Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

રાજકોટ જિલ્લાના ૩૩૭ ગામોમાં પાંચ હજાર શૌચાલયનું નિર્માણકાર્ય પુરજોશમાં

-   પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨ જી ઓકટોબર–૨૦૧૪ ના મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ ના દિવસે ભારતના ઇતિહાસમાં સૌથી મોટું સ્વચ્છ ભારત મિશન શરુ કર્યુ. દેશને સ્વચ્છ કરવાનું અને ખુલ્લામાં શૌચ મુકત કરવાનું.  ઘરે ઘરે શૌચાલયની સોચ સાથે તેમણે ખુલ્લામાં શૌચ માટે જતા લોકોની પીડાને દુર કરી. ખાસ કરીને ગામડાઓમાં મહિલાને પડતી તકલીફનું નિરાકરણ કરવામાં આવ્યું છે.  આ અભિયાનના આખરી મુકામ તરીકે ''નો વન લેફ્ટ બિહાઇન્ડ''  મિશન હેઠળ એક પણ ઘર પાછળ ના રહી જાય તે વિચાર સાથે ઘરે-ઘરે શૌચાલયની મુહિમ શરુ કરવામાં આવી છે.

એક પણ ઘર હવે શૌચાલય વગર નહિ રહે તે માટે રાજકોટ જિલ્લામાં પણ ખાસ સર્વે કરવામાં આવ્યો છે અને શૌચાલય વિહોણા પરીવારોને આ સુવિધા પ્રાપ્ત થનાર છે. જિલ્લા પંચાત અને ડીસ્ટ્રીકટ રૂરલ ડેવલપમેન્ટ એજન્સી દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ રાજકોટ જિલ્લામાં ૩૩૭ ગામોમાં ૪૯૪૫ શૌચાલયના નિર્માણનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જેમાં તા. ૧ જૂન ૨૦૨૦ સુધીમાં ૩૫ ગામોના ૯૩૭ શૌચાલયોનું કામ પૂર્ણ થયું છે. હાલ ૨૧૭ ગામોના ૨૦૩૮ શૌચાલયોની કામગીરી પ્રગતિ હેઠળ છે. આવનારા સમયમાં ૩૯૮૭ શૌચાલય ઘર દીઠ પૂર્ણ કરવામાં આવશે.

રાજયમાં શૌચાલયના નિર્માણ માટે લાભાર્થીને રૂ.૧૨ હજારની સહાય કરવામાં આવે છે, જેમાં ૬૦% કેન્દ્ર સરકાર દ્વારા તેમજ ૪૦% રાજય સરકાર દ્વારા આ સહાય ચુકવવામાં આવે છે.  બી. પી. એલ. કેટેગરીમાં આવતા અને જેમણે એકપણ વાર આ યોજનાનો લાભ ના લીધો હોઈ તે તમામ લાભાર્થીઓ સહિત નાના સીમાંત ખેડૂતો,  એ. પી. એલ કેટેગરીના  એસ.સી., એસ.ટી,  જમીન વિહોણા ખેત મજુર, શારીરિક વિકલાંગ અને કુટુંબના મહિલા વડા હોય તેવા લાભાર્થીઓનું ગામના સરપંચ અને તલાટી દ્વારા યાદી તૈયાર કરવામાં આવે છે. આ યાદી પરથી સર્વે કરવામાં આવે છે અને જરૂરિયાતમંદ લાભાર્થીઓને શૌચાલય બનાવવા જણાવવામાં આવે છે. શૌચાલય નિર્માણ બાદ તેનું ઇન્સ્પેકશન થાય છે. તેનું જીઓ ટેગિંગ બાદ સર્ટિફિકેટ મળે છે તેમજ તેમને ગ્રાન્ટની રકમ ફાળવવામાં આવે છે તેમ ડી.આર.ડી.એ.ના નિયામક જે. કે. પટેલ જણાવે છે.

જસદણ તાલુકાના વેરાવળ ગામના શંભુભાઈ વાઘેલાના ૧૪  જણના પરિવારમાં ૬ મહિલાઓ અને ૪ બાળકો છે. તેમના ઘરે શૌચાલય ન હોવાથી પરિવારના સભ્યોને ખુબ મુશ્કેલી પડતી હતી. શૌચાલય બનાવવા માટે ઘરમાં શોષ ખાડો કયાં બનાવવો તે મોટો પ્રશ્ન હોઈ તેઓ આ બાબતે તૈયાર નહોતા.  જિલ્લા અને તાલુકા કોર્ડીનેટરની ટીમે તેમના ઘરે જઈ શૌચાલય નિર્માણ માટે શું વ્યવસ્થા થઈ શકે તે અંગે માર્ગદર્શન પૂરૂ પાડ્યું. તેઓ શૌચાલય માટે તૈયાર થયા. ઘરમાં જ શૌચાલય બનતા તેમના વૃદ્ઘ માતા, પત્ની અને બાળકોને  હવે સ્વચ્છતાની સુવિધા મળી છે.

આવનારા સમયમાં જિલ્લા પંચાયત સ્વચ્છ ભારત મિશનને ચરિતાર્થ કરી એક પણ ઘર-પરિવાર શૌચાલય વિહોણો ના રહી જાય તે દિશામાં અંતિમ તરફ સિદ્ઘિ પ્રાપ્ત કરાશે.

-: આલેખન :-

રાજકુમાર

 માહિતી બ્યુરો, રાજકોટ

(3:29 pm IST)