Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

સિવિલમાં ભુલી પડેલી ૩ વર્ષની એકતાનું એકાદ કલાકની જહેમત બાદ પરિવાર સાથે મિલન કરાવાયું

રાજકોટ તા. ૬: સિવિલ હોસ્પિટલમાં સવારે ત્રણેક વર્ષની બાળકી ઓપીડીમાં રડતી મળી આવતાં સિકયુરીટી ગાર્ડ ઉષાબા જાડેજાએ ત્યાં કતારમાં ઉભેલી મહિલાઓને બાળકી બતાવી જોઇ હતી પરંતુ કોઇ આ બાળકીના વાલીવારસ નહોતાં. બાળકી રડતી હોઇ તેને નાસ્તો કરાવ્યો હતો. બાદમાં સિકયુરીટી ઇન્ચાર્જ એ. ડી. જાડેજાની  રાહબરીમાં ઉષાબા સહિતના સિકયુરીટી મહિલાઓએ જુદા-જુદા વોર્ડમાં ફરીને બાળકીના વાલીવારસને શોધવા મથામણ કરી હતી. એકાદ કલાક બાદ ગોકુલધામ આંબેડકરનાર કિરણબેન દવેરા આવ્યા હતાં અને આ બાળકી પોતાની ભાણેજ એકતા હિતેષભાઇ ચંદ્રપાલ (ઉ.૩) હોવાનું કહ્યું હતું. પોતે ઉપર જવા લિફટમાં બેઠા ત્યારે ગિરદીમાં ભાણેજ એકતા બહાર રહી જતાં પોતાનાથી અલગ પડી ગયાનું કિરણબેને કહ્યું હતું. તે ફટાફટ નીચે આવ્યા હતાં. પણ ત્યારે બાળકી જોવા મળી નહોતી. અંતે હેમખેમ મળી જતાં તેણે રાહતનો દમ લીધો હતો.

(12:49 pm IST)