Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

ઉદય કાનગડનો વધુ એક સેવા યજ્ઞઃ કોરોના દર્દીઓના સગાઓ માટે નિઃશુલ્ક ભોજનાલય શરૂ કરાવ્યું

મિત્ર દીલીપભાઇ આડેસરાના સહયોગથી જયુબેલી ગાર્ડન સામે ઇવનીંગ પોસ્ટમાં સ્વચ્છ-સુવિધા યુકત ભોજનાલય ઉભુ કરાયું: દરરોજ સવારે ૮ થી સાંજે ૮ સુધ ચા-ગાંઠિયાનો નાસ્તો અને બપોરે ભરપેટ ભોજનઃ કોરોના ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન

ભોજન સેવાઃ પૂર્વ મેયર અને પ્રદેશ ભા.જ.પ. બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદયભાઇ કાનગડે આજથી કોરોના દર્દીઓના સગાઓ માટે નિઃશુલ્ક ભોજનાલયનો પ્રારંભ કર્યો તે વખતની તસ્વીરમાં રસોડામાં ભોજન તૈયાર કરાવી રહેલા ઉદય કાનગડ દર્શાય છે. બાજુની તસ્વીરમાં ભોજન માટે આવનારા લોકો માટે સોશ્યલ ડીસ્ટન્સ રાખી ગાર્ડન-રેસ્ટોરન્ટ જેવી સુવિધા વાળા ટેબલ-ખુરશીની સુંદર વ્યવસ્થા દર્શાય છે. તેમજ આ તકે સાંસદ મોહનભાઇ કુંડારીયા ત્થા મ્યુ.ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી ત્થા વોર્ડ નં.૧૪ના કોર્પોરેટર નિલેષ જલુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તે નજરે પડે છે.(તસ્વીર-સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૬ : કોરોના કાળમાં જરૂરિયાતમંદોને બને તેટલી વધુ મદદ કરવાનો પ્રેરક નિર્ણય લેનાર પૂર્વ મેયર અને પ્રદેશ ભા.જ.પ. બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડે અગાઉ પંચનાથ હોસ્પીટલમાં ર૯ લાખના ઓકસીજન પ્લાન્ટ નંખાવી આપેલ ત્યારબાદ તાજેતરમાં જરૂરીયાતમંદોને વિનામુલ્યે આર.ટી.પી.સી.આર.કોરોના ટેસ્ટ માટે ૭ લાખનું દાન આપેલ ત્યારબાદ આજથી કોરોના દર્દીઓના સગા-વ્હાલા માટે નિઃશુલ્ક ચા-નાસ્તા અને ભોજનનો કેમ્પ શરૂ કર્યો છે.

આ અંગે શ્રી કાનગડે જણાવેલ હતું કે વર્તમાન કોરોના સંક્રમણની સ્થીતીમાં અને હાલમાં લોકડાઉન ત્થા કર્ફયુ છે. ત્યારે સિવિલ હોસ્પીટલમાંકોવિડ સેન્ટરમાં દાખલ થયેલ દર્દીઓના સગાઓને ચા-પાણી-નાસ્તો અને ભોજન માટે ભારે મુશ્કેલી સર્જાતી હોવાનું ધ્યાને આવતા મિત્ર દિલીપભાઇ આડેસરાના સહયોગથી, સીવીલ હોસ્પીટલની સામેજ જયુબેલી બાગ પાસે રાજકોટ ડીસ્ટ્રીકટ બેંકની બાજુમાં આવેલ ઇવનીંગ પોસ્ટના ગાર્ડનમાં સ્વચ્છ અને ખુરસી-ટેબલની સુવિધાવાળુ ભોજનાલય ઉભું કરાયું છે.

આ ભોજનાલયમાં સવારે ૮ થી સાંજે ૬ સુધી સતત ચા-પાણી અને ગાંઠિયાનો નાસ્તો આપવામાં આવી રહ્યો છે. તેમજ બપોરે દાળ, ભાત, શાક, ગુંદી-ગાંઠિયાનું ભરપેટ ભોજન પીરસાઇ રહ્યું છે. દરેકને પાણીની બોટલ આપવામાં આવી રહી છે.

શ્રી કાનગડે જણાવેલ કે અહીં કોઇપણ જાતના ભેદભાવ વગર દરેકને નાસ્તો અને બપોરે ભોજનની વ્યવસ્થા છે. ટેબલ-ખુરશીઓ પણ નિયમ મુજબ સોશ્યલ ડીસ્ટન્સ ગોઠવવામાં આવ્યા છે. તેમજ આવનાર દરેકનું થર્મલ ગનથી સ્કેનીંગ અને સેનીટાઇઝેશન કરવામાં આવનાર છે. તેમજ સ્થળ પર ગંદકી ન થાયતે માટે કચરા પેટીઓ -ટીપરવાનની વ્યવસ્થા રખાઇ છે.

આમ હોસ્પીટલમાં દાખલ દર્દીના કોઇપણ સગા-વ્હાલાઓને સવારે ૮ થી રાત્રે ૮ સુધી આ નિઃશુલ્ક ભોજન સેવાનો લાભ લેવા ઉદયભાઇ કાનગડે વિનંતી કરી અપીલ કરી છે. કાનગડના આ ભોજન સેવા યજ્ઞને બિરદાવવા સાંસદ મોહનભાઇ કુંડારીયા મ્યુ.ફાઇનાન્શ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ આજે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ સેવા યજ્ઞને સફળ બનાવવા માટે શહેર ભા.જ.પ. પ્રમુખ કમલેશ મીરાણી, દીલીપભાઇ આડેસરા, (શ્રી માળી સોની સમાજના શારાંશ પરીવાર), જતીનભાઇ આડેસરા (સોની અગ્રણી), નીલેશભાઇ જલુ (વોર્ડ નં.૧૪ ના કોર્પોરેટર શ્રી), દુર્ગેશભાઇ આડેસરા (સોની અગ્રણી), વિનુભાઇ વઢવાણા(શ્રીમાળી સોની સારાંશ પરીવાર), અશોકભાઇ પાટડીયા, વિરેનભાઇ પારેખ, મીલનભાઇ પાટડીયા(શ્રીગ્રુપ પ્રમુખશ્રી), અશ્વીનભાઇ રાણપરા, હરેશભાઇ પારેખ વગેરે સતત સહયોગી થઇ રહ્યા છે.

(3:46 pm IST)