Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

ગોંડલ રોડ પર કૂરિયર સંચાલકને ઓફિસમાં બાંધી ૨૨ લાખની શંકાસ્પદ લૂંટનો ભેદ ખોલવા દોડધામ

સંચાલક હરજીભાઇ ભોગાયતાને સમી સાંજે પાર્સલ કરવાના બહાને આવેલા ત્રણ શખ્સોએ છરી બતાવી લૂંટી લીધાની ઘટનાઃ રકમના વ્યવહારો, બંધન જાતે છોડ્યું, સહિતના મુદ્દા શંકાસ્પદ : પહેલા પંદર લાખ ગયાનું કહ્યું, પછી વધુ સાત લાખ પણ લૂંટાયાનું કહ્યું: માલવીયાનગર પોલીસ, અને ક્રાઇમ બ્રાંચની ટીમોની મથામણ

જ્યાં લૂંટ થઇ એ બાલાજી કૂરિયરની ઓફિસ, જેમાં સંચાલકને બાંધી દેવાયેલ તે ખુરશી તથા ઘટના સ્થળે પોલીસ કાફલો જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૬: સામા કાંઠે ધોળે દિવસે શો રૂમના માલિકને માર મારી લમણે પિસ્તોલ તાંકી ૮૫ાા લાખની લૂંટ ચલાવાયાની ઘટનામાં હજુ કોઇ કડી મળી નથી ત્યાં બુધવારે સાંજે ગોંડલ રોડ માલવીયા કોલેજ નજીક આવેલી શ્રીબાલાજી ફાસ્ટ કૂરિયર એન્ડ કાર્ગો પ્રા.લિ. નામની ઓફિસમાં ઘુસી બે લૂંટારૂ છરીની અણીએ કૂરિયર પેઢીના સંચાલકને ખુરશીમાં બાંધી દઇ રૂ. ૨૨ લાખની લૂંટ ચલાવતાં ચકચાર જાગી છે. જો કે ઘટનામાં પોલીસ સામે કેટલાક શંકાસ્પદ મુદ્દા સામે આવ્યા હોઇ તપાસ શરૂ કરી છે. પ્રારંભે સંચાલકે એક પેઢીના આવેલા ૧૫ લાખ જ લૂંટાયાનું અને બાદમાં પોતાના અંગત ૭ લાખ હતાં તે મળી કુલ ૨૨ લાખ લૂંટાયાની વાત કરતાં પોલીસે ઉંડી તપાસ હાથ ધરી છે.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ ગોંડલ રોડ પર પી. ડી. માલવીયા કોલેજ નજીક રાજર્ષિ ઓટો પાસે આવેલીબ બાલાજી કૂરિયર નામની ઓફિસમાં લૂંટની ઘટના બન્યાની જાણ થતાં માલવીયાનગર  પોલીસ, ક્રાઇમ બ્રાંચનો કાફલો પહોંચ્યો હતો. પોલીસે તપાસ કરતાં આ કૂરિયર પેઢીનું સંચાલન કાંગશીયાળી પાસે કલ્પવન સોસાયટીમાં રહેતાં હરજીભાઇ ગોવાભાઇ ભોગાયતા છે. તેણે પોલીસને કહ્યું હતું કે સાંજે સવા સાતેક વાગ્યે પોતે પોતાની ઓફિસમાં હતો ત્યારે ત્રણ શખ્સો બાઇક પર આવ્યા હતાં. આ ત્રણેયના મોઢા પર  માસ્ક બાંધેલા હતાં.

આ ત્રણમાંથી એક શખ્સે 'પાર્સલ મોકલવું છે' તેમ કહી વાતચીત શરૂ કરી હતી. ત્યાં અચાનક બીજા બે શખ્સ નજીક આવ્યા હતાં અને છરી કાઢી ધમકી આપી મારકુટ કરી હતી. એ પછી પોતાને પ્લાસ્ટકીની ખુરશી પરથી ઉભા ન થવા ધમકાવ્યો હતો અને પ્લાસ્ટીકની દોરીથી ખુરશીમાં બાંધી દીધો હતો. ત્યારબાદ ઓફિસમાં પડેલો ૧૫ લાખની રોકડનો થેલો લઇ ત્રણેય ભાગી ગયા હતાં.

હરજીભાઇએ વધુમાં પોલીસને કહ્યું હતું કે પોતે બાદમાં જાતે જ હાથને હલબલાવતાં બાંધેલી દોરી ઢીલી પડી હતી. એ પછી એક હાથથી કટર લઇ દોરી કાપી હતી અને મુકત થયો હતો.

પોલીસ સામે અમુક શંકાસ્પદ મુદ્દા સામે આવ્યા છે તેમાં પંદર લાખ અને ૭ લાખના વ્યવહારની વિગત, ઓફિસ અંદર કે બહાર સીસીટીવી કેમેરા નથી, લૂંટની ઘટનાની નજીકમાં કોઇને જાણ ન કરી, ખુરશીનું બંધન જાતે જ સરળતાથી છોડાવી લીધું, ફૂટેજમાં દેખાતા અલગ અલગ બાઇક સવારોમાંથી કોણ હતાં તેને ઓળખી શકવામાં અવઢવ...આ સહિતનો સમાવેશ થાય છે.

ઉચ્ચ અધિકારીઓની રાહબરીમાં પીઆઇ કે. એન. ભુકણ, પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ વી. કે. ઝાલા, પીએસઆઇ પી. એમ. ધાખડા, માલવીયાનગર ડી. સ્ટાફ અને ક્રાઇમ બ્રાંચની ટીમોએ તપાસ યથાવત રાખી છે.

(11:44 am IST)