Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

મ.ન.પા.ના અધિકારીઓ-કર્મચારીઓને તબીબી સારવારનો ખર્ચ ૩ લાખ સુધી આપો

હાલ રૂ. ૧ લાખ સુધી સહાય અપાઇ છેઃ પછાત વર્ગ મ્યુનિ. કર્મચારી મંડળ દ્વારા રજુઆત

રાજકોટ તા. ૬: મહાનગરપાલિકાના અધિકારી/કર્મચારીઓને તબીબી સારવાર માટે તબીબી સહાયની રકમ રૂ. ૩ લાખની મર્યાદામાં ચુકવવાની નીતિ નકકી કરવા સહિતના પછાત વર્ગ મ્યુનિ. કર્મચારી મંડળ દ્વારા મ્યુ. કમિશ્નરને રજુઆત કરવામાં આવી છે.

આ અંગે મંડળે પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે, મહાનગર પાલિકામાં ફરજ બજાવતા વર્ગ-૧ અને વર્ગ-૪ માં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓને બિમારી, સબબ લીધેલ સારવાર માટે ગુજરાત સરકારશ્રીના તબીબી સારવારના નિયમો-૧૯૮૮ અને ગુજરાત સરકારશ્રીના તબીબી સારવારના નિયમો-ર૦૦પ અન્વયે હાલ તબીબી સહાય ચુકવવામાં આવે છે તેમજ રૂ. ૧ લાખ સુધીની શહેરમાં ઉભી થયેલી અદ્યતન તબીબી સુવિધાઓનો ત્વરીત કર્મચારીઓના પરિવારજનોને બિમારી સમયે લાભ મળી રહે એ હેતુથી ર૦ મલ્ટી સ્પેશીયાલીસ્ટ હોસ્પીટલોને માન્યતા આપવામાં આવેલ છે.

હાલ સામાન્ય સર્જરીઓ માટે રૂ. ૧ લાખથી ર લાખ સુધીનો ખર્ચ થાય છે. કીડની, લીવર, હૃદય, કેન્સર, આંતરનાં રોગો, ફેફસાના રોગોની સારવારનો ખર્ચ ઓછામાં ઓછો બે લાખથી પ લાખ સુધીનો ખર્ચ થઇ જાય છે. મલ્ટી સ્પેશીયાલીસ્ટની સારવારનો ખર્ચ ખર્ચાળ હોય. રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી/કર્મચારીઓને પોતે અને પરિવારજનો માટે ચુકવવો અસહ્ય છે.

મોંઘવારીના દરને ધ્યાને લઇ મહતમ સહાયની રકમ રૂ. ૩ લાખ નિયત કરવામાં માંગ કરવામાં આવી છે તેમ પછાત વર્ગ મ્યુનિ. કર્મચારી મંડળના પ્રમુખ અશોક રાઠોડે જણાવ્યું હતું.

(3:10 pm IST)