Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

કિરીટ જોષીની હત્યામાં અમદાવાદના બે લોહાણા બંધુઓઃ રાજકોટ જેલમાં કાવત્રુ ઘડાયેલ ?

જામનગરના જાણીતા એડવોકેટની હત્યાના આરોપીઓની કાર રાજકોટમાં બગડતા અહીંથી જ બે બાઈકો ખરીદાયાનો ઘટસ્ફોટઃ રાજકોટ પોલીસની 'તિસરી આંખે' અશકયને શકય કરી બતાવતા ગૃહમંત્રી-ડીજીપી વિગેરે દ્વારા અભિનંદન વર્ષા : ઓટોબ્રોકરને અપાયેલ મોબાઈલ નંબરની વિગતો પણ જામનગર-અમદાવાદ ક્રાઈમ બ્રાંચ એટીએસ સુધી પહોંચીઃ હત્યાની સોપારી બાબતે બે પ્રોફેશ્નલ કિલર ગેંગ વચ્ચે મતભેદ ?

રાજકોટ, તા. ૬ :. જામનગરના જાણીતા એડવોકેટ કિરીટભાઈ જોષીની ચકચારી હત્યાના મામલામાં દિવસેને દિવસે નવા વણાંકો આવી રહ્યા છે ત્યારે કેટલીક ચોંકાવનારી બાબતો ખુલ્યાનું અમદાવાદ-ગાંધીનગરના ટોચના પોલીસ સૂત્રોએ અકિલાને જણાવ્યુ છે. આ હત્યા પાછળ લોહાણા સમાજના અમદાવાદના બે સગા ભાઈઓ તથા તેમના એક મિત્રની મહત્વની ભૂમિકા હોવાનું સીસીટીવી ફુટેજ આધારે શોધી કાઢવામાં આવ્યાનું પણ બહાર આવ્યુ છે.

કુવિખ્યાત જયેશ પટેલ કે જેઓ હાલમાં વિદેશ છે તેઓએ જ આ હત્યા કરાવ્યાની ટોચના પોલીસ વર્તુળોને શંકા છે અને આ દિશામાં મહત્વની કડીઓ પણ પોલીસે શોધી કાઢયાનું ટોચના સૂત્રો જણાવે છે.

અકિલા સાથેની વાતચીતમાં ગાંધીનગર-અમદાવાદના ટોચના સૂત્રોએ નિખાલશતા પૂર્વક જણાવેલ કે, આમ તો તા. ૨૮ એપ્રિલના રોજ જામનગરના એડવોકેટ કિરીટ જોષીની જે ક્રૂર હત્યા થઈ તેનો ભેદ સમગ્ર ટીમ તરીકે જોવામા આવે છે. આમ છતા રાજકોટ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત તથા તેમની ટીમે  જે રીતે રાજકોટના સીસીટીવી ફુટેજનો ઉપયોગ કરી આરોપીઓ અને તેની કાર સુધી પહોંચવામાં જે જહેમત ઉઠાવી તે કાબીલેદાદ હોવાનું પણ જણાવ્યુ હતું.

ટોચના પોલીસ સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ કિરીટ જોષીની હત્યાની સોપારી બાબતે પણ રસપ્રદ બાબતો પ્રકાશમાં આવી છે. વિદેશથી સૌ પ્રથમ મહેસાણામાં અંધારીઆલમ સાથે સંકળાયેલાઓને સોપારી આપવામાં આવી હતી. આ બાબતે ઢીલ થતા અન્ય ધંધાદારી હત્યારાઓને સોપારી આપવામાં આવી હતી. દરમિયાન પ્રથમ જેમને સોપારી આપવામા આવેલી તેમને આ બાબતે જાણ થઈ જતા તેઓએ જેમને સોપારી આપી હતી તેમનો સંપર્ક કરી સીધા હત્યાને અંજામ આપવા જામનગર પહોંચી ગયા હતા. આ સોપારી બે કરોડમાં લેવામાં આવી હતી.

અત્રે યાદ રહે કે, ૨૦ સેકન્ડમાં બાઈકમાં આવેલા બે શખ્સોએ છરીના ૨૩ ઘા ઝીંકી ફરાર થઈ ગયેલા હતા તેવી બે બાઈક પણ રાજકોટમાંથી ખરીદવામાં આવી હતી. રાજકોટમાં પ્રોફેશ્નલ કિલરોની કાર ખરાબ થઈ જતા રાજકોટના પોતાના ચોક્કસ મિત્રો મારફત બાઈક ખરીદવા માટે પ્રયાસો કર્યા હતા અને જે મુજબ બે બાઈકો ખરીદવામાં આવેલ. બાઈક ખરીદતા સમયે જે મોબાઈલ નંબર અપાયેલ તેના આધારે રાજકોટ પોલીસ દ્વારા સમગ્ર વિગતો મેળવી અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને જામનગર એસપીને અપાતા તાત્કાલીક ધમધમાટ બોલાવી બે શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.

આ હત્યા સાથે સંકળાયેલા લોકો અગાઉ રાજકોટની જેલમાં રહી ચૂકયા છે અને રાજકોટ તથા અમદાવાદમાં પેરોલ પર ગયા બાદ તેઓ પરત ફર્યા ન હતા. જામનગરની હત્યાના આરોપીઓ અગાઉ બાપુનગર વિસ્તારના યુવકની હત્યામાં પણ સામેલ હોવાનું અમદાવાદના તથા જામનગરના પોલીસ સૂત્રો જણાવે છે.

અત્રે યાદ રહે કે, જામનગર તથા અમદાવાદની ક્રાઈમ બ્રાંચની ટેકનીકલ ટીમ ગયા સપ્તાહે રાજકોટ આવી રાજકોટ પોલીસની મદદથી સીસીટીવી ફુટેજ મેળવ્યા હતા. આ ફુટેજને આધારે જ ઓટોબ્રોકર સુધી અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને જામનગર પોલીસ હત્યારા સુધી પહોંચી હતી.

દરમિયાન ટોચના પોલીસ સૂત્રોના કથન મુજબ ઉકત તમામ પુરાવાઓની સાંકળ એકઠી કરી કુખ્યાત બન્ને શખ્સોને મદદ કરનાર તેમના મિત્રને પણ ઉઠાવી લઈ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતા આ ચોંકાવનારી બાબતો પ્રકાશમાં આવી છે.

(3:59 pm IST)