Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

સોમવારથી જ્યુબેલી, લાખાજીરાજ, દેવપરા, હુડકો અને ગુંદાવાડીની શાકમાર્કેટો ધમધમશે : ૯૫ હોકર્સ ઝોન શરૂ

ફેરિયાઓને વહિવટી ચાર્જ ભરી દેવા તાકિદ

રાજકોટ તા. ૬ : કોરોના સંક્રમણ રોકવા સરકારે દેશભરમાં લોકડાઉન કર્યું છે. બે મહિના સુધી અત્યંત કડક લોકડાઉન બાદ હવે અનલોક ૧.૦ શરૂ થતાં શહેરના મોટાભાગના વેપાર - ધંધા શરૂ થયા છે ત્યારે હવે મ્યુ. કોર્પોરેશન દ્વારા ૨ મહિનાથી બંધ પડેલી શાકમાર્કેટો અને હોકર્સ ઝોન શરૂ કરવા નિર્ણય લેવાયો છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનના તંત્ર વાહકોની સત્તાવાર યાદીમાં જણાવાયું છે કે આગામી તા. ૮ મે સોમવારથી શહેરનાં ૯૫ હોકર્સ ઝોન કે જે દરેક વોર્ડના જાહેર પ્લોટમાં બનાવેલા છે અને તેમાં શાકભાજી - ખાણીપીણી તેમજ અન્ય નાની-મોટી ચીજવસ્તુ વેચતા ફેરિયાઓ રેકડી - કેબીન કે પાથરણા પાથરીને વેપાર ધંધો કરી રોજીરોટી મેળવે છે તે તમામ હોકર્સ ઝોન શરૂ કરી દેવામાં આવશે.

આ ઉપરાંત શહેરમાં આવેલી જાહેર શાકમાર્કેટો જેવી કે જયુબેલી, દેવપરા, ગુંદાવાડી, ગોવિંદબાગ, લાખાજીરાજ વગેરે શાકમાર્કેટો પણ ખોલી નાખવામાં આવશે.

આમ, હવે હોકર્સ ઝોન અને શાકમાર્કેટો ખુલી રહી છે ત્યારે તેમાં વેપાર - ધંધો કરતા ફેરીયાઓ - નાના-મોટા વેપારીઓ તેનો નિયત વહીવટી ચાર્જ તા. ૮ થી મ્યુ.કોર્પોરેશનના સિવિક સેન્ટરોમાં અથવા નજીકની વોર્ડ ઓફિસોમાં જમા કરાવી દયે તેવી તાકિદ તંત્રવાહકોએ કરી છે.

(2:58 pm IST)