Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

ઠગાઇના ગુનામાં ૧૦ વર્ષથી ફરાર આર્કિટેક પરિમલ શાહને ગાંધીનગરથી દબોચતી રાજકોટ ક્રાઇમ બ્રાંચ

રાજકોટ તા. ૬: છેતરપીંડીના ગુનામાં દસ વર્ષથી ફરાર શખ્સ પરિમલ હસમુખભાઇ શાહ (ગજ્જર) (ઉ.૪૭-રહે. મુળ મંગલમ્ સોસાયટી, ઘોડાસર અમદાવાદ, હાલ એ-૪૦૨, મહાવીર હિલ્સ-૨, પાંડવ વાડી આંબાપુરૂ કોબા, ગાંધીનગર)ને તેના ઘરેથી ક્રાઇમ બ્રાંચની ટીમે પકડી લીધો છે.

જુના ગુનાઓમાં નાસતા ફરતાં શખ્સોને શોધી કાઢવાની પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે.એચ. સરવૈયાની સુચના હોઇ પી.આઇ. એચ. એમ. ગઢગવીની રાહબરીમાં પીએસઆઇ તથા હેડકોન્સ. હિતુભા ઝાલા, કોન્સ. જયદિપસિંહ જાડેજા, વિક્રમભાઇ લોખીલ, પ્રદ્યુમનસિંહ ઝાલા, જીજ્ઞેશભાઇ મારૂ, હિરેન્દ્રસિંહ પમાર સહિતની ટીમ કાર્યરત હતી. એ દરમિયાન પીએસઆઇ એસ. વી. પટેલ અને હિતેન્દ્રસિંહ, જીજ્ઞેશભાઇ તથા હિરેન્દ્રસિંહને બાતમી મળતાં પરિમલ શાહને ગાંધીનગરથી પકડી લેવાયો છે. તેના વિરૂધ્ધ ૨૦૦૯માં એ-ડિવીઝન પોલીસ મથકમાં આઇપીસી ૪૦૬, ૪૨૦, ૫૦૬ (૨), ૧૨૦ બી, ૧૨૦-બી ૧૧૪ મુજબ ગુનો નોંધાયો હતો.  વર્ષ ૨૦૦૯માં ગોંડલ રોડ પર રંગોલી કોમ્પલેક્ષમાં ઓફિસ ભાડે રાખી ડાયમંડ વેલી અને બીરલા સન લાઇફ ઇન્સ્યોરન્સના નામની સ્કીમ ચાલુ કરવામાં આવીહ તી. જેમાં અમિત કુમાર શર્મા, સંજીવ કુમાર શર્મા, જીતેન્દ્ર શર્મા સહિતે ૮૦ લાખની ઠગાઇ કર્યાની ફરિયાદ જે તે વખતે ગોંડલ ભવનાથનગરના નિરજ શાંતિલાલ ગણાત્રાએ નોંધાવી હતી. જેમાં બીજા પકડાઇ ગયા હતાં. આ ગુનામાં બાદમાં પરિમલનું નામ પણ સામે આવ્યું હતું. જે સતત ફરાર હોઇ હવે પકડાઇ જતાં પીઆઇ એન. કે. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ એ. જી. અંબાસણા અને વિજયભાઇ બાલસ, નિર્મળસિંહ સહિતે વધુ તપાસ હાથ ધરી છે.

(3:40 pm IST)