Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

જંકશન પ્લોટ રસીકેન્દ્રની 'ઘરની ધોરાજી': રોજ માત્ર ૨૦૦ને જ વેકસીનઃ બે વાગ્યે કામ બંધ

નથી સેનેટાઇઝર કે નથી પેરાસીટામોલની વ્યવસ્થા : લોકોનો આક્રોષ વિસ્તારના કોર્પોરેટરો કેન્દ્રો પર ફરકતા નથીઃ યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી

રાજકોટ,તા.૬: કોરોનાથી રક્ષણ માટે સરકાર દ્વારા ૧૫ જાન્યુઆરીથી તબક્કા વાઇઝ વેકિસનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વધુ ને વધુ લોકોને રસી લેવા તંત્ર વાહકો દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. બીજી તરફ શહેરનાં વોર્ડ નં.૩નાં જકશન વિસ્તારમાં આવેલ ઠક્કરબાપા પા.શાળામાં ચાલતા વેકિશન કેન્દ્ર પર ઘરની ધોરાજી ચાલતી હોય તેમ રસીકરણનું કામ બપોરનાં ૨ વાગ્યા આસપાસ બંધ કરી દેવાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

શહેરનાં વોર્ડ નં.૩નાં જકશન વિસ્તારમાં આવેલ ઠક્કરબાપા પા.શાળામાં ૪૫ વર્ષથી ઉપરનાં લોકોને રસી આપવામાં આવી રહી છે પરંતુ આ કેન્દ્ર પર બપોરનાં ૨ વાગ્યે રસીકરણનું કામ બંધ કરી દેવાતા વૃધ્ધ સહિતનાં નાગરીકોને વીલા મોઢે પરત ફરવુ પડે છે. લોકોનાં જણાવ્યા પ્રમાણે આ કેન્દ્ર પર સેનિટાઇઝની વ્યવસ્થા પણ રાખવામાં આવી નથી.વેકિસન આપ્યા બાદ આપવામાં આવતી પેરાસીટામોલ દવાનો જથ્થો નહિ હોવાથી  ગરીબ નાગરીકને પરેશાનીનો સામનો કરવો પડે છે.

વધુમાં લતાવાસીઓએ આક્રોષ સાથે જણાવ્યુ હતુ કે, આ અંગે સ્થાનિક કોર્પોરેટરને અનેક વખત રજૂઆત કરવા છતાં પરિસ્થિતી જૈસે થે જોવા મળી રહી છે. કોર્પોરેટરો આજ સુધી આ સેન્ટર પર ડોકાયા ન હોવાનો આક્ષેપ કર્યો હતો.

હાલ સમગ્ર દેશ કોરોના વાઇરસ મહામારી સામે જંગ લડી રહ્યો છે ત્યારે સૌના સાથ સહકારથી કોરોના સામે જંગ જીતી પણ  શકાશે. દેશમાં કોરોના વાઇરસની વેકસીનનો પ્રારંભ ૧૫ જાન્યુઆરીથી તબક્કા વાઇઝ થયો છે. શહેરનાં તમામ આરોગ્ય કેન્દ્ર પર ૪૫ વર્ષથી ઉપરનાં લોકો માટે રસી આપવામાં આવી રહી છે. શહેરનાં લોકોનો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. આજ દિન સુધીમાં ૪૫ વર્ષથી ઉપરનાં  ૧.૪૦ લાખ લોકોએ રસીનો પ્રથમ ડોઝ લઇ લીધો છે.જયારે બીજા ડોઝમાં ઓછો પ્રતિસાદ જોવા મળી રહ્યો  છેે. જેનુ કારણ સ્થાનિક તંત્ર વાહકોની નિરસતા હોવાનું લોકો કહી રહ્યા છે.

(3:06 pm IST)