Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

શાપર- મેટોડાના ઓકિસજન પ્લાન્ટને વીજળીનો ૨૪ કલાક પુરવઠો મળી રહે તે માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ

ઓકિસજન નિર્માણ માટે પી.જી.વી.સી.એલ.ની ઓકિસજનરૂપી ''પાવર ફૂલ'' ભૂમિકા : ફીડર અને પ્લાન્ટ ખાતે એન્જીનીયરની ટીમનું સતત મોનીટરીંગ- ઈમર્જન્સી ટીમ તૈનાત

રાજકોટઃ કોરોનાના દર્દીઓને સતત ઓકિસજનની માંગને પહોંચી વળવા શાપર અને મેટોડામા ઓકિસજન પ્લાન્ટ્સ સતત કાર્યરત છે. કોઈપણ પ્રકારની અડચણ વગર આ પ્લાન્ટને સતત ૨૪ કલાક વીજ પુરવઠો મળી રહે તેમાટે ખાસ એકશન પ્લાન બનાવવામાં આવ્યો હોવાનું પી.જી.વી.સી.એલ. ના એ.સી.ઈ. શ્રી જે.જે. ભટ્ટ જણાવે છે.

શાપર ખાતે હાલ ચાર પ્લાન્ટમાં ઓકિસજનનું ઉત્પાદન ચાલી રહ્યું છે. અહીં પી.જી.વી.સીએલ.ના એન્જીનીયર અમીન હાલાઇને ખાસ ફરજ સોંપવામાં આવી છે. તેઓ જણાવે છે કે, હું દિવસ દરમ્યાન આ પ્લાન્ટ ખાતે ફરજ બજાવું છું. વિજ સપ્લાય અંગે કંઈપણ મુશ્કેલી કે અડ્ચણ આવે તો  અમારા સ્ટાફ અને પ્લાન્ટના મેનેજર સાથે સંપર્કમાં રહી સંકલન કરવાનું હોઈ છે. શાપર ખાતે ત્રણ સબ-સ્ટેશન દ્વારા ચાર ફીડર (લાઈન) કાર્યરત છે. અમારી ટીમ દ્વારા સબ સ્ટેશન તેમજ ફીડર ખાતે ખાસ મોનીટરીંગ કરવામાં આવી રહયું છે. સાથોસાથ અમારી એક ઇમરજન્સી ટીમ જરૂર પડે તો કાર્યવાહી કરી શકે તે માટે અનામત રાખવામા આવી છે, તેમ અમીનભાઈ જણાવે છે.

જયારે મેટોડા ખાતે બે ઓકિસજન પ્લાન્ટ હાલ કાર્યરત છે, અહીં પણ પ્લાંટ ખાતે જુનિયર એન્જીનીયર શ્રી ઉમેશભાઈ ગજેરા ફરજ બજાવે છે. તેઓએ ફેકટરી મલિક તેમજ ફીડર મોનીટરીંગ ટીમ સાથે સતત સંકલનમાં રહેવાનું હોય છે. તેઓ જણાવે છે કે, અમારી એક ટીમ ત્રણે ફીડરો પર ધ્યાન રાખતી હોઈ છે. કોઈ ફોલ્ટ આવે તો તુરંત જ અમને જાણ કરવામાં આવે છે. જેથી કરી અમે પ્લાન્ટમાં જણાવી શકીએ. ઉમેશભાઈ જણાવે છે કે, જો કોઈ ઇમર્જન્સીમાં ફીડર કે સબ-સ્ટેશન પર પાવર સપ્લાય બંધ કરવાની જરૂર પડે તો પણ પહેલા અમને જાણ કરવી પડે છે. જેથી કરી ફેકટરીમાં અમે પાવર કટ અંગે કહી શકીએ. જો કે હજુ સુધી એકપણ વાર પાવર કટ થયો હોઈ તેવું બનવા પામ્યું નથી.

(3:09 pm IST)