Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

નમૂનાઓ ફેઇલ...

'ચા'માં કેમીકલ કલરની અને દૂધમાં વેજીટેબલ ફેટ-પાણીની ભેળસેળ ખૂલી

પરાબજારની દર્શન-ટી માં આરોગ્ય વિભાગે જપ્ત કરેલ ૧ર૦૦ કિલો 'ચા' ભૂકીનો નમૂનો ફેઇલઃ શિવમ ડેરી, રાધે ક્રિષ્ણ ડેરી, સાગર ડેરીનાં દૂધમાં વેજીટેબલ ફેટ-પાણીની ભેળસેળ ખૂલીઃ તમામ સામે ફોજદારી કાર્યવાહી થશે

રાજકોટ તા. ૬ :.. મ્યુ. કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગે લીધેલા 'ચા' ની ભૂકીનાં અને દૂધનાં નમૂનાઓ ફેઇલ થયાનો રીપોર્ટ જાહેર થયો છે.

આ અંગે નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડે જાહેર કર્યા મુજબ પરાબજારમાં આવેલ દર્શન 'ટી' 'ચા-ભૂકી'નો નમૂનો ફેઇલ થયો છે. અને શિવમ ડેરી, રાધે ક્રિષ્ણ ડેરી અને સાગર ડેરી ત્રણેય ડેરીનાં દૂધના નમૂના ફેઇલ થયા છે.

આ અંગે વિશેષ માહિતી આપતા ડો. પંકજ રાઠોડે જણાવ્યુ કે તા. ૧પ-૪-ર૦૧૮ ના રોજ મળેલ બનાવટી ચા ની ફરીયાદ અન્વયે પંકજ શશીકાંત શાહનાં સંચાલન તળેનાં પરાબજારમાં આવેલ દર્શન ટી માં સ્થળ તપાસની વિગતોએ હલકી ગુણવતાની  ચા માં કેમીકલ કલર, એશન્સ વગેરે ભેળવી જથ્થાબંધ રીતે સસ્તા ભાવે ચા વેચવામાં આવતી હતી. જે અન્વયે સ્થળ પર ચા ની પતીનો નમૂનો લેવામાં આવેલ હતો. તથા ૧ર૦૦ કિલોથી વધારે શંકાસ્પદ ભેળસેળ યુકત ચાનો જથ્થો સીઝ કરેલ હતી.

ચાના સેમ્પલના પૃથ્થકરણની વિગતો અન્વયે ચા માં પ્રતિબંધીત કલર મળી આવેલછે. અને નમૂનો નાપાસ જાહેર થયેલ છે. એફ.એસ. એસ. આઇ. અન્વયે વેપારી સામે ગુન્હો દાખલ કરી કોર્ટે કાર્યવાહી કરવામાં આવશે.

આ ઉપરાંત નીચે દર્શાવેલ સ્થળોએથી લીધેલ દૂધના નમૂના નાપાસ જાહેર થયેલ છે.

જેમાં (૧) શિવમ ડેરી ફાર્મ (સંચાલક મનસુખભાઇ શીંગાળા), ભવનાથ પાર્ક-ર, કોઠારીયા રોડનાં દૂધમાં કૃત્રીમ ફેટ વધારવા વેજીટેબલ ફેટની ભેળસેળ મળી આવેલ છે.(ર) રાધેક્રિષ્ણ ડેરી ફાર્મ (સંચાલક મગનભાઇ વેકરીયા), માયાણી ચોકનાં  દૂધમાં કૃત્રીમ ફેટ વધારવા વેજીટેબલ ફેટ (ઓઇલ) ની ભેળસેળ મળી આવેલ છે.

(૩) સાગર ડેરી ફાર્મ (સંચાલક રજનીભાઇ ત્રાડા) દોશી હોસ્પીટલ પાસે, ભેંસનાં દૂધમાં ફેટ તથા એસ. એન. એફ. ઓછા દૂધમાં પાણી નાખેલ અને મલાઇ કાઢી લીધેલ હોવાનું ખુલ્યુ હતું. ઉપરોકત તમામ આસામીઓ પર ફુડ સેફટી ઓફીસર દ્વારા એફ. એસ. એસ. આઇ. અન્વયે કાર્યવાહી કરવામાં આવશે. તેમ ડો. રાઠોડે જણાવ્યું હતું. (પ-ર૬)

(4:24 pm IST)