવામાં આવી રહી છે.

હવે અમારી ધીરજ ખુટી રહી છે અને અમે હવે ઘણા બધા સમાજના આગેવાનોનો સાથ લઈને આ આવેદન મારફતે તમને અમારા આગળના કાર્યક્રમની જાણ કરીએ છીએ અને તા. ૧૫ સુધી સરકારના હકારાત્મક જવાબની આશા રાખીયે છીએ અને જો કોઈ જવાબ નહિ મળે તો અમે ઉમેદવારો હવે તા. ૧૫ પછી ગાંધીનગરમં ભેગા થઈને ખૂબ મોટાપાયે જમીન પર ઉતરીને આંદોલનની શરૂઆત કરવાના છીએ અને સરકાર કાયદાનો ઉપયોગ કરીને ઉમેદવારો પર કાયદાકીય કાર્યવાહી કરશે તો તેના જવાબદાર સરકાર જ બનશે તેમ આ આવેદનના અંતમાં ઉમેરાયું છે.

(3:26 pm IST)