Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

કમળાપુર આરોગ્ય કેન્દ્રની પ્રસંશનીય કામગીરી : જોખમી પ્રસુતિ સુખરૂપ કરાવી

માત્ર ૭ ટકા હિમોગ્લોબિન ધરાવતા ૨૭ વર્ષના ગ્રામ્ય મહિલાની સફળ પ્રસૂતિ કરાવીને કમળાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નોધારાનો આધાર બન્યું છે. માતૃ-બાળ સંભાળ અંગે નમૂનેદાર કામગીરીનો દાખલો બેસાડયો છે.

વાત જાણે એમ છે કે, કમળાપુરના ૨૭ વર્ષના શ્રીમતી નીતાબેન ભૂપતભાઈ દૂધરેજીયાની સગર્ભા મહિલા તરીકે કમળાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે નોંધણી કરાયેલ હતી. ગત તા. ૬ માર્ચના કરાયેલી નિયમ મુજબની શારીરિક તપાસમાં શ્રીમતિ નીતાબેનને હીમોગ્લોબીનનું પ્રમાણ માત્ર ૭ ટકાનું જ જણાયું. આથી ફરજ પરના તબીબી અધિકારી ડો. ડી. કે. ગોંસાઇએ પ્રધાનમંત્રી માતૃત્વ સુરક્ષા અભિયાન અંતર્ગત નીતાબેનને હિમોગ્લોબિનના ઇન્જેકશનનો કોર્ષ ૧૬ માર્ચ સુધી પૂર્ણ કરાવવામાં આવ્યો અને પોષણક્ષમ આહાર, પૂરક દવા વગેરેનું આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું.

શ્રીમતિ નીતાબેનની પ્રસૂતિની તારીખ નજીક હોવાથી કમળાપુરના આશા વર્કર બહેન શિલ્પાબેન એ. વાસાણીએ ૨૯ મેની સવારે નીતાબેનનું સંસ્થાકીય સારવાર અન્વયે શારીરિક પરીક્ષણ કરાવ્યું, જેમાં તેમના અન્ય શારીરિક માપદંડો સામાન્ય જણાયા. ઉપરાંત હેમોગ્લોબિનનું સ્તર પણ ૧૧ ટકાનું થઇ ગયાનું જણાયું. આ જ દિવસે બપોર બાદ નીતાબેનને પ્રસૂતિનો દુઃખાવો ઉપડતાં આરોગ્ય કર્મચારીઓ વી. જે. ઠુમર, ઝલકબેન નિમાવત, દેવીકાબેન રામાણી અને કાજલબેન મકવાણા દ્વારા મેડિકલ ઓફિસર ડી. કે. ગોસાઇના સીધા માર્ગદર્શન તળે સાંજે ૬.૪૪ કલાકે નોર્મલ ડીલીવરી કરાવેલ. જેમાં બાળકના ધબકારા, માતાનું લોહીનું દબાણ અને તાપમાન વગેરે તદ્દન સામાન્ય હતું.

સામાન્ય સુવાવડ બાદ પણ તકલીફો નીતાબેનનો કેડી મુકતી નહોતી. પ્રસૂતિ બાદ અચાનક નીતાબેનને દુઃખાવો ઉપડતાં રાત્રે ૧૦.૩૦ કલાક સુધી તેમની સરકારી ગાઈડલાઇન મુજબ સારવાર કરવામાં આવી અને જયાં સુધી નીતાબેન તથા નવજાત બાળક સંપૂર્ણ સ્વસ્થ ન થાય ત્યાં સુધી સ્ટાફ દ્વારા ખડે પગે સારવાર કરાઇ.

આમ, ઓછા હિમોગ્લોબીન ધરાવતી સગર્ભાની સંપૂર્ણ તંદુરસ્ત સુવાવડ કરી કમળાપુરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફે માતૃ-બાળ કલ્યાણની સંતોષકારક કામગીરી કરી રાજયસરકારના માતા મરણ અટકાયતના અભિગમને સાર્થક કરી બતાવ્યુ. કોરોનાની મહામારીમાં પણ પોતાની મુળભૂત કામગીરી ઉમદા રીતે બજાવી તબીબી ક્ષેત્રે નેત્રદિપક ઉદાહરણ સ્થાપિત કર્યું હતુ.

-: આલેખન :-

સોનલ જોષીપુરા

 માહિતી કચેરી, રાજકોટ       

(2:43 pm IST)