Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

છ બાઇકની ચોરીનો ભેદ ઉકેલતી ક્રાઇમ બ્રાંચઃ નવાગામનો મહેન્દ્ર ઉર્ફ રાજુ વાઘેલા ઝડપાયો

મુળ ઘીયાવડનો શખ્સ જગ્યા રોકાણ શાખાનો કર્મચારી છે, પણ ત્રણેક વર્ષથી નોકરીએ નથી જતો :હેડકોન્સ. સિધ્ધરાજસિંહ ચુડાસમા, ડાયાભાઇ અને વિરદેવસિંહની બાતમી પરથી કે. કે. જાડેજા અને ટીમે પકડી લીધો

રાજકોટ તા. ૬: શહેરમાંથી અવાર-નવાર વાહનોની ઉઠાંતરી થઇ જાય છે. ત્યારે આજે ક્રાઇમ બ્રાંચે નવાગામના એક શખ્સને દબોચી લેતાં છ વાહનની ચોરીના ભેદ ખુલ્યા છે.

પોલીસે નવાગામ ૫૬ વારીયા કવાર્ટરમાં બ્લોક નં. ૧૨માં રહેતાં મહેન્દ્ર ઉર્ફ રાજુ તુલસીભાઇ વાઘેલા (ઉ.૩૨)ને લાલપરી પુલ પાસે નંબર વગરના હોન્ડા સાથે અટકાવ્યો હતો અને તેના કાગળો બાબતે પુછતાં ગલ્લા તલ્લા કર્યા હતાં. પોલીસે પોતાની ભાષામાં પુછતાછ આદરતાં જ તેણે આ બાઇક ચોરી કર્યાનું કબુલતાં તેને સકંજામાં લેવાયો હતો. આ ઉપરાંત તેણે બીજા પાંચ વાહનો પણ ચોરી કર્યાની કબુલાત આપતાં આ વાહનો જપ્ત કરાયા હતાં.

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી.એસ. ભટ્ટ, ઇન્ચાર્જ એસીપી ક્રાઇમ બી. બી. રાઠોડ, તથા ઇન્ચાર્જ પી.આઇ. આર. સી. કાનમીયાની રાહબરીમાં પીએસઆઇ કે. કે. જાડેજા, હેડકોન્સ. સિધ્ધરાજસિંહ ચુડાસમા, હેડકોન્સ. રાજેશભાઇ બાળા, કોન્સ. વિરદેવસિંહ જાડેજા, ડાયાભાઇ બાવળીયા, રઘુવીરસિંહ વાળા, સિધ્ધરાજસિંહ જાડેજા અને વિજયભાઇ ડાંગર સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. સિધ્ધરાજસિંહ ચુડાસમા, વિરદેવસિંહ અને ડાયાભાઇને મળેલી બાતમી પરથી આ શખ્સને દબોચી લેવાયો હતો.

તેણે સિવિલ હોસ્પિટલ, ઢેબર રોડ, ત્રિકોણબાગ પાસે, માર્કેટ યાર્ડ તથા આજી વસાહતમાંથી આ વાહનો ચોરી કર્યા હતાં. આ અંગે એ-ડિવીઝન, બી-ડિવીઝન, પ્ર.નગર, થોરાળામાં ગુના નોંધાયા હતાં. પકડાયેલો શખ્સ કોર્પોરેશનની જગ્યા રોકાણ શાખામાં નોકરી ધરાવે છે. પરંતુ ત્રણેક વર્ષથી નોકરી પર જતો જ નથી. મોજશોખ પુરા કરવા તે વાહનચોરીના રવાડે ચડ્યો હતો.  તસ્વીરમાં પકડાયેલો શખ્સ, પીએસઆઇ કે. કે. જાડેજા અને ટીમ તથા કબ્જે થયેલા વાહનો જોઇ શકાય છે. (૧૪.૧૨)

(4:26 pm IST)