Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

રાજકોટ જેલમાં બે પાકા કેદી મોબાઇલના સીમકાર્ડની લેતીદેતી કરતાં ઝડપાયા

માટલાના ઢાંકણા પર ભાવેશે સીમકાર્ડ મુકયું ને અકિલે ઉઠાવ્યું: જેલ સહાયક જોઇ જતાં જેલર એમ. એમ. ચૌહાણે પ્ર.નગરમાં ફરિયાદ દાખલ કરાવી

રાજકોટ તા. ૬: સેન્ટ્રલ જેલમાંથી અગાઉ બેરેકમાંથી કે જેલ કમ્પાઉન્ડમાંથી મોબાઇલ ફોન, ચાર્જર, બેટરી, સીમકાર્ડ તેમજ પ્રતિબંધીત ચીજવસ્તુઓ મળવાની ઘટનાઓ અનેક વખત બની હતી. જે તે વખતે પોલીસ કમિશનરે સીટની રચના પણ કરી હતી. દરમિયાન વધુ એક વખત જેલ અંદર સર્કલ-૧માં યાર્ડ નં. ૧૦ની ખોલી નં. ૧૧ પાસે માટલાના ઢાંકણા પાસેથી મોબાઇલ ફોનનું સીમ કાર્ડ મુકતાં લેંતાં બે પાકા કેદી પકડાતાં ગુનો દાખલ કરાયાવો છે.

આ બારામાં જેલના ગ્રુપ-૨ જેલર એમ. એમ. ચોૈહાણે પ્ર.નગર પોલીસમાં જેલના કેદી અકિલ વલીભાઇ સૈયદ અને  વોચમેન ભાવેશ વશરામભાઇ વિરૂધ્ધ પ્રિઝન એકટની કલમ ૪૨, ૪૩, ૪૫ની પેટા કલમ ૧૨ મુજબ ગુનો દાખલ કરાવ્યો છે.

જેલરશ્રી ચોૈહાણે ફરિયાદમાં જણાવ્યું છે કે તા. ૫/૫ના મારી ડ્યુટી હતી. સાંજે પોણા છએક વાગ્યે સર્કલ ૧૧ યાર્ડ નં. ૧૦ની ખોલી નં. ૧૧માં રાખવામાં આવેલા પાકા કામના કેદી અકીલ સૈયદને પાણીના માટલાના ઢાંકણા ઉપરથી સીમકાર્ડ લેતાં જેલ સહાયક જયદેવભાઇ મકવાણા જોઇ ગયા હતાં. આ સીમકાર્ડ વોચમેન કેદી ભાવેશ વશરામભાઇએ મુકયું હતું.

આ અંગે અમને જાણ થતાં તપાસ કરાવતાં એરટેલ કંપનીનું સિમકાર્ડ હોવાનું જણાયું હતું. જે જેલમાં પ્રતિબંધીત હોઇ બંને પાકા કેદીઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જેલરશ્રીએ સીમકાર્ડને એફએસએલ ખાતે ચકાસણીમાં મોકલવા ફરિયાદમાં જણાવ્યું છે. પ્ર.નગર પીએસઆઇ બી. વી. બોરીસાગર અને આનંદભાઇએ તપાસ હાથ ધરી છે.

(1:05 pm IST)