Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

૧,૨૯,૫૧,૦૦૦નું મકાન માત્ર ૨૦ લાખ ૫૧ હજારમાંં પડાવી લેવાના કાવત્રાથી કમલેશભાઇ મરવા મજબૂર થયાની ફરિયાદ

દિકરા-દિકરીની સગાઇ થઇ ગઇ'તી લગ્ન માટે રૂપિયાની જરૂર હોઇ પોતાનું મોટુ મકાન વેંચી નાનુ મકાન લેવા નક્કી કર્યુ હતું : કમલેશભાઇએ પહેલા મકાન પરેશભાઇ જનાણીને વેંચી ૨૫ લાખ સુથી લઇ સાટાખત ભરી આપ્યું હતું: પણ સોદો કેન્સલ થતાં દિલીપ કોરાટ સાથે નવેમ્બર-૨૦૨૦માં રૂ. ૧,૨૯,૫૧,૦૦૦માં સોદો કરી તેની પાસેથી ૨૦ લાખ લઇ તેમાં ઘરમાં પડેલા ૫ લાખ ઉમેરી પરેશભાઇને ચુકવી સાટાખત રદ કરાવ્યું હતું : આરોપી આર. ડી. વોરા અને દિલીપ કોરાટ ફરાર : ક્રાઇમ બ્રાંચે ફેબ્રુઆરીમાં જ એ ડાયરીના પાના ફાડવામાં આવ્યા હતાં કે કેમ? તેમાં લખાણ હતું કે કેમ? તે સહિતના મુદ્દા કલીયર કરાવવા ડાયરી રાજકોટ એફએસએલમાં મોકલી હતીઃ તાલુકા પોલીસ આ રિપોર્ટ મેળવશે : ૮/૧/૨૧ના રોજ કમલેશભાઇ, તેના ભાઇ કાનજીભાઇ દિલીપ કોરાટના વકિલ આર. ડી. વોરાની ઓફિસે સાટાખત કરાવવા અને બાકીના ૬૫ લાખ લેવા ગયા ત્યારે વકિલે-૬૫ લાખ તો આપી દીધા છે, આ બાબતનું લખાણ ડાયરીમાં હતું તેમાં તમારી સહીઓ હતી, ર્ડીાયરીના પાના તમે ફાડી નાંખ્યા છે...કહી ખોટો આરોપ મુકયો હતોઃ પોલીસ કમિશનરને રજૂઆત કરવા ગયા પણ તેઓ હાજર નહોતાં: એ પછી કમલેશભાઇ અને તેના પત્નિ વિરૂધ્ધ દિલીપ કોરાટ અને તેની પત્નિએ ક્રાઇમ બ્રાંચમાં અરજી કરી દીધી હતી

રાજકોટ તા. ૬: નાના મવા રોડ શાસ્ત્રીનગર સામે શિવમ્ પાર્ક-૨માં રહેતાં કર્મકાંડી બ્રાહ્મણ કમલેશભાઇ રામકૃષ્ણભાઇ લાબડીયાએ પોતાના પુત્ર અને પુત્રીને ઝેર પીવડાવી પોતે પણ પી જઇ આત્મહત્યા કરી લીધાની ઘટનામાં તેના પુત્રનું પણ મૃત્યુ થયું હોઇ પોલીસે કમલેશભાઇ સામે હત્યા-હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો હતો. આ બનાવમાં મૃત્યુ પામનાર કમલેશભાઇના ભાઇ મવડી ભવનાથ પાર્ક-૧માં રહેતાં કાનજીભાઇ રામકૃષ્ણભાઇ લાબડીાય (ઉ.વ.૫૨)ની ફરિયાદ પરથી એડવોકેટ રાજેશભાઇ દેવજીભાઇ વોરા (આર. ડી. વોરા) તથા દિલીપ જીવરાજભાઇ કોરાટ સામે આઇપીસી ૩૦૬, ૪૦૬, ૩૮૪, ૧૧૪, ૧૨૦-બી મુજબ ગુનો દાખલ કરાયો છે. કમલેશભાઇનું ૧,૨૯,૫૧,૦૦૦ (એક કરોડ ઓગણત્રીસ લાખ એકાવન હજાર)નું મકાન આ બંનેએ માત્ર ૨૦ લાખ ૫૧ હજારમાં પડાવી લેવા કાવત્રુ ઘડ્યાનો ફરિયાદમાં આરોપ મુકાયો છે. હાલ બંને ફરાર હોઇ તેની શોધખોળ શરૂ થઇ છે.

કાનજીભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે મારાભાઇ કમલેશભાઇ લાબડીયા તેના પરીવાર સાથે શિવમ્ પાર્કમાં હતાં.  તેમના દીકરા અંકિત અને દિકરી કૃપાલીની સગાઇ થઇ ગયેલ હોય અને લગ્ન કરવાના હતા જેથી તેમને રૂપીયાની જરૂરત હોઇ એ કારણે તેઓ જે મકાનમાં રહેછે તે મકાન વેચીને બીજે નાનુ મકાન લેવા માટે મકાન વેચવા માટે કાઢેલ હતું. મારા ભાઇ કમલેશભાઇએ પહેલા પરેશભાઇ કનૈયાલાલ જનાણી (રહે. રાજકોટ)ને સાટાખત ભરી આપેલ હતુ અને તેની પાસેથી ૩ લાખ લીધેલ હતાં. પણ તેમની સાથે સોદો કેન્સલ થયેલ અને દલાલ મારફતે દિલીપભાઇ જીવરાજભાઇ કોરાટ (રહે.'ધરતી' ઉદયનગર શેરીનં-૧૭ સરદાર કોમ્યુનીટી હોલ પાછળ ૧૫૦ ફુટ રીંગરોડ રાજકોટ) સાથે મકાન વેચવા નવેમ્બર-૨૦૨૦માં રૂ. ૧,૨૯,૫૧,૦૦૦ (એક કરોડ ઓગણત્રીસ લાખ)માં સોદો થયેલ હતો અને સુથી પેટે ૨૦,૦૦,૦૦૦ આપેલ હતાં અને પરેશભાઇ જનાણીને સાટાખત કરી આપેલ હતુ તે રદ કરી આપવાની વાત થઇ હતી.

તે મુજબ વકીલ રાજેશભાઇ દેવજીભાઇ વોરા (આર. ડી. વોરા) મારફતે આ દીલીપભાઇએ કમલેશભાઇને રૂપિયા ૨૦,૦૦,૦૦૦ આપેલ જેથીતે રૂપીયા તથા ઘરમાં પડેલા ૫,૦૦,૦૦૦ મળી કુલ રૂ. ૨૫,૦૦,૦૦૦ પરેશભાઇ જનાણીને આપીને તેમનુ સાટાખત રદ કરાવેલ હતું. બીજા રૂ. ૬૧,૦૦,૦૦૦ (એકસઠ લાખ) આપે એટલે રજીસ્ટર સાટાખત કરવાનું હતું અને રૂ.૪૮,૦૦,૦૦૦નો વેચાણ દસ્તાવેજ કરવાનો હતો. તે રૂપીયા વેચાણ દસ્તાવેજ કરતી વખતે આપવાના હતા તેવી વાતચીત થયેલ હતી, અને સાટાખત કરવાનું કામ દીલીપભાઇ કોરાટના વકીલ આર. ડી. વોરાને સોંપાયું હતું.

ત્યારબાદ ૦૮/૦૧/૨૦૨૧ ના રોજ મારાભાઇ કમલેશભાઇનો મને ફોન આવેલ કે આજે સાટાખત કરવા જવાનુ છે. અને રૂપીયા લેવાના છે જેથી તમો તથા નીલેશભાઇ બંને સાથે આવજો અને વકીલ આર. ડી. વોરાની ઓફીસ બી/૨ રાજયોગ એપાર્ટમેન્ટ ટાગોર રોડ વિરાણી ચોક રાજકોટ ખાતે છે ત્યાં જવાનુ છે. તેમ વાત કરી હતી. જેથી હુ કમલેશભાઇના ઘરે ગયેલ અને થોડી વારમાં નીલેશભાઇ રામજીભાઇ જોષી જે મારા ભાણેજ થાય છે તે આવી ગયેલ બાદ અમો ત્રણેય સવારે સાડા અગિયાર વાગ્યે આ વકીલની ઓફીસે ગયેલ હતા અને હું તથા મારો ભાણેજ નીલેશ નીચે ઉ ભા રહેલ હતા અને કમલેશભાઇ ઉપર ઓફીસમાં ગયેલ હતાં.

