Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

સિવિલ હોસ્પિટલની ઓપીડીમાંથી સિકયુરીટીએ વધુ એક મોબાઇલ ચોર પકડી પોલીસને સોંપ્યો

નિવૃત શિક્ષક અશ્વિનભાઇ નગવાડીયા પત્નિની દેવા લેવા આવ્યા હોઇ ૧૦ નંબરની ઓપીડીમાં લાઇનમાં ઉભા'તા ત્યારે પ્રકાશ દેવીપૂજકે ફોન કાઢી બીજી બે મહિલા તરફ ફેંકયોઃ તે સાથે જ પકડી લેવાયોઃ બે મહિલા ભાગી ગઇ

રાજકોટ તા. ૬: સિવિલ હોસ્પિટલમાં અઠવાડીયામાં ત્રીજો મોબાઇલ ચોર પકડાયો છે. ગઇકાલે ઓપીડી નં. ૧૦ પાસે એક મહિલાનું પર્સ તફડાવતી તસ્કરણીને પકડી લેવાઇ હતી. ત્યાં આજે ફરીથી દસ નંબરની ઓપીડીમાં જ પોતાના વારા માટે લાઇનમાં ઉભેલા નિવૃત શિક્ષક અશ્વિનભાઇ ગોરધનદાસ નગવાડીયાના ખિસ્સામાંથી મોબાઇલ ફોન સેરવાઇ ગયો હતો. તેમની પાછળ ઉભેલા શખ્સે ફોન કાઢીને પોતાની સાથેની બે મહિલા કે જે દૂર ઉભી હતી તેના તરફ સરકાવતાં જ ફરજમાં રહેલા મહિલા સિકયુરીટી ગાર્ડ આ શખ્સને જોઇ જતાં દબોચી લીધો હતો. તે પકડાઇ જતાં સાથેની મહિલાઓ છનનન થઇ ગઇ હતી. પકડાયેલા શખ્સે પોતાનું નામ પ્રકાશ મનસુખભાઇ સોલંકી (દેવીપૂજક) (રહે. કોઠારીયા સોલવન્ટ પાસે) જણાવ્યું હતું. આ શખ્સને પોલીસને સોંપવામાં આવ્યો હતો. તસ્વીરમાં નિવૃત શિક્ષક, પકડાયેલો પ્રકાશ અને પોલીસ સ્ટાફ જોઇ શકાય છે.

(12:51 pm IST)