Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

રાજકોટની અફીફાખાતુન પર અમદાવાદમાં સાસુએ ગુજાર્યો અસહ્ય ત્રાસઃ પતિથી ધરાર અલગ સુવડાવતાં

છ માસ પહેલા જ પરણેલી યુવતિને ન્હાવા માટે દસ જ મિનિટ અપાતીઃ કોઇને ફોન કરવો હોય તો સ્પીકર મોડમાં વાત કરવાની!: સસરા પણ ગાળો દેતાં અને પતિ કહેતો માતા-પિતાનો સ્વભાવ આવો જ છે તારે સહન કરવું પડશે! : દોઢ માસ પહેલા સાસુ મારવા દોડ્યાઃ બટકા ભર્યા, બચવા જતાં સીડી પરથી પટકાઇઃ દોટ મુકી ભાગીને માંડ રાજકોટ પહોંચી

રાજકોટ તા. ૬: દૂધસાગર રોડ પર મારતર ધરાવતી અને છ મહિના પહેલા જ અમદાવાદના યુવાન સાથે પરણેલી મુસ્લિમ યુવતિને પતિ, સાસુ, સસરાએ અસહ્ય ત્રાસ આપતાં અને દોઢેક મહિના પહેલા સાસુએ મારકુટ કરતાં ત્યાંથી માંડ ભાગીને રાજકોટ પહોંચતાં મામલો પોલીસમાં પહોંચ્યો છે. આ યુવતિને સાસુ પતિથી અલગ સુવા દબાણ કરતાં હતાં અને બાથરૂમમાં ન્હાવા માટે પણ માત્ર દસ જ મિનીટ આપતાં હતાં. ફોન પણ પડાવી લીધો હતો, જો માવતરે ફોન કરવો હોય તો સાસુના ફોનમાંથી વાત કરવાની અને એ પણ સ્પીકર મોડ રાખીને!

બનાવ અંગે મહિલા પોલીસે હાલ એક-દોઢ મહિનાથી રાજકોટ દૂધ સાગર રોડ પર ભગવતી સોસાયટી સાબીર એપાર્ટમેન્ટમાં માવતરે રહેતી અફીફાખાતુન અલીઅકબર કાદરી (ઉ.૨૧)ની ફરિયાદ પરથી અમદાવાદ અરશદ પાર્ક, અંબર ટાવરની બાજુમાં એ-૨૭ ખાતે રહેતાં પતિ અલીઅકબર કાદરી, સાસુ રેહાનાબેન અને સસરા અનવરઅલી કાદરી સામે આઇપીસી ૪૯૮ (ક), ૩૨૩, ૫૦૪, ૧૧૪ તથા દહેજધારાની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

અફીફાખાતુને એફઆઇઆરમાં જણાવ્યું છે કે મારા લગ્ન અમદાવાદ ખાતે ૧૫-૧૧-૨૦૧૮ના રોજ થયા છે. લગ્ન બાદ હું સંયુકત કુટુંબમાં રહેતી હતી. થોડા દિવસ મને સરખી રીતે રાખી હતી. એ પછી પતિ નોકરીએ જતો ત્યારે પાછળથી સાસુએ માનસિક ત્રાસ શરૂ કર્યો હતો. 'તે મારા દિકરાને ફસાવી લીધો છે'...તેમ કહી કામકાજ બાબતે પણ મેણાટોણા મારતાં હતાં. પતિની હાજરમાં મને વારંવાર છૂટાછેડાની ધમકી આપતાં હતાં અને મારી બહેનો તથા માતા-પિતા વિશે પણ અપશબ્દો બોલતાં હતાં. મને  મારા પતિથી અલગ સુવા દબાણ કરી અમને બંનેને ધરાર અલગ સુવડાવતાં હતાં. સાસુએ મારો મોબાઇલ પણ લઇ લીધો હતો અને કહેતાં કે તારે ફોન કરવો હોય તો મારા ફોનમાંથી કરી લેજે અને સ્પીકર મોડમાં રાખીને જ વાત કરવા દેતાં હતાં.

