Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

લોહાણા મહાજનની ચૂંટણીમાં મહાજને પોતાનો પ્રતિનિધિ મૂકવો જોઇએઃ જનકભાઇ કોટક

પોતાના જન્મદિવસે ચૂંટણીમાં સમાજોપયોગી પેનલ ચૂંટાઇ આવે તેવી ઇચ્છા ધરાવતા રાજકોટના પૂર્વ મેયરઃ ધણાં બધા આગેવાનો ચૂંટણી લડે તે જાગૃત સમાજની નિશાની છે

રાજકોટ તા.૬: નાયબ ચેરીટી કમિશ્નર રાજકોટ ના આદેશ મુજબ લોહાણા મહાજન રાજકોટની ચૂંટણી ૪૫ દિવસમાં (સંભવત :જુલાઇના બીજા અઠવાડીયામાં) યોજાવાની છે ત્યારે રાજકોટના પૂર્વ મેયર અને મહાજન ઉપપ્રમુખ જનકભાઇ કોટકે (મો. ૯૭૧૪૭ ૦૭૧૧૪)આજ રોજ પોતાના જન્મદિને જણાવ્યું હતું કે ચૂંટણી લડવા માટે ઘણાં બધા આગેવાનો ઇચ્છા ધરાવે છે ત્યારે લોહાણા મહાજન રાજકોટે ચૂંટણીમાં પોતાનો પ્રતિનિધિ ઉભો રાખવો જોઇએ.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે એક સાથે ઘણાં બધા આગેવાનો ચૂંટણી લડતા હોય તે એક જાગૃત સમાજની નિશાની છે. અલગ-અલગ ક્ષેત્રોના લોકો સમાજની ચૂંટણીમાં ઝંપલાવે તે સમાજના વિકાસ માટે જરૂરી છે.

મહાજન પ્રમુખની ચૂંટણી લડવા માટે રાજેરોજ નવા-નવા નામો સામે આવતા જાય છે ત્યારે કાશ્મીરાબેન નથવાણીએ તેઓને હજુ સુધી ચૂંટણી લડવાની સ્પષ્ટ ના ન પાડી હોવાનું જનકભાઇ કોટકે જણાવ્યું હતુ. તેઓના કહેવા મુજબ બિલ્ડર લોબી માંથી નિતિનભાઇ રાયચુરા કે પછી ઇન્ડસ્ટ્રીયલ-વેપારી લોબીમાંથી સુરેશભાઇ ચંદારાણા ચૂંટણી લડે તેવી શકયતા નકારી ન શકાય. સુરેશભાઇ ચંદારાણા તથા નિતિનભાઇ રાયચુરા બંને મહાપરિષદના પણ હોદેદારો છે.

લોહાણા મહાજન રાજકોટની ચૂંટણી જાહેર થતાં જ લોહાણા મહાજનના લડાયક યુવા ઉપપ્રમુખ રમેશભાઇ ધામેચા તથા ગ્રુપે ચૂંટણી લડવાનો સ્પષ્ટ સંકેત આપી દીધો છે અને તેઓને સંખ્યાબંધ જ્ઞાતિ આગેવાનોનું સમર્થન પણ મળી રહયાનું જાણવા મળે છે.

આ પરિસ્થિતિ વચ્ચે મહાજન પ્રમુખ તરીકે કાશ્મીરાબેન નથવાણી પોતે જ ચૂંટણી લડે કે પછી મહાપરિષદના હોદેદાર તરીકે નિતિનભાઇ રાયચુરા કે સુરેશભાઇ ચંદારાણા ચૂંટણી લડે તો ચોક્કસપણે ઐતિહાસિક ચૂંટણી થાય જેમાં બે મત નથી.

અને આમ પણ લોહાણા મહાજન રાજકોટમાં અત્યાર સુધી તમામ પ્રમુખો અને પેનલ સર્વસંમતિથી બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે. ચૂંટણી તો સૌપ્રથમ વખત થઇ રહી છે. જેને કારણે પણ આશરે અઢી લાખની વસ્તી ધરાવતા લોહાણા સમાજમાં ઉતેજના વ્યાપી ગઇ છે.

મહાજનની ચૂંટણી પ્રક્રિયા નકકી કરવા  હયાત ટ્રસ્ટીઓની શુક્રવારે મીટીંગ

લોહાણા મહાજન રાજકોટના જે ટ્રસ્ટીઓ હયાત છે (૧૪) તેઓની એક મિટીંગ તા. ૮-૬-૧૮ શુક્રવારના રોજ સવારે ૧૧ વાગ્યે, કેસરીયા લોહાણા મહાજન વાડી, કાલાવડ રોડ ખાતે રાખેલ છે.

ચૂંટણી પ્રક્રિયા આ તમામ હયાત ટ્રસ્ટીઓ નકકી કરશે તેવું રાજકોટ લોહાણા મહાજનના હાલના પ્રમુખ કાશ્મીરાબેન નથવાણીએ આજરોજ જણાવ્યું હતું.

(4:33 pm IST)