Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

મહિકામાં આશ્રમમાંથી કાળુબાપુ ચિંકારાના શિંગડા અને ખરી સાથે ઝડપાતાં જેલહવાલે

અલખધણી આશ્રમ ચલાવતાં જયસિંગ ઉર્ફ કાળુબાપુને એક વર્ષ પહેલા એક શખ્સ ૪ હજારમાં શિંગડા-ખરી વેંચી ગયાનું રટણઃ વન વિભાગની ટીમની કાર્યવાહી : બાળકોને નજર ન લાગે એ માટે ધોરા ધાગા કરવા શિંગડા-ખરીનો ઉપયોગ કરતો હોવાની કબુલાત

રાજકોટ તા. ૬: ભાવનગર હાઇવે પર આવેલા ભીચરી નજીક મહિકામાં અલખધણી આશ્રમ ચલાવતાં જયસિંગ કાળુસિંગ રાજપૂત ઉર્ફ કાળુબાપુ પોતાના આશ્રમની ઝૂપડીમાં ચિંકારા હરણના શિંગડા અને પગની ચાર ખરી રાખતાં હોવાની માહિતી રાજકોટ વન વિભાગને મળતાં ટીમે દરોડો પાડી તપાસ કરતાં આ ગેરકાયદેસર ચીજવસ્તુઓ મળતાં વન્ય પ્રાણી સંરક્ષણ ધારા ૧૯૭૨ની કલમો હેઠળ કાર્યવાહી કરી ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવતાં જેલહવાલે કરવા હુકમ થયો છે.

નાયબ વન સંરક્ષણ અધિકારી શ્રી એમ. એમ. મુનીની રાહબરી હેઠળ આરએફઓ યુ. વી. તનવાણી, ફોરેસ્ટર એમ. એસ. રાજાણી, શ્રી મોકરીયા, ગાર્ડ તુષારભાઇ રાવલ, વિજયસિંહ જાડેજા સહિતની ટીમ કાર્યવાહીમાં હતી ત્યારે માહિતી મળી હતી કે મહિકામાં અલખધણી આશ્રમ ચલાવતાં કાળુબાપુ પાસે ચિંકારા હરણના શિંગડા સહિતની વસ્તુઓ છે. આ માહિતી પરથી ત્યાં જઇ તપાસ કરતાં ઝૂપડીમાંથી હરણના શિંગડા તથા પગની ચાર ખરી મળી આવતાં તેની સામે ગુનો નોંધી ધરપકડ કરાઇ હતી. તેણે પુછ પરછમાં અવું કહ્યું હતું કે એકાદ વર્ષ પહેલા કોઇ આદિવાસી જેવો શખ્સ ચાર હજારમાં આ શિંગડા-ખરી પોતાને વેંચી ગયો હતો. બાળકોને નજર ન લાગે તે માટેના દોરા-ધાગામાં આનો ઉપયોગ પોતે કરતો હોવાનું પણ રટણ કર્યુ હતું.

વન વિભાગ દ્વારા કાળુબાપુને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં તેને જેલહવાલે કરવા હુકમ થયાનું આરએફઓ શ્રી તનવાણીએ જણાવ્યું હતું. તસ્વીરમાં કાળુબાપુ તેના આશ્રમમાં અને કબ્જે થયેલા શિંગડા તથા પગની ખરી જોઇ શકાય છે.

(11:32 am IST)