Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

રામભાઇ મોકરીયા દ્વારા રોલેકસ એસએનકે કોવીડ સેન્ટરને એકવીસ લાખનું અનુદાન અર્પણ

રાજકોટ તા. ૬: સમગ્ર વિશ્વ આજે કોરોના મહામારી અસંખ્ય લોકોને મોતનાં મુખમાં ધકેલી દીધા છે અને હાલમાં પણ સમગ્ર વિશ્વ કોરોના મહામારીમાંથી પસાર થઇ રહ્યું છે. આવા સમયે રાજકોટનાં દર્દીઓને વ્હારે આવેલ રોલેકસ-એસએનકે કોવિડ સેન્ટર દ્વારા નિઃશુલ્ક સારવાર કરવામાં આવી રહી છે. સારવાર ઉપરાંત તમામ સુવિધાઓ પણ નિઃશુલ્ક આપી માનવતાની મહેક પ્રસરાવી છે.

આ સમયે રાજયસભાનાં સાંસદ અને મારૂતિ કુરિયર સર્વિસીઝ પ્રા. લી.નાં ચેરમેનશ્રી રામભાઇ મોકરીયા (મો. ૯૯રપ૧ ૧૮૯૯૯) પણ કોરોના મહામારીમાં અનેક સેવાકીય પ્રવૃતિઓમાં અગ્રેસર રહ્યાં છે, રોલેકસ-એસએનકે કોવિડ સેન્ટરની આ સેવાકીય પ્રવૃતિને વધુ વેગવંતી બને અને વધુને વધુ દર્દીઓને સારવાર મળી રહે તેવા શુભ આશયથી રોલેકસ-એસએનકે કોવિડ સેન્ટરને એકવીસ લાખ જેવી માતબર રકમનું અનુદાન અર્પણ કરવામાં આવેલ છે.

શ્રી રામભાઇ મોકરીયા સેવાનો પર્યાય છે. આર્થિક કમાણીની સાથે એમણે સામાજિક અને રાષ્ટ્રીય જવાબદારીઓ નિભાવવામાં પણ પાછીપાની કરી નથી. કોરોના કાળ દરમિયાન પ્રધાનમંત્રી રાહત ફંડમાં મારૂતી કુરીઅર તરફથી રૂ. ૧ કરોડ ૮ લાખ અર્પણ કરાયા હતા. જયારે મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ. ૧૦ લાખ ૮૦ હજારનું દાન એમણે આપ્યું છે. હાલમાં પણ શ્રી મારૂતિ કુરીયર દ્વારા દર્દીઓની દવા દેશનાં કોઇપણ શહેરમાં નિઃશુલ્ક પહોંચાડી સેવાનું કાર્ય કરી રહી છે.

(3:46 pm IST)