Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

પોલીસના નામે વાહનચાલકોને લૂંટતો ગઠીયો ઝડપાયોઃ ડઝનેક ગુના ખુલશે

૩૧મીએ વિઠ્ઠલવાવ ગૌશાળાના પ્રમુખ વશરામભાઇને લૂંટવાનો પ્રયાસ થયા બાદ આજીડેમ પોલીસે દોડધામ આદરી દબોચી લીધો : માંડા ડુંગર પાસે તિરૂમાલા પાર્કમાં રહેતાં ભરત અગ્રાવત (ઉ.૪૬)એ છ મહિનામાં હુડકો ચોકડીથી ત્રંબા સુધીમાં અનેક 'શિકાર' કર્યાઃ મોજશોખ પુરા કરવા કરતૂત આદર્યા હતાં!

લૂંટના પ્રયાસમાં ભરતે ઉપયોગ કરેલી કાર

રાજકોટ તા. ૧: આજીડેમથી આશરે બે કિ.મી. આગળ મહિકાના પાટીયા નજીક લક્કીરાજ ફાર્મ પાસે છ દિવસ પહેલા રાજકોટ થોરાળામાં રહેતાં અને વિઠ્ઠલવાવની ગૌશળાના પ્રમુખ તથા ટ્રસ્ટી વશરામભાઇ નરસીભાઇ લીંબાસીયા (ઉ.૫૫)ના બાઇકને કારમાં આવેલા શખ્સે આંતરી 'આમ વાહન હંકારાય, કો'ક મરી જાશે' તેમ કહી ગાળાગાળી કરી કાંઠલો પકડી હાલો પોલીસ સ્ટેશને લઇ જાવ...તેમ જણાવી પોતે પોલીસ હોવાનો રોફ જમાવી એક કારચાલકે બે મોબાઇલ ફોન લૂંટી લેવા પ્રયાસ કર્યો હતો. આ મામલે અરજી પરથી આજીડેમ પોલીસને તપાસ કરી પોલીસના નામે તોડ કરતાં  માંડા ડુગર નજીક તિરૂમાલા પાર્કમાં રહેતાં બાવાજી શખ્સને દબોચી લીધો છે. આ શખ્સે છ મહિનામાં ડઝનેક નાની-નાની લૂંટ કરી હોવાની પ્રાથમિક વિગતો બહાર આવતાં વિશેષ પુછતાછ થઇ રહી છે.

વશરામભાઇ લીંબાસીયા૩૧મીએ સાંજે સવા છએક વાગ્યે ત્રંબા નજીક વિઠ્ઠલવાવમાં આવેલી ગૌશાળાએથી તેમનું બાઇક હંકારી રાજકોટ આવી રહ્યા હતાં ત્યારે લક્કીરાજ ફાર્મ હાઉસ સામે જીજે૧૨જે-૪૬૩૨ નંબરની સિલ્વર રંગની કારના ચાલકે અટકાવી પોતે પીએસઆઇ છે, આમ વાહન હંકારાય...કો'ક મરી જાશે...તેમ કહી ગાળો દઇ બે મોબાઇલ ફોન પડાવી લીધા હતાં. વશરામભાઇએ આજીજી કરતાં અને ત્યાં બીજા લોકો નીકળતાં એ શખ્સ ફોન પાછા આપી ભાગી ગયો હતો.

આ મામલે તેમણે અરજી કરતાં આજીડેમના પી.આઇ. પી.એન. વાઘેલાની રાહબરી હેઠળ એએસઆઇ ચેતનભાઇ ચાવડા, કનકસિંહ ઝાલા, મહિપાલસિંહ, શૈલેષભાઇ, જયદિપસિંહ સહિતના સ્ટાફે તપાસ શરૂ કરી ગઠીયાને શોધી કાઢ્યો છે. આ શખ્સ માંડા ડુંગર પાસે તિરૂમાલા પાકમાં રહેતો ભરત ગીરધરભાઇ અગ્રાવત (ઉ.૪૬) નામનો બાવાજી શખ્સ હોવાનું ખુલતાં તેને સકંજામાં લઇ કાર કબ્જે કરવા તજવીજ કરી છે.

ભરત ઇકો કારના ફેરા કરે છે અને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી છે. મોજશોખ માટે વધુ પૈસાની જરૂર પડતી હોઇ કાર લઇને હુડકો ચોકડીથી ત્રંબા સુધીના રોડ પર સાંજના સમયે નીકળી જતો હતો અને કોઇપણ ટુવ્હીલરચાલકને અટકાવી પોતે પીએસઆઇ છે તેમ કહી લાયસન્સ ચેક કરવાના બહાને ધમકાવી તેમજ અકસ્માત થાય એવી રીતે કેમ હંકારો છો? તેવું બોલી ડરાવીને ૧૦૦૦-૧૫૦૦ કે જે રોકડ મળે તે પડાવીને ભાગી જતો હતો.

થોડા દિવસો પહેલા ડેરોઇના અશોકભાઇ પટેલને મહિકાના પાટીયા પાસે ઉભા રખાવી 'એય ૧૨૦૭ આ બાજુ આવ...' તેમ કહેતાં અશોકભાઇ પોતાના બાઇકના નંબર બોલાયા હોઇ રોકનાર શખ્સ પોલીસ હોવાનું સમજી ઉભા રહ્યા હતાં. પોતે રાજકોટ ટાયર લેવા આવ્યા હોઇ બાઇક પાછળ ટાયર બાંધેલા હતાં. પહેલા તો એ શખ્સે લાયસન્સ માંગ્યું હતું અને બાદમાં કઇ રીતે હંકારે છે, હમણા હું રિક્ષામાં ભટકાઇ જાત તેમ કહી ડરાવી ધમકાવી રિવોલ્વર અમે અમથી નથી રાખતાં તેમ જણાવી રૂ. ૩૫૦૦ પડાવી લીધા હતાં.

ત્રણેક માસ પહેલા ડેરોઇના લાલજીભાઇ પટેલને આજીડેમ ઓવર બ્રીજ પર અટકાવી પોતે પીએસઆઇ ઝાલા છે તેમ કહી લાયસન્સ ચેક કરી રૂ. ૧૦૦૦ પડાવી લીધા હતાં. લાલજીભાઇને 'એય ૮૭૦૯ આ બાજુ આવ...' તેમ કહીને રોકયા હતાં. ૮૭૦૯ તેમના બાઇકના નંબર છે. આ ઉપરાંત થોરાળાના એક પટેલને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. આ રીતે છએક મહિનામાં ડઝનેક નાની-મોટી લૂંટ કર્યાનું બહાર આવી રહ્યું છે. ભરત અગ્રાવતની ઓળખ પરેડ બાદ પોલીસ વિશેષ તપાસ કરશે.

ભોગ બનેલાઓએ પોલીસનો સંપર્ક કરવો

હુડકો ચોકડીથી ત્રંબા સુધીમાં પોલીસના નામે કોઇ સાથે લૂંટ કે બળજબરીથી પૈસા પડાવવાનો બનાવ બન્યો હોય તો આજીડેમ પોલીસને સંપર્ક કરવા જણાવાયું છે.

અકિલાએ તા. ૧-૬-૧૮ના રોજ સૌ પ્રથમ આ સમાચાર પ્રસિધ્ધ કર્યા હતાં...પોલીસે તાબડતોબ તપાસ શરૂ કરી હતી અને અંતે ગઠીયાને ઝડપી લીધો છે. તેની ઓળખ પરેડ કરાવવા તજવીજ થઇ રહી છે

(12:55 pm IST)