Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

સદર બજારના ભાવીશા ઇલેકટ્રીકવાળા મુકેશભાઇ ધનવાણીને મિત્ર જહાંગીર શેખે છરી ભોંકી દીધી

ઉછીના લીધેલા ૫૦ હજાર પાછી આપી દીધા બાદ મિત્રતા ઓછી કરી નાંખતાં ન ગમ્યું : જહાંગીર સતત કારીગરોને પણ મુકેશભાઇની દૂકાને આવવાની ના પાડતો'તોઃ સાંજે ચાર વાગ્યે ઝઘડો કરી જતો રહ્યોઃ સાત વાગ્યે દૂકાન વધાવી વેપારી પત્નિ સાથે ઘરે જતા હતાં ત્યારે ફરીથી હુમલો કર્યો

મિત્ર જહાંગીર શેખના હુમલામાં ઘાયલ વેપારી મુકેશભાઇ ધનવાણી સારવાર હેઠળ છે. તેના પત્નિની નજર સામે જ આ હુમલો થયો હતો. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૬: શહેરના કાશી વિશ્વનાથ પ્લોટ રાધીકા એપાર્ટમેન્ટ બીજા માળે બ્લોક નં. ૨૦૫માં રહેતાં અને સદર બજારમાં ભાવિશા ઇલેકટ્રીક નામે દૂકાન ધરાવતાં સિંધી લોહાણા વેપારી મુકેશભાઇ લક્ષ્મીચંદભાઇ ધનવાણી (ઉ.વ.૪૪)ને તેના જ મિત્ર રૈયા રોડ કનૈયા ચોક નજીક રહેતાં જહાંગીર શેખ નામના શખ્સે પેટના ભાગે ડાબી સાઇડમાં છરી ભોંકી દેતાં લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં પોલીસે ફરિયાદ નોંધી છે.

મુકેશભાઇ ધનવાણીએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું સદર બજારમાં ઇલેકટ્રીકની દૂકાન ધરાવું છે. શુક્રવારે સાંજે ચારેક વાગ્યે હું મારા પત્નિ તથા કારીગર યુવરાજસિંહ અમારી દૂકાને હતાં ત્યારે મારા મિત્ર જહાંગીર શેખે આવી મારા કારીગર યુવરાજસિંહને ધમકાવી તું અહિ હવે પછી કામે આવતો નહિ તેમ કહી ગાળો દેતાં મેં તેને ગાળો બોલવાની ના પાડતાં તેણે મને અને મારા પત્નિને પણ ગવાળો ભાંડી હતી. ઉશ્કેરાઇ જઇ ત્યાં પડેલો પથ્થર ઉપાડી મને મારવા જતો હતો ત્યાં મારા પપ્પા આવીજતાં તેને સમજાવીને દૂર લઇગયેલ. એ પછી તે જતો રહ્યો હતો.

સાંજે સાત વાગ્યે દૂકાન વધાવી હું અને મારા પત્નિ એકટીવા પર બેસી ઘરે જવા નીકળ્યા ત્યારે સંગમ ચીકી પાસે જહાંગીર ઉભો હોઇ તે અમને જોઇ એકાએક આવેશમાં આવી ગયો હતો અને છરી કાઢી મારવા દોડતાં હું છરી પકડવા જતાં ડાબા પડખે પેટના ભાગે ઘા લાગી ગયો હતો. મારા પત્નિએ રાડારાડ કરતાં તે ભાગી ગયો હતો. મને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

મુકેશભાઇએ વધુમાં જણાવ્યું હતું કે જહાંગીર સદરની જ એક દૂકાનમાં કામે આવતો હોઇ તેની સાથે મિત્રતા છે. અગાઉ હું ધંધાના કામે બીજા એક ઓળખીતા પાસેથી ઉછીના નાણા લેવાની વાત કરતો હતો ત્યારે જહાંગીર સાંભળી જતાં તેણે મારી પાસેથી જ પૈસા લઇ લે...તેમ કહી રૂ. ૫૦ હજાર આપતાં મેં એ પૈસા લીધા હતાં. આ રકમ તેને બાદમાં થોડા જ દિવસમાં પાછી આપી દીધી હતી. આથી તેને ગમ્યું નહોતું. ત્યારથી મેં તેની સાથે ભાઇબંધી ઓછી કરી નાંખી હતી. ત્યારથી તે મારી દૂકાને આવતાં કારીગરોને અહિ કામે ન આવતાં તેમ કહી હેરાન કરવા માંડ્યો હતો. ગઇકાલે ફરીથી તેણે કારીગરને ગાળો ભાંડતા ડખ્ખો થયો હતો અને બાદમાં તેણે છરી ભોંકી દીધી હતી.

એએસઆઇ હરેશભાઇ રત્નોતર અને માયાબેન સાટોડીયાએ ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.

(1:08 pm IST)