Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

રાજકોટના હરિભકત નંદલાલ ખીરૈયા ગંગામાં તણાઇ ગયા

જાણીતા વેપારી વિમલ સિલેકશનવાળા નંદલાલભાઇ હરિદ્વાર યાત્રાએથી સીધા અનંત યાત્રાએ : ઘેરા શોકની લાગણી : રાજકોટથી ધર્મપત્ની સુધાબેન સાથે તા. રપમીએ હરિદ્વાર ગયેલ : બનાવ ૩૧ મી એ બન્યો : મૃતદેહ ૩ દિવસ પછી મળ્યો : કાલે પ્રાર્થના સભા

રાજકોટ તા. ૬ :.. શહેરના જાણીતા રઘુવંશી વેપારી અને સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભકત વિમલ સિલેકશન, ધર્મેન્દ્ર રોડ વાળા, શ્રી નંદલાલભાઇ મકનદાસભાઇ ખીરૈયા (ઉ.વ.૭ર) હરિદ્વાર યાત્રા વખતે ગંગામાં સ્નાન કરવા ગયેલ. તે વખતે પગ લપસતા પાણીમાં તણાઇ જવાથી તેમનું અવસાન થતાં ઘેરા શોકની લાગણી છવાઇ ગઇ છે.

પરિવારજનોના જણાવ્યા મુજબ નંદલાલભાઇ ગઇ તા. રપ મે એ ધર્મપત્ની સુધાબેન સાથે પરસોતમાસ નિમિતે હરિદ્વાર યાત્રાએ ગયેલ. ત્યાં હરકીપેઢી નજીક સ્વામિનારાયણ મંદિરમાં તેમનો ઉતારો

હતો. ગંગાઘાટ નજીક હોવાથી નિત્યક્રમ મુજબ દિવસમાં ત્રણ વખત સ્નાન કરવા જતા હતાં. તા. ૩૧ મીએ સવારે સ્નાન કરવા ગયા તે વખતે કોઇ કારણસર પગ લપસતા તેઓ પાણીમાં સરી પડેલ ઉપરવાસના વરસાદના કારણે ગંગાનો પ્રવાહ પ્રચંડ હોવાથી પળવારમાં દૂર સુધી ખેંચાઇ ગયેલ. સ્થળ પર હાજર લોકો બચાવનો કોઇ પ્રયાસ કરે તે પૂર્વ તો તેઓ પાણીમાં દેખાતા બંધ થઇ ગયા હતાં.

ઘટનાની જાણ થતાં તેમના પરિવારજનો તાબડતોબ હરિદ્વાર પહોંચેલ ત્યાં પોલીસની મદદથી શોધખોળ શરૂ કરેલ. ૩ દિવસ બાદ તેમનો પાર્થિવદેહ ઘટના સ્થળેથી પંદરેક કિ.મી. દૂર એક ઝાળી પાસેથી મળી આવ્યો હતો. પરિવારજનોએ કાયદાકીય પ્રક્રિયા પૂરી કર્યા બાદ ગંગાધાટે જ તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા.

નિમલભાઇ, રોમેશભાઇ અને વિમલભાઇના (મો. ૯૭રરર ર૦૦પપ) ના પિતાજી સ્વ. શ્રી નંદલાલભાઇ ખૂબ જ સેવભાવી, લાગણીશલ અને ભકિતવાન હતા. સ્વામિનારાયણ સંતોના તેઓ કૃપાપાત્ર હતા. યુવાન વયે જનસંઘના રંગે રંગાયેલા હતા. તેમની અણધારી ચિરવિદાયથી ઘેરાશોકની લાગણી છવાઇ ગઇ છે. સદ્ગતની પ્રાર્થના સભા આવતીકાલે તા. ૭ ગુરૂવારે સાંજે ૪ થી ૬ પોડીયમ હોલ, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવાડ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

(3:40 pm IST)