Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં આજથી ગામડાઓમાં ટપાલનું વિતરણ કરવા ઇન્સપેકટરોને દોડાવતું તંત્ર

હડતાલ ૧૬માં દિવસમાં પરિણમીઃ આજે મોરબીમાં દેખાવોઃ લોકોનો હવે તાલુકા મથકે ટપાલ પાર્સલમાટે ઘસારો

રાજકોટ તા.૬: રાજકોટ સહિત દેશભરમાં જીઆઇડી પોસ્ટલ કર્મચારીઓની હડતાલ ચાલી રહી છે, આજે હડતાલનો ૧૬મો દિવસ છે, પણ કોઇ નિવેડો નથી આવ્યો.દરમિયાન ગામડાઓમાં ટપાલમાં ટપાલ વિતરણ ઠપ્પ થઇ જતા અને લોકોમાં  દેકારો બોલી જતા તથા લોકોનો ટપાલ-પાર્સલ માટે તાલુકા મથકોએ ઘસારો વધી જતા સર્કલ કચેરી દ્વારા દરેક જીલ્લાના હેડ પોસ્ટ માસ્તરને ટપાલવિતરણ માટે કાર્યવાહી શરૂ કરવા આદેશો ગઇકાલે સાંજે કરાયા છે.

આ સંદર્ભે રાજકોટ સહિત સોૈરાષ્ટ્રભરના ગામડાઓમાં ટપાલ વિતરણ કરવા ઇન્સપેકટરો દોડાવાયા છે, આ ઇન્સપેકટરો પોતાના સ્ટાફ મારફત જે ગ્રામ્ય પોસ્ટ ઓફીસમાં ૧૦૦ થી વધુ ટપાલ-પાર્સલનો ભરાવો થયો છે, ત્યાંથી દરેક ગામની ટપાલ લઇ વિતરણ માટે દોડી ગયા છે.

દરમિયાન આજે રાજકોટ જીલ્લામાં મોરબી ખાતે ધરણા- દેખાવો યોજવામાં આવ્યા છે, બીજી બાજુ મધ્યમવર્ગના સેંકડો લોકોના નાણા હાલ ફસાઇ ગયા હોય તે અંગે પણ આજથી કાર્યવાહી શરૂ કરાયાનું સાધનોએ ઉમેર્યુ હતું.

(11:51 am IST)