અફીફાખાતુને આગળ જણાવ્યું છે કે મારે ઘરમાં શું પહેરવું શું ન પહેરવું તે પણ સાસુ નક્કી કરતાં. હું વોશરૂમમાં કે બાથરૂમમાં ન્હાવા જાવ તો પણ સાસુને પુછવું પડતું. દસ જ મિનિટમાં ન્હાઇને બહાર નીકળી જવાનું દબાણ કરતાં, જો મોડુ થાય તો દરવાજો ખટખટાવતાં!...હું મારા પતિને વાત કરતી તો તે કહેતાં કે માતા-પિતાનો સ્વભાવ જ એવો છે, તારે સહન કરવું પડશે. જેથી હું સહન કરતી હતી. સાસુ મને વારંવાર કહેતાં કે એક દિવસતો તને કાઢી જ મુકીશ. મારા સ્કૂલના સર્ટિફિકેટ સહિતના ડોકયુમેન્ટ મને માવતરેથી લઇ આવવા કહેતાં હતાં. મારા સાસુ મારા પતિની જાણ બહાર દહેજની માંગણી પણ કરતાં હતાં અને માવતરેથી કંઇ લાવી નથી તેમ કહી મેણા મારતાં હતાં.

૧૯/૪/૧૯ના રોજ મારા બહેનના દિકરાનો બર્થ ડે હોઇ મેં તેને ફોન કરી વિશ કર્યુ ત્યારે સાસુ બાજુમાં જ હતાં. એ દિવસે કંઇ ન કહ્યું બીજા દિવસે 'તું કેમ આપણા ઘરની વાતો તારી બહેનને કરે છે' તેમ કહી રસોડામાં આવવાની ના પાડી દીધી હતી અને રૂમમાં લઇ જઇ માર મારતાં મારી બંગડીઓ તૂટી ગઇ હતી. મારા સસરાને ફોન કરી સ્પીકર મોડમાં રાખતાં સસરાએ પણ મને ગાળો દીધી હતી અને તે એવું બોલ્યા હતાં કે તું આને નોકરાણી કરીને રાખ, બેસવા ન દેતી. જેથી હું મારા રૂમમાં પતિ સુતા હોઇ ત્યાં જતાં મારો હાથ પકડી ધક્કો માર્યો હતો અને તેને ઉઠાડવો નથી, એ તારો નોકર નથી. તેમ કહી બેસાડી દીધી હતી.

એ પછી મારા પતિ પાસે જઇ મેં બધી વાત કરી હતી. ત્યાં મારા સાસુ ગાળો બોલતા ઉપર આવ્યા હતાં અને આને ઘર ભેગી કરી દે, તારી ઘરવાળીએ મને માર માર્યો છે. તેમ કહેતાં મારા પતિએ પણ મારો વાંક કાઢ્યો હતો. એ પછી પતિ પણ 'તારા પપ્પા-બહેનો આવી જાય પછી તારો ફેંસલો કરશું' તેમ કહી નીકળી ગયેલ. બપોરે હું મારને કારણે જમી પણ શકી નહોતી. ત્રણેક વાગ્યે નમાજ પઢવા બેઠી તો સાસુએ મુસલ્લો ખેંચી લીધો હતો. મારા સસરાને ફોન કરતા સસરાએ ગાળો દીધી હતી. તેમજ સાસુએ માર મારવાનું શરૂ કરતાં હું રૂમની બહાર નીકળવા જતાં સાસુએ દાંત કચકચાવી મારું ગળુ દાબી દીધું હતું. હું હાથ છોડાવી સીડી પરથી નીચે ઉતરવા જતાં મને બાવડામાં બટકા ભરી લીધા હતાં. મારી ચીસ નીકળી ગયેલ અને હું સીડી પરથી પડી ગઇ હતી.

એ પછી હું ઘરની બહાર નીકળી ગઇ હતી. સાસુ બહાર સુધી મારી પાછળ દોડ્યા હતાં. હું રિક્ષામાં બેસી ગઇ હતી. પૈસા પણ નહોતાં. હું માંડ રાજકોટ મારા માવતરે પહોંચી હતી. અંતે પતિ, સાસુ, સસરા વિરૂધ્ધ ફરિયાદ કરી છે.

ઉપરોકત ફરિયાદ પરથી પીએસઆઇ ટી.ડી. ચુડાસમાએ ગુનો દાખલ કરી વિશેષ તપાસ હાથ ધરી છે.

(10:28 am IST)