આશરે પંદર વીસ મીનીટ પછી કમલેશભાઇનો ફોન આવેલ અને અમોને ઉપર બોલાવતા અમો બંને ઉપર આ વકીલ વોરાની ઓફીસમાં ગયેલ અને કમલેશભાઇને મ ળતા કમલેશભાઇએ કહેલ કે આ વકીલ સાહેબ એવુ કહેછે કે અમોએ તમને રૂપીયા પાંછઠ લાખ આપી દીધેલ છે,ચાલો સાટાખત રજીસ્ટર કરી આપો. જેથી અમોએ કહેલ કે તમે અમોને રૂપીયા આપેલ નથી કે દીલીપભાઇ કોરાટે પણ અમોને રૂપીયા આપેલ નથી તેમ કહેતા તે ઉશ્કેરાય ગયેલ અને કહેવા લાગેલ કે તેમોને રૂપીયા આપી દીધેલ છે તેમ છતા કેમ ના પાડો છો? મારી પાસે મેં તમોને રૂપીયા આપેલ તેનુ લખાણ મારી ડાયરીમાં હતુ અને તેમાં તમારી સહીઓ હતી તે ડાયરીના પાના તમોએ ફાડી નાખેલ છે. તેમ કહીને અમારી ઉપર ખોટો આરોપ મુકેલ જેથી અમારે આ વકીલ સાથે બોલાચા લી થયેલ હતી અને તેવામાં તેમણે આ દીલીપભાઇ કોરાટને પણ તેમની ઓફીસે બોલાવી લીધેલ અને આ દીલીપભાઇ કોરાટે પણ અમોને કહેલ કે તમોને રૂપીયા આપી દીધેલ છે. તેમ  છતા કેમ ના પાડો છો? જેથી અમોએ કહેલ કે અમોને રૂપીયા મળેલ નથી તમો રૂપીયા આપશો પછી જ સાટાખત કરી આપીશું. તેમ વાત કરતા અમોને ધમકી આપેલ કે તમો કેમ સાટાખત નથી કરી આપતા તે હુ જોવુ છુ અને જો સાટાખત નહી કરી આપો તો હુ તમને જોઇ લઇશ તેમ કહી ધમકી આપેલ હતી જેથી કમલેશભાઇએ મારા ભત્રીજા દીપકભાઇ પ્રવિણભાઇ કે જે પોલીસ હેડ કવાર્ટરમાં અંબાજી મંદીરના પુજારી છે તેમને ફોનથી જાણ કરતા તેમણે કહેલ કે, તમો પોલીસ કમિશ્નર સાહેબને રૂબરૂ મળીને અરજી આપી દો. જેથી અમો પોલીસ કિંમશનર કચેરી ખાતે ગયેલ. પરંતુ પોલીસ કમિશનર હાજર નહોતા જેથી અમો મળ્યા વગર ઘરે જતા રહ્યાં હતાં.

ત્યારબાદ મારાભાઇ કમલેશભાઇને ક્રાઇમ બ્રાંચમાંથી ફોન આવેલ અને તેને બોલાવેલ હતાં. ત્યારે તેમને ખબર પડેલ કે, આ દીલીપભાઇ તથા તેમના પત્નિ દિપ્તીબેને મારા ભાઇ કમલેશભાઇ તથા તેના પત્નિ જયશ્રીબેન વિરૂધ્ધ ક્રાઇમ બ્રાંચમાં અરજી કરેલ છે અને અરજીની તપાસ પી.એસ.આઇ કરે છે. તેવી વાત મને કમલેશભાઇએ કરેલ હતી. આ દીલીપભાઇ તથા વકીલ આર. ડી. વોરાએ મારા ભાઇ કમલેશભાઇને રૂપીયા આપેલ ન હોઇ તેમ  છતા મકાનનું રજીસ્ટર સાટાખત કરી આપવા દબાણ કરતા હતાં. રૂપીયા આપ્યા ન હોઇ મારા ભાઇ કમલેશભાઇને તેના દીકરા અંકિત તથા દિકરી કૃપાલીની સગાઇ થઇ ગઇ હોઇ અને લગ્ન કરવા માટે રૂપીયાની ખાસ જરૂર હતી જેથી તે આર્થીક સંકળામણમાં હતાં તેમજ દિકરા તથા દિકરીના લગ્ન અટકી જશે તેની ચિંતામાં હતાં

કાનજીભાઇએ ફરિયાના અંતમાં જણાવ્યું છે કે દિલીપભાઇ કોરાટ અને વકીલ આર. ડી. વોરાએ મારા ભાઇ કમલેશભાઇને મકાના સોદાના રૂપિયા ૬૫,૦૦,૦૦૦ આપ્યા ન હોવા છતાં આપી દીધાનું કહી પુર્વઆયોજીત કાવત્રુ રચી છેતરપીડી કરી સાટાખત કરી આપવા દબાણ શરૂ કરતાં તેના કારણે મારાભાઇ કમલેશભાઇએ આ લોકોના ત્રાસના કારણે તેણે પરિવાર સહિત મરી જવાનું નક્કી કરેલ અને તા. ૦૨/૦૫/૨૦૨૧ના તેણે ઝેરી દવા એક બોટલમાં લઇ આવી ૦૩/૦૫/૨૦૨૧ રાત્રીના આશરે સવા બારેક વાગ્યે આ કોરોનાની દવા છે. જે પીવાથી કોરોના ન થાય તેમ કહી એક તપેલીમાં નાખી તેમાથી ચાર ગ્લાસ ભરેલ અને પહેલા પોતે પીધેલ અને બાદ તેના દિકરા દિકરીને આપેલ. પત્નિને પણ દવા આપેલી પણ તેણે પીધી નહોતી. એ પછી ત્રણેયને ઉલ્ટીઓ થતાં કમલેશભાઇના પત્નિ જયશ્રીબેને મને ફોન કરીને વાત કરતાં હું તેમના ઘરે ગયેલો અને મારા ભત્રીજા દીપક તથા ભાણેજ બાલકૃષ્ણભાઇને ફોન કરીને ત્રણેયને હોસ્પિટલે ખસેડ્યા હતાં.

