Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

કયાં છે તારો દિકરો, આજે તો મારી જ નાંખવો છે...ઘાંચીવાડના વૃધ્ધાને ધમકી

મિલ્કતના ડખ્ખામાં ૬૫ વર્ષના મણીબેન મકવાણાને ભત્રીજા અજય સરવૈયા અને ભાણેજ પાવન વણોલે ધમકાવ્યાની પોલીસ ફરિયાદ

રાજકોટ તા. ૬: ઘાંચીવાડમાં રહેતાં વૃધ્ધાને તેના ભત્રીજા અને ભાણેજે ઘરમાં ઘુસી સંયુકત પરિવારની મિલ્કતના ભાગ મામલે ધમકાવી 'તારો દિકરો કયાં છે? આજે તો મારી જ નાંખવો છે' તેવી ધમકી આપતાં ફરિયાદ થઇ છે.

બનાવ અંગે એ-ડિવીઝન પોલીસે ઘાંચીવાડ-૭/૧ના ખુણે જુની જેલ રોડ પર રહેતાં મણીબેન રણછોડભાઇ મકવાણા (ઉ.૬૫) નામના વૃધ્ધાની ફરિયાદ પરથી તેના ભત્રીજા સોરઠીયા પ્લોટના અજય હિમતભાઇ સરવૈયા તથા નાની બહેનના દિકરો થોરાળાના પાવન ગોરધનભાઇ વણોલ સામે આઇપીસી ૫૦૬ (૨), ૧૧૪, ૩૭ (૧) ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે.

મણીબેને ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને નિવૃત જીવન જીવુ છું.  બુધવારે રાત્રે સાડા દસેક વાગ્યે હું તથા પુત્રવધૂ જ્યોત્સના ઘરે હતાં ત્યારે ભત્રીજો અજય છરી સાથે આવ્યો હતો અને જ્યોત્સનાને 'કયાં છે અશ્વિન, તેને મારી નાંખવો છે' તેવા બૂમબરાડા કરી ઘરમાં અશ્વિનને શોધવા આટાફેરા કર્યા હતાં. જતાં જતાં કહેતો ગયેલો કે આજે એ હાથમાં આવશે તો પતાવી જ દઇશ. થોડીવાર પછી મારી નાની બહેનનો દિકરો મનોજ વણોલ આવ્યો હતો એ તેણે પણ અશ્વિનને પતાવી દેવો છે, તે સરકારી નોકરી કરે છે ને...હું તેને જોઇ લઇશ. તેમ કહી તે પણ ચાલ્યો ગયો હતો અને શેરીમાં આટાફેરા શરૂ કર્યા હતાં.

એ પછી મારા દિકરા અશ્વિનને જ્યોત્સાને ફોન કરી જાણ કરી હતી. એ પછી પાવને પણ અશ્વિનને ફોન કરી મારી નાંખવાની ધમકી આપી હતી. અશ્વિને મારા ભાઇ મહેન્દ્રભાઇ જીવણભાઇ સરવૈયા સહિતને જાણ કરી હતી. અમારી મિલ્કત કેનાલ રોડ પર આવેલી છે. જુની જમીનના ભાગનો પ્રશ્ન હોઇ અને બધાની સંયુકત માલિકી હોઇ અજય અને પાવને આ મિલ્કત માટે ઝઘડો કરી મારા દિકરાને મારી નાંખવાની ધમકી આપી હતી. હેડકોન્સ. આર. એલ. વાઘેલાએ ગુનો નોંધ્યો હતો. પીએસઆઇ વી.એમ. ડોડીયાએ તપાસ હાથ ધરી છે.

(3:46 pm IST)