Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

શાપરમાં લુહાર નવોઢા જ્યોતિ રાઠોડે જાત જલાવી જિંદગી ટૂંકાવીઃ પતિ સતત ઝઘડા કરતો હોવાનો પિતાનો આક્ષેપ

સાંજે છ વાગ્યે જે દિકરીએ ફોનમાં વાત કરી, તેની સાત વાગ્યે ભડથું થયેલી લાશ મળીઃ ૧૦ મહિના પહેલા જ લગ્ન થયા'તાઃ રાજકોટ રહેતાં પિતા દિલીપભાઇ સોલંકીએ કહ્યું-લગ્નના બે મહિના બાદ જ ઝઘડા શરૂ થઇ ગયા હતાં: ગઇકાલે પડોશીએ ફોન કરી તમારી દિકરીની હાલત ગંભીર છે તેવી જાણ કરતાં અમે શાપર પહોંચ્યા તો લાશ જ મળી

રાજકોટ તા. ૬: શાપર વેરાવળમાં ગાયત્રીનગરમાં રહેતી અને આઠ મહિના પહેલા જ પરણેલી લુહાર નવોઢાનું દાઝી જતાં મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ છે. મૃતકના રાજકોટ સ્થિત પિતાએ આક્ષેપ કર્યો છે કે લગ્નના બે જ મહિના બાદ પતિએ ઝઘડા શરૂ કરી દીધા હતાં. ગઇકાલે સાંજે દિકરીએ મારી સાથે વાતચીત કરી હતી અને તેના એકાદ કલાક પછી તેના મોતના વાવડ મળ્યા હતાં. તેણે ત્રાસથી કંટાળી જાતે જાત જલાવી કે અન્ય કંઇ બન્યું? તે અંગે તપાસ કરવા અમે પોલીસ સમક્ષ માંગણી કરી છે.

બનાવની જાણવા મળ્યા મુજબ શાપર ગાયત્રીનગરમાં રહેતી જ્યોતિ હિતેષ રાઠોડ (ઉ.૨૪) સાંજે સળગતી હાલતમાં ઘરમાંથી બહાર આવતાં દુધવાળો જોઇ જતાં દેકારો મચાવ્યો હતો. લોકોએ ભેગા થઇ આગ બુઝાવી હતી અને પોલીસ તથા ૧૦૮ને જાણ કરી હતી. જો કે તેણીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હોઇ શાપર પોલીસે એ.ડી. નોંધી કાર્યવાહી કરી હતી.

બનાવની જાણ થતાં રાજકોટ મોરબી રોડ સંગીતા પાર્કમાં રહેતાં જ્યોતિના પિતા દિલીપભાઇ મોહનભાઇ સોલંકી, માતા પ્રવિણાબેન, કાકા, ભાઇ સહિતના પરિવારજનો શાપર દોડી ગયા હતાં. મૃત્યુ પામનાર જ્યોતિના લગ્ન દસ મહિના પહેલા જ મુળ કોટડા સાંગાણીના અને સેન્ટીંગ કામ કરતાં હિતેષ ચંદ્રકાંતભાઇ રાઠોડ સાથે થયા હતાં. તેણી બે બહેન અને એક ભાઇમાં બીજી હતી. મોટી બહેનનું નામ આરતીબેન અને નાના ભાઇનું નામ ચિરાગ છે. પિતા દિલીપભાઇ લુહારી કામ કરે છે.

દિલીપભાઇએ જણાવ્યું હતું કે દિકરીના લગ્ન થયા તેના બે મહિના બાદ જ તેની સાથે પતિ હિતેષે નાની-નાની વાતે ઝઘડા શરૂ કરી દીધા હતાં. અવાર-નવાર બંને વચ્ચે માથાકુટ થતી હતી અને અમે જઇએ એટલે સમાધાન થઇ જતું હતું. અમારી દિકરીનો મગજ પણ થોડો ગુસ્સાવાળો હતો. મંગળવારે સાંજે છએક વાગ્યે જ તેણે મને ફોન કરી વાતચીત કરી હતી. એ પછી સાત વાગ્યે તેના પડોશીએ મને ફોન કરીને 'તમારી દિકરી ગંભીર છે, જલ્દી આવો' તેમ કહેતાં અમે શાપર પહોંચતા ત્યાં પોલીસ હાજર હતી અને અમારી દિકરીની ભડથું થઇ ગયેલી લાશ જોવા મળી હતી. તે જાતે સળગી ગયાનું અમને જણાવાયું હતું. અમે મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમની માંગણી કરી છે.

લગ્નના દસ જ મહિનામાં જાત જલાવવા માટે જ્યોતિ શા માટે મજબૂર થઇ? તે અંગે પીએસઆઇ રાણા સહિતના સ્ટાફે વિશેષ તપાસ હાથ ધરી છે.

(11:50 am IST)