દવા પીવાનું કારણ પુછતાં કમલેશભાઇએ જણાવ્યું હતું કે મકાનના સોદા બાબતે આર.ડી.વોરા વકીલે મારી સાથે રૂપીયા બાબતે દગો કરેલ છે અને રૂપીયાના વાંકે મારા દિકરા તથા દિકરીના લગ્ન અટકી જશે તેમ વાત કરેલ અને તેમના ખીસ્સા તરફ ઇશારો કરતા તેમના ખીસ્સામાંથી એક ચીઠ્ઠી મળી આવેલ જેમાં પણ મકાનના સોદા બાબતેના રૂપીયા પાંસઠ લાખ બાબતે વકીલ આર. ડી. વોરા તથા દિલીપભાઇ કોરા ટે ખોટા આક્ષેપ કરેલ છે, અને તેના કારણે આર્થીક સંકળામણમાં છુ...એસહિતની હકિકત લખેલ હોય અને તેના કારણે પોતે ઝેરી દવા પી લીધેલ છે. તેમજ દિકરા-દિકરીને પણ પીવડાવી છે તેવી વાત કરેલ હતી. ત્યાર બાદ તેઓ અર્ધ બેભાન થઇ ગયેલ હતા. સારવાર દરમિયાન અંકિત અને મારા ભાઇ કમલેશભાઇના મૃત્યુ થયા છે. મારા ભાઇ કમલેશભાઇએ તેના હાથે લખેલી સ્યુસાઇડ નોટ મેં પોલીસ સમક્ષ રજૂ કરતાં પોલીસે ઘરે પંચનામુ કરી નોટ કબ્જે કરી છે.

કાનજીભાઇ લાબડીયાની ઉપરોકત ફરિયાદને આધારે તાલુકા પીઆઇ જે. વી. ધોળા, પીએસઆઇ ડામોર, ભરતભાઇ વનાણી, વિજયગીરી ગોસ્વામી સહિતનો સ્ટાફ વિશેષ તપાસ કરે છે.

  • કોરાટ દંપતિએ અરજી કરી હતી, આરોપીમાં એકનું જ નામ શા માટે? : બ્રહ્મ સમાજના આગેવાનનો અણીયારો સવાલઃ તટસ્થ તપાસ કરવા અને મકાન બતાવનાર દલાલને પણ શોધવા માંગણી

. દરમિયાન આ બનાવમાં બ્રહ્મ સમાજના અગ્રણી શ્રી કશ્યપ શુકલએ જણાવ્યું હતું કે ચાર મહિના પહેલા કોરાટ દંપતિએ મૃત્યુ પામનાર કમલેશભાઇ અને તેનમના પત્નિ વિરૂધ્ધ અરજી કરી હતી. આ અરજી થયા પછી જ કમલેશભાઇ વધુ ચિંતામાં આવ્યા હતાં. આ અરજીની શું તપાસ થઇ હતી તે ધ્યાને લેવું જરૂરી છે. દિલીપ કોરાટના પત્નિનું પણ આરોપીમાં નામ સામેલ કરવું જોઇએ. કારણ કે કમલેશભાઇ વિરૂધ્ધની અરજીમાં કોરાટ દંપતિએ સજોડે અરજી કરી હતી. ૧૨૦-બી મુજબ કાવત્રાની કલમ ફરિયાદમાં લેવામાં આવી છે. પણ કમલેશભાઇનું મકાન બતાવનાર દલાલ કોણ? આ પ્યાદુ કોણ? આ પણ તપાસ થવી જોઇએ.  અગાઉ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ રબારીએ કરેલી તપાસ પણ રેકોર્ડ પર લેવા અને તટસ્થ અધિકારી મારફત તપાસ થાય તેવી અમારી માંગણી છે.

(3:04 pm